લેખકની કલમે

ભજીયાવાળી છોકરી પ્રકરણ 6 – મારા અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધ તો નહોતો પણ સાવ નહોતો એવું પણ નથી!

ભજીયાવાળી છોકરી (ભાગ : 1 થી 4  વાંચવા અહીંયા ક્લિક કરો)

હું અને ગ્રીષ્મા ભજીયાની ડીલીવરી કરીને ગામમાં પાછા આવ્યા. ગ્રીષ્માની દુકાન પાસે પહોંચ્યા અને ત્યારે ગ્રીષ્માના ઘરની બાર કોઈ કાર પડી હતી. મેં ગ્રીષ્માને પૂછ્યું, “ગ્રીષ્મા, આ કાર કોની છે ?” ગ્રીષ્માએ કાર તરફ જોયુ અને ચિંતામાં આવી ગઈ, હું કંઈ બોલુ એ પહેલા ગ્રીષ્મા બોલી, “ગૌરવ, આ તો મારા મોટા પપ્પાની કાર છે ! ગૌરવ તું પ્લીઝ અહીંયાથી જા…હું તને રાત્રે મળીશ.” મેં કહ્યું, “પણ એવું તે શું થયું ?” એ બોલી, “ગૌરવ તું હજુ મારા મોટા પપ્પાને નથી ઓળખતો ! એણે હું બાર ક્યાંય જાઉં અને આમ કામ કરવું એ પસંદ નથી અને બહુ જ નેરો માઇન્ડેડ છે.” મેં કહ્યું, “સારું તો હું તને રાત્રે કોલ કરીશ અને પોસીબલ હોય તો તું મારા ઘરે આવજે ને, મારા મમ્મી-પપ્પા સાથે બેસીને વાતો કરીશું.” એણે કહ્યું, “સારું, હું જોઇશ…” અને આમ હું મારા ઘરે ગયો અને ગ્રીષ્મા એના ઘરે.

ઘરે જઈને ફ્રેશ થયો અને ટુવાલથી મોઢું લૂછતો હતો ત્યારે ગાડીના હોર્નનો અવાજ સંભળાયો અને મામી બહાર જોવા ગયા અને દોડતા અંદર આવીને બોલ્યા, “ગૌરવ તારા મમ્મી-પપ્પા આવ્યા છે, ચાલ એમને સરપ્રાઈઝ આપીએ ! તું રસોડામાં સંતાઈ જા…હું કહું એટલે બહાર આવજે !” મને મામીનો આ આઈડિયા સારો લાગ્યો અને હું રસોડામાં સંતાઈ ગયો. મને યાદ છે કે ગામડામાં બધા જ ઘરના રસોડા એક જેવા હોય અને સાંકડા હોય, પણ એમાં માટીના ચુલ્લાની સુગંધની તો શું વાત….મન તો થાય કે અહીંયા જ રહી જાઉં. મમ્મી-પપ્પા ઘરમાં આવ્યા અને બહુ થાકેલા લાગતા હતાં. એ લોકો ખાટલા પર બેઠા અને હું એમને ધ્યાનથી જોતો હતો. મામી બોલ્યા, “ગૌરવનો લંડનથી ફૉન આવ્યો હતો ” મમ્મી આટલું સાંભળીને બોલ્યા, “શું કીધું ગૌરવે? ઘણા ટાઇમથી એની સાથે વાત નથી થઈ. એક તો કેદારનાથ બાજુ મોબાઈલમાં ટાવર જ ના આવે !” મામીએ કહ્યું, “તમે ચિંતા ના કરો, બંને ભાઈઓ અને વહુ હેમખેમ છે અને ઠીક છે અને ગૌરવ તો ઇન્ડિયા તમને મળવા આવવાની વાત કરતો હતો !” મમ્મી આ વાતથી ખૂબ જ ખુશ થઈ ગયા અને બોલ્યા, “ક્યારે આવવાનો છે ?” ત્યારે હું મમ્મીને ના દેખાય એ રીતે એમની પાછળ ગયો અને એમની આંખો બંધ કરી દીધી. મમ્મી ગુસ્સે થઈને બોલ્યા, “અરે ચકી તું અત્યારે મસ્તી ના કર, ગૌરવ વિશે વાત ચાલુ છે !” મેં હાથ હટાવ્યા અને મમ્મીએ કહ્યું, “અરે વાહ ચકી, તું તો ડાહી થઈ ગઈ !” હું ધીમે ધીમે ચાલીને મમ્મીની આગળ આવ્યો અને મમ્મી સામે ઉભો રહી ગયો અને બોલ્યો, “મમ્મી કેમ છો ?” મમ્મી મારી સામે જોતા જ રહ્યા અને અચાનક બોલ્યા, “ગૌરવ….તું…. આ તું જ છે ને ?” મેં મમ્મીને કહ્યું, “હા મમ્મી, હું જ છું !” મમ્મી ઉભા થયા અને મને બાથે ભરીને રડવા લાગ્યા. હું પપ્પાને પગે લાગ્યો અને મમ્મી બોલ્યા, “ગૌરવ સાચુ કેજે, તારા પપ્પાને ખબર હતી ને કે તું આવ્યો છે !” મેં સ્મિત સાથે હા પાડી અને મમ્મી બોલ્યા, “એટલે જ યાત્રા દરમિયાન એકતા એકલા હસતાં હતા, હું તો ડરી ગઈ કે ગાંડા તો નથી થઈ ગયા ને !” અમે બધા મમ્મીની આ વાત સાંભળીને હસવા લાગ્યા.

Image Source

મામીએ મમ્મી-પપ્પા માટે ચા બનાવી અને હું ઓસરીમાં રાખેલા ખાટલા પર ગયો અને થોડીવાર સૂતો. ગામડાની ઠંડક અદ્દભુત હોય છે, અને એમાંય નળીયાવાળા ઘરમાં રહેવાની કંઈક અલગ જ મજા હોય છે. આંખો બંધ કરીને હું આરામ કરતો હતો ત્યારે ગ્રીષ્માનો મેસેજ આવ્યો અને મેસેજમાં ગ્રીષ્માએ સાંજે છ વાગ્યે મળવાનું કહ્યું હતું. ત્યારબાદ હું મમ્મી સાથે બેઠો અને મમ્મીએ પોતાની યાત્રાની વાતો કરી. હું અને મમ્મી વાતો કરતાં હતા ત્યારે અચાનક ગ્રીષ્મા આવી અને મમ્મીને પગે લગતા બોલી, “આંટી ફરી આવ્યા ?” મમ્મીએ કહ્યું, “કેમ છે બેટા ગ્રીષ્મા ?” ગ્રીષ્માએ કહ્યું, “એકદમ મજામાં અને તમારી યાત્રા કેવી રહી ?” મમ્મીએ કહ્યું, “સરસ રહી..” મમ્મી અને ગ્રીષ્મા વાતો કરતાં હતા ત્યારે હું ગ્રીષ્મા સામે જ જોઈ રહ્યો હતો. મમ્મીએ મારી સામે જોયું અને બોલ્યા, “ગૌરવ, આ ગ્રીષ્મા છે, ખબર છે તારી સાથે ભણતી અને તારી માટે ભજીયા લઈ આવતી !” ત્યારે મામી આ વાત સાંભળી ગયા અને બોલ્યા, “અરે ગૌરવ તો પહેલા દિવસથી જ ગ્રીષ્માને ઓળખે છે અને એની દુકાને પણ જાય છે !” મમ્મી બોલ્યા, “વાહ, તો સારું કહેવાય, ગ્રીષ્માને એક મિત્ર મળી ગયો.” ગ્રીષ્માએ કહ્યું, “હા એ તો છે જ, જ્યારથી ગૌરવ આવ્યો છે ત્યારથી મારું કામ ઓછું થઈ ગયું છે અને તમને ખબર છે ગૌરવને ભજીયા બનાવતા આવડી ગયા છે.” મામી બોલ્યા, “આખો દહાડો ભેગો હોય તો આવડે જ ને !” મેં મામી સામે જોયું અને મામી મારી સામે આંખથી ઈશારો કરતાં અને અને ખબર નહીં કેમ પણ એ સમયે ગ્રીષ્મા બ્લશ કરતી હતી. મમ્મીએ કહ્યું, “સારું બેટા, મમ્મીને મારી યાદ આપજે અને બેટા આજે રાત્રે અહીંયા જ જમજે !” ગ્રીષ્માએ કહ્યું, “ના ના આંટી, મમ્મીની હમણાંથી તબિયત ખરાબ રહે છે એટલે એમની માટે જમવાનું બનાવવું છે અને એમની સાથે જ જમવું છે !” મમ્મીએ કહ્યું, “મમ્મીને કહેજે કે આરામ કરે અને હા, કંઈ કામ પડે તો ગૌરવને કહેજે !” ગ્રીષ્માએ કહ્યું, “સારું..” ગ્રીષ્મા જવાની તૈયારી કરતી હતી ત્યારે મામી શરબત બનાવીને લઈ આવ્યા અને બોલ્યા, “નણંદજી, રાજકોટમાં મૂળજીકાકાના છોકરાના લગ્ન છે અને એમણે ગૌરવને બોલાવ્યો છે.” મમ્મી એ કહ્યું, “અરે હા, ગૌરવ તારે મૂળજીકાકાના ઘરે લગ્નમાં જવાનું છે !” ત્યારે ગ્રીષ્માએ કહ્યું, “કદાચ મારે પણ ત્યાં જ ઓર્ડર છે અને હું બે કંદોઈ લઈને જવાની છું !” મમ્મીએ કહ્યું, “તો તો તું ગૌરવને પણ લઈ જજે, એમ પણ એ ક્યાંય બહાર નથી નીકળતો અને એ બહાને સમાજમાં દેખાશે તો ખરો !” મામીએ મારા ખભા પર હાથ મુક્યો અને કહ્યું, “લગ્ન પરમદિવસે છે તો હું તમારો થેલો પેક કરી દઉં ?” મેં મામી સામે જોયુ અને કંઈ ન બોલ્યો અને મામીએ કહ્યું, “સારું તો હું બેગ પેક કરી દઉં છું !” ગ્રીષ્મા બ્લશ કરતી હતી અને બોલી, “સારું આંટી તો હું નીકળું, મારે દુકાન પર જવું છે !” મમ્મીએ હકારમાં મોઢું હલાવીને હા પાડી અને ગ્રીષ્મા એના ઘરે જવા નીકળી અને હું ઉભો થયો અને મામી મારી સામે હસતા હતાં અને હું ધીમેથી બોલ્યો, “થેન્ક યુ મામી !”

હું પાછો ઓસરીમાં આવ્યો અને ખાટલા પર સૂતો અને વિચારતો હતો કે આજે મામી બરાબરનું સેટિંગ કરી દીધું. મારા અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધ તો નહોતો પણ સાવ નહોતો એવું પણ નથી ! હું મનોમન હરખાતો હતો અને પરમદિવસની આતુરતા પૂર્વક રાહ જોતો હતો. મનમાં ઘણા પ્રશ્નો હતાં અને બીજી બાજુ એક હરખ, જે મેં ક્યારેય નહોતો અનુભવ્યો. એ બાજુ મારી રિટર્ન ટિકિટની તારીખ યાદ આવતી હતી અને બીજી બાજુ ગ્રીષ્મા સાથે આગળ વધતો સંબંધ ! વિચારતા વિચારતા ઊંઘ આવી ગઈ ને ઉઠ્યો ત્યારે સાડા પાંચ થયા હતા. હું ઉભો થયો અને ફ્રેશ થઈને ગ્રીષ્માના ઘરે જવા નીકળ્યો. દરરોજની જેમ આજે પણ સાત વાગ્યે ભજીયા વેચાઈ ગયા અને દુકાન વધાવીને હું અને ગ્રીષ્મા એના ઘરના ધાબા પર બેઠા.

Image Source

આજે ગ્રીષ્મા થોડી ઉદાસ લાગતી હતી એટલે મેં પૂછ્યું, “ગ્રીષ્મા શું થયું ? કેમ આજે અપસેટ છે ?” ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ, મારા મોટા પપ્પાને હું અને મમ્મી આમ એકલા રહીને ભજીયાની દુકાન ચલાવીએ એ પસંદ નથી અને એ એમ કહે છે મારી સાથે અમદાવાદમાં રહો.” મેં કહ્યું, “પછી શું ?” એ બોલી, “મમ્મી એ એમને ના પાડી દીધી અને એમ કહ્યું કે અમે અહીં ખુશ છીએ.” મેં કહ્યું, “તું તારા મોટા પપ્પાને સમજાવતી કેમ નથી ?” ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ, મારા મોટા પપ્પા ઓછું ભણેલા છે અને ઘરની કોઈ છોકરી ભણે એ એમને ગમતું નથી, હવે તું જ કે આવી વ્યક્તિને કઈ રીતે સમજાવું ?” હું વિચારતો હતો કે ગ્રીષ્માની વાતમાં દમ છે અને એ સાચી પણ છે. મેં ગ્રીષ્માના સામે જોયું, “આવા લોકોના કારણે તો આપણી સ્ત્રીઓ ભણતી નથી !” ગ્રીષ્માએ કહ્યું, “સારું છે કે મારા મમ્મી એમની સામે બોલે છે, નહિતર એ અમારી પર ઓર્ડર કરે !” મેં ગ્રીષ્માનો હાથ પકડ્યો અને એ મારી સામે જોવા લાગી અને મેં કહ્યું, “હું છું ને…બધુ જ ઠીક થઈ જશે.” અંધારું થઈ ગયું હતું અને ગ્રીષ્મા બોલી, “રસોઈ બનાવવી છે પણ અહીંથી જવાનું મન નથી કરતું !” મેં સ્માઈલ સાથે કહ્યું, “એકવાર આપણે અહીં આખી રાત બેસીને વાતો કરીશું !” ગ્રીષ્મા અચાનક બહુ જ ખુશ થઈ ગઈ અને બોલી, “ક્યારે…!” મેં કહ્યું , “બહુ જલ્દી !” અને એ ઘરમાં રસોઈ બનાવવા ગઈ અને હું મારા ઘર તરફ.

લેખક: પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks