ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘણા બધા મંદિરો આવેલા છે અને એમાં પણ પ્રસિદ્ધ મંદિરો પણ ઘણા જ છે, દરેક મંદિરની એક આગવી વિશેષતા છે અને એક આગવો ઇતિહાસ આ મંદિરો ધરાવે છે, આવું જ એક મંદિર વડોદરા શહેરમાં આવેલું છે જેને ઇએમઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આધુનિક સમયમાં બનેલું આ મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને ના માત્ર હિન્દૂ ધર્મના લોકો માટે પરંતુ તમામ ધર્મના લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવે છે.

વડોદરા શહેર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પહેલાથી જ રહ્યું છે અહીંયા ઘણી ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુઓ જોવા મળે છે, સાથે સાથે આ શહેરમાં ઘણા એવા મંદિરો પણ આવેલા છે જ્યાં પર્યટકોને જવું ગમે છે, દેશના જ નહિ વિદેશથી આવનારા પર્યટકો માટે પણ કેટલાક મંદિરો આકર્ષણનું કેન્દ્ર બને છે.

આવું જ એક મંદિર વડોદરામાં આવેલું છે જેનું નામ છે ઇએમઈ મંદિર. આ મંદિરને આમ તો ભગવાન શિવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ મંદિરની એક ખાસિયત છે કે અહીંયા તમામ ધર્મના લોકો દર્શન માટે આવે છે. ચાલો જાણીએ મંદિરમાં એવું શું છે ખાસ?

વડોદરાના આ ઇએમઈ મંદિરને દક્ષિણામૂર્તિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ એક અદભુત મંદિર છે, જેને ભારતીય સેનાના ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ ઇજનેરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આધુનિક વાસ્તુકલાની વિશેષતાઓ સાથે બનેલું આ મંદિર ભગવાન શંકરના દક્ષિણામૂર્તિ (પ્રધાન શિક્ષક)ના રૂપને સમપરપિત છે. આ એક ખાસ ધાર્મિક સ્થળ છે જેને ભારતીય સેનાએ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ મંદિરની એક ખાસ વિશેષતા છે કે આ મંદિરમાં તમામ ધર્મના પ્રતીકોને સમાવી લેવામાં આવ્યા છે કારણ કે ભારતીય સેનામાં અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પૂજા સ્થાન નથી હોતા, એલ્યુમિનિયમથી બનેલું આ મંદિર એક સુંદર બગીચાથી ઘેરાયેલું છે, જ્યાં 6થી લઈને 16મી શતાબ્દીના મધ્યની 106 પ્રાચીન મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી શકે છે પરંતુ આ મંદિરની અંદર ફોટોગ્રાફી અને વિડિઓ શૂટિંગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મંદિરમાં દર્શન માટેનો સમય સવારે 6:30થી લઈને રાત્રે 8:30 સુધીનો છે જેમાં કોઈપણ પર્યટક કે શ્રદ્ધાળુ દર્શન માટે આવી શકે છે પરંતુ આ મંદિર એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યું છે જેના કારણે ગરમીના સમયમાં આ મંદિરમાં આવવું યોગ્ય નહીં રહે કારણે અહીંયા એ સમય દરમિયાન પુષ્કળ ગરમી પડે છે. જો તમે શાંતિથી આ મંદિરને માણવા માંગતા હોય અને આ જગ્યાએ સમય પસાર કરવા માંગતા હોય તો ગરમી સિવાયના કોઈપણ મહિનામાં આવી શકો છો. સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય આ મંદિરમાં આવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે.

ઇએમઈ મંદિર ભગવાન શંકરને સમર્પિત એક અદભુત મંદિર છે, જે આ પ્રકારનું એક માત્ર મંદિર છે. જેના કારણે અહીંયા દરેક વ્યક્તિએ એકવાર તો જરૂર જવું જ જોઈએ, ઘણી બધી બાબતો આ મંદિરને ખાસ બનાવવાનું કામ કરે છે, આ મંદિર ભારતીય સેનાએ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે ના માત્ર હિન્દૂ પરંતુ તમામ ધર્મના પ્રતીકોનું પ્રતિનિધિત્વ કરે છે, મંદિરની વાસ્તુકલા ખુબ જ પ્રભાવિત કરે છે. મંદિરનો ગુંબજ ઇસ્લામિક શૈલીથી બનાવવામાં આવ્યો છે. મંદિરના બગીચામાં તમને ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ જોવા મળશે. આ બધી જ બાબતો આ મંદિરને ખાસ બનાવવા માટે પૂરતી છે. કલા પ્રેમીઓ સાથે આ સ્થળ ઇતિહાસ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.

મંદિર સુધી પહોંચવા માટે તમે રોડ માર્ગ દ્વારા પોતાનું વાહન લઈને પણ પહોંચી શકો છો તો હવાઈ માર્ગે આવનારા વ્યક્તિઓ માટે પણ વડોદરામાં એરપોર્ટ ઉપર ઉતરી અને તમને પ્રાઇવેટ વાહન મળી જશે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી પણ મંદિર સુધી જવા માટે સરળતાથી વાહન મળી જશે.

સમગ્ર રીતે જોતા આ મંદિર ઘણું જ આકર્ષણ જન્માવે તેવું છે. જો તમે પણ વડોદરાની મુલાકાત ટૂંક સમયમાં લેવાના હોય તો વડોદરાના આ સુંદર મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન જરૂર કરજો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.