રસોઈ

બનાવો ટેસ્ટી પનીર ભટુરે અને આલુ મટર મસાલા રેસિપી – આજે જ ઘરે બનાવો, ખુશ થઇ જશે ઘરે બધા

પનીર ની વાનગી સૌ ને ભાવતી હોય છે. ટેસ્ટી અને મજેદાર પનીર ની વાનગી ની જો કોઈ જગ્યા એ સુગંધ આવતી હોય તો મન લલચાયા વિના રહેતું નથી. આથી પનીર સાથે પરાઠા, રોટલી, નાન ખાવા ની મજા પડે છે. તો ચાલો આજે આપણે શિખીશું પનીર ભટુરે ની સ્વાદિષ્ટ વાનગી.

પનીર ભટુરે માટે સામગ્રી, ભટુરે નો લોટ બનાવવા માટે

 • મેંદો – 200 ગ્રામ (2 કપ)
 • સૂજી – 30 ગ્રામ (1/4 કપ)
 • દહીં – 50 ગ્રામ (1/4 કપ)
 • બેકિંગ સોડા – 1/4 નાની ચમચી થી થોડું વધારે
 • મીઠું – સ્વાદ અનુસાર
 • ખાંડ – 1 નાની ચમચી
 • તેલ – ભટુરે તળવા માટે
 • પનીર ની પિઠ્ઠી તૈયાર કરવા માટે
 • પનીર  – 100 ગ્રામ (1/2 કપ)
 • મીઠું – સ્વાદ અનુસાર
 • લીલા મરચાં – 1 (ઝીણા સમારેલા)
 • આદું – અડધો ઈંચ નો કટકો
 • ગરમ મસાલો – 1/4 નાની ચમચી
 • કોથમીર – એક ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)

પનીર ભટુરે બનાવવા માટે ની રીત, ભટુરે માટે નો લોટ બનાવો

સૌપ્રથમ મેંદો અને સુજી ને કોઈ એક વાસણ માં ચાળી કાઢી લો. પછી પોતાના હાથ વડે મેંદા ને આજુબાજુ કરી ને વચ્ચે જગ્યા બનાવો. આ જગ્યા માં દહીં, બેકિંગ સોડા, મીઠું, એક ટેબલ સ્પૂન તેલ અને ખાંડ નાખી ને હાથ વડે આ બધી વસ્તુ એ જ જગ્યા પર ભેળવો. ત્યાર બાદ થોડા ગરમ પાણી થી આ લોટ ને થોડો નરમ બાંધો. આ લોટ ને ગરમી ની ઋતુ માં પાંચ કલાક માટે અન શિયાળા માં 10 થી 12 કલાક માટે કોઈ ગરમ સ્થાન પર રાખી શકો છો. અને જો વધારે પડતી ઉતાવળ હોય તો 1 કલાક પૂરતું પણ લોટ ને બાંધી ને રાખી શકો છો.

પનીર ની પિઠ્ઠી બનાવો

 • પહેલા પનીર ને ખૂબ જ ઝીણી ખમણી લો. પછી પનીર ની અંદર મીઠું, લીલા મરચાં, ગરમ મસાલો, અને કોથમીર નાખી મિક્સ કરી લો, આમ પનીર ની પિઠ્ઠી ભટુરે માં ભરવા માટે તૈયાર કરી લો.

ભટુરે બનાવો

 • પહેલા બાંધેલા મેંદા ના લોટ ના 8 સમાન આકાર ના લૂઆ વાળી લો.
 • એક જાડા વાસણ માં તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. પછી લોટ નો એક લૂઓ લો, પછી તેને હાથ થી દબાવી ને મોટો કરો, ત્યાર બાદ તેમાં આંગળીઓ ની મદદ થી વચ્ચે થોડી જગ્યા બનાવો. પછી આ જગ્યા માં પનીર ની બનાવેલ પિઠ્ઠી એક અથવા દોઢ ચમચી જેટલી નાખો, પછી લોટ ને ચારે બાજુ થી પકડી ને બંધ કરી દો. હવે પિઠ્ઠી ભરેલા આ લૂઆ ને હાથ થી ધીમે-ધીમે દબાવી મોટો કરો. ત્યાર પછી સૂકા મેંદા ના લોટ માં આ આ લૂઆ ને નાખી ફેરવો. પછી કોઈ એક પ્લેટ માં મૂકી પોતાને મનપસંદ આકાર આપી થોડું દબાવો અને મોટું કરો.
 • હવે એક વાસણ માં તેલ ગરમ કરવા માટે મૂકો અને થોડી વાર પછી તપાસ કરો કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. આ માટે થોડો લોટ લૈ તેલ માં નાખો, જો તે લોટ તળાઈ ને ઉપર આવે છે ફૂલી જાય તો સમજવું કે તેલ ભટુરે તળવા માટે થઈ ગયું છે. હેવ બનાવેલ ભટુરે ગરમ તેલ નાખો, ઝારા થી દબાવતા તેને ફુલાવો અને થોડો બ્રાઉન રંગ ના ભટુરે થાય પછી એક પ્લેટ માં જેમાં એક નેપકિન પેપર મૂકેલો હોય તેમાં કાઢી લો. આવી રીતે બધા ભટુરે તળી લો.
 • ભટુરે ની સાથે હંમેશા છોલે જ સારા લાગે. પણ તમે ઈચ્છો તો અન્ય સબ્જી સાથે પણ ભટુરે ખાઈ શકો છો, તો આથી આપણે પનીર ભરેલા ભટુરે અને આલુ મટર મસાલા સાથે તેનો સ્વાદ માણીશું. અને સ્વ્દા વધારા માટે લીંબુ નું અથાણું અને ચટણી તો છે જ.

આલુ મટર મસાલા

4 થી 5 બટેટા કુકર માં બાફી લો. અને એક કપ મટર એટલે કે વટાણા ને પણ બાફી લો. હવે 3 ટમેટા, થોડુક આદું અને 3 મરચાં ની પેસ્ટ બનાવી લો.

એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકો અને ગરમ થઈ ગયા પછી તેમાં અડધી ચમચી જીરું અને હીંગ નાખો, જીરું તે તેલ માં તળો, તળાઈ ગયા  પછી 1/4 જેટલી હળદર નો પાઉડર, એક ચમચી ધાણાજીરું, લાલ મરચું, અને આદું અને ટમેટા ની પેસ્ટ નાખી તેને સારી રીતે તેલ માં તળી લો. ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા અને બાફેલા વટાણા (મટર) સમારી ને નાખો અને તેને મિશ્ર કરો. પછી તેમાં એક ગ્લાસ પાણી પણ નાખી દો. હવે તેમાં થોડું મીઠું, લાલ મરચું, થોડોક ગરમ મસાલો નાખી ને મિક્સ કરી દો. આમ તમારી આલુ મટર મસાલા ની સબ્જી તૈયાર છે.

આમ પનીર ભટુરે ની સાથે આલુ મટર મસાલા પણ ખૂબ જ પસંદ આવશે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ