લેખકની કલમે

વૃદ્ધાશ્રમના એક ખૂણે બેઠેલી માનું હૃદય બોલે છે , ” “દીકરા આ દાનથી તારી “નામના” ખૂબ વધશે પણ બેટા તેં તો તારા મા બાપ સાથે સંતાન તરીકેના સંબંધને “નામ”નો કરી નાખ્યો…, આ વાર્તા વાંચ્યા પછી તમારી આંખ જરૂર ભીંજાય જશે !!!

“નામ”ના…”

“મંદિર મસ્જિદમાં જઈને, ન શોધ તુ પરમેશ્વર.
મા બાપ ના રૂપમાં તારા, ઘર માંજ છે ઈશ્વર.
સેવા કરી એમની કરીલે, રાજી એમનું અંતર,
રાજી થઈ જશે પછી, જગતપિતા સર્વેશ્વર…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

રાત્રે બાર એક વાગ્યાના સમયે ધોધમાર વરસતા વરસાદ માં ગામના ડોકટર સાહેબના ઘરનો દરવાજો ખખડે છે. અંદરથી આટલી મોડી રાત્રે આમ ધોધમાર વરસતા વરસાદમાં કોણ આવ્યું હશે એવા આશ્ચર્ય સાથે હાથમાં ટોર્ચ લઈ આંખો ચોળતા ચોળતા ડોકટર સાહેબ દરવાજો ખોલે છે અને સામે જુવે છે એક દંપતી વરસાદમાં આખા પલડી ગયા છે. સ્ત્રીએ પોતાના એક દોઢ વર્ષના બાળકને વરસાદથી પલળતા બચાવવા પોતાની છાતીએ બંને હાથે દબાવી રાખ્યું છે. ડોકટર આ દ્રશ્ય જોઈ પરિસ્થિતિ પામી જતા બન્નેને અંદર લઇ જાય છે… પેલી સ્ત્રી પોતાના વહાલસોયા બાળકને પોતાની છાતીએથી દૂર કરી ડોક્ટરની પથારીમાં સુવડાવતા અને ખૂબ કરુણા સભર એકી સ્વાસે કહે છે કે…
” જુવોને સાહેબ, મારા લાલા નું શરીર વાતાવરણની આટલી ટાઢક વચ્ચે પણ તવાની જેમ તપી રહ્યું છે… ક્યારની હું એને બોલાવવા પ્રયત્ન કરું છું પણ એ કાંઈ બોલતો નથી કે નથી રડતો… સાહેબ અમારો લાડકવાયો એકનો એક દીકરો છે… સાહેબ કઈક દવા કરો ને એને સાજો કરો ને… ”
એકી શ્વાસે એ સ્ત્રી પોતાના પુત્રની બીમારીનું દુઃખ સાથેનું વર્ણન કરે જતી હતી… આગળના શબ્દો એના ડૂસકામાં જ સમાઈ ગયા…

ડોકટર પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા અને એ બીમાર બેભાન બાળકને તપાસવા લાગ્યા. તપાસ કરતા ડોક્ટરને માલુમ પડ્યું કે બાળકને ઝેરી તાવની અસર થઈ ગયેલ છે. એની સારવારમાં હવે જેટલી વાર લાગે એટલું એ બાળક ના માટે જોખમ વધતું જશે.
ડોક્ટરે એ અભાગીયા દંપતી ને કહ્યું…
“જુઓ, અત્યારે હું થોડી પ્રાથમિક સારવાર કરી આપું છું પણ સવાર પડતા આ બાળકને શહેર ની મોટી હોસ્પિટલમાં દાખલ કરવું પડશે… નહિતર…”
અને આગળ ડોક્ટર પણ ન બોલી શક્યા પણ એ ગરીબ છતાં પુત્ર પ્રેમથી સમૃદ્ધ દંપતી ડોકટરના કહેવાનો અર્થ તરત સમજી ગયા… ત્યાંથી દવા લઇ સવાર પડતા શહેરમાં મોટા દવાખાને જવાનું નક્કી કરી બંને ત્યાંથી વિદાય થયા…

સવાર પડતા સારા દવાખાને એ બાળકનો ઈલાજ શરૂ થયો. પુરા દસ દિવસ દવાખાનામાં એને દાખલ કરવો પડ્યો ત્યારે એની તબિયત થોડી સુધારા પર આવી. દવાખાનામાંથી વિદાય લેતી વખતે દવાખાનનું બિલ જોયું તો રૂપિયા પચીસ હજાર. વળી પાછી એ દંપતીને ચિંતા પેઠી કે આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી. હોસ્પિટલમાં ખૂબ આજીજી કરી છતાં હોસ્પિટલ વાળા એકના બે ન થયા. હવે કોઈ આરો ન હતો. એ બાળકની મા એ એના પતિને પોતાના ઘેર દીકરાની દવા કરાવતા કરાવતા બચેલા દાગીના માંથી બચેલું પોતાનું ચાંદીનું કડું લેવા મોકલ્યો અને એ વેચી દીકરાના દવાનું બિલ દવાખાનામાં ભરવા કહ્યું. એના પતિએ એ મુજબ કર્યું અને દવાખાનાનું બિલ ભરી પોતાના દીકરાને લઈને બન્ને ઘેર આવ્યા…

મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. દીકરો પાંચ વર્ષનો થતા એનું ભણતર શરૂ થયું. માતા પિતા મજૂરી કરી દીકરાના લાડકોડ પુરા કરતા ગયા અને ભણાવતા ગયા. દીકરો પણ ભણવામાં ખૂબ હોશિયાર નીકળ્યો. સમય વીતતા વીતતા દીકરો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી બિઝનેસ મેનેજમેન્ટ નો કોર્ષ કરવા મોટા શહેર માં ગયો ત્યાં પણ ચારેક વર્ષનો કોર્ષ એને સફળતા પૂર્વક પૂર્ણ કર્યો. દીકરાના ભણતરની આ સફરમાં એના માતા પિતા એ ખૂબ ભોગ આપ્યો. દીકરાના જીવનની સફળતા માટે પોતાના મિજ શોખ પોતાના સ્વપ્નો બધું ભૂલી પોતાની શક્તિ બહારની મજૂરી કરી દીકરાને એમને કાબેલ બનાવ્યો. પોતાની મજૂરીના તમામ પૈસા એ માટે પિતાએ દિકરાના ભણતર પાછળ લગાવ્યા હતા.

દીકરો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ઘેર આવ્યો. પોતે ભણેલો અને આધુનિક હોવાથી એને પોતાના મેલાઘેલા અને અભણ માતાપિતા થી સુગ ચડવા લાગી હતી. દરેક વાતમાં એ પોતાના માં બાપ ને ટોકવા લાગ્યો હતો. દીકરાના બદલાયેલા આ વર્તન નું વિષ પણ એ માં બાપ પોતાની ભીતર પચાવી જતા હતા. દીકરાને વિચાર આવ્યો કે હવે નોકરીને બદલે પોતાનો કઈક ધંધો કરું અને અઢળક પૈસા કમાવું. પણ ધંધો કરવા લાખો રૂપિયાની જરૂર હતી. જ્યારે ઘરમાં તો બચતના નામે કઈ હતુંજ નહિ. દીકરાની આ ચિંતા એના પિતાજી પારખી ગયા અને દીકરાની ચિંતા દૂર કરવા એની પાસે જઈ ખોટું બોલ્યા કે…

“દીકરા હું જે ફેકટરીમાં કામ કરૂં છું ત્યાંના શેઠ ખૂબ ભલા માણસ છે. તારા ધંધા માટે લાખ રૂપિયા હું ત્યાંથી ઉછીના લાવી આપીશ. તું ચિંતા ન કર…”
પિતાજીની ખોટી વાત પણ દીકરો સાચી માની ગયો અને રાજી રાજી થઈ ગયો. તેમ છતાં પિતા સામે આભારનો એક શબ્દ પણ ન બોલ્યો…

સવાર પડતા એ ગરીબ પિતા પહોંચી ગયો સીધો હોસ્પિટલ અને પોતાની કિડની આપી બદલામાં એક લાખ રૂપિયા પોતાને આપવા હોસ્પિટલના સત્તાધીશને જણાવ્યું. હોસ્પિટલને તો આવા લોકોની જરૂર હતીજ… એટલે એ સંમત થઈ ગયા. પોતાની કિડની વેચી બદલામાં એક લાખ મળ્યા જે પિતાએ પોતાના દીકરાના હાથમાં આપ્યા. આ સમગ્ર ઘટનાથી અજાણ એ દીકરાએ પોતાનો ધંધો શરૂ કર્યો. અને ધંધામાં પણ એ ખૂબ સફળ થયો. સફળ થયેલ એ પુત્ર પોતાની સમૃદ્ધિના તેજમાં એને સફળ બનાવવા માટે પોતાના માતાપિતા એ આપેલ બલિદાન પણ એ પુત્ર ભૂલતો ગયો. સમય જતાં એક બીજા લાખોપતિ શેઠની પુત્રી સાથે એને લગ્ન પણ કરી લીધા.

ઘરમાં પત્ની આવતા હવે એ સફળ વેપારી બનેલ પુત્રને પોતાના મા બાપ ખટકવા લાગ્યા અને એ પુત્રએ પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમ મુકવાનો નિર્ણય કર્યો અને પોતાની ગાડીમાં એ પુત્ર સવાર થતા મા બાપ ને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. જે દીકરાનો જીવ બાળપણમાં બચાવવા જે મા એ પોતાના ઘરેણાં વેચી દીધા હતા જે પિતાએ પુત્રને ધંધા માટે ના રૂપિયા પોતાની કિડની વેચીને આપ્યા હતા ઉપરાંત જીવનના હર મોડ પર પોતાના પુત્રના દરેક અરમાન જેમને પુરા કર્યા હતા એ મા બાપ ના ભીતર આજે દુઃખની કોઈ સીમા ન હતી.

વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ એક માસ માંજ એ પુત્રના પિતાનું અવસાન થઈ ગયું. હવે વૃદ્ધાશ્રમમાં એની મા એકલવાયું અને વિધવા તરીકેનું દુઃખમય જીવન વિતાવતી હતી.

એક દિવસ એજ વૃદ્ધાશ્રમમાં એ સફળ વેપારી બનેલ ભાઈએ એક લાખનું દાન આપ્યું અને એનો સન્માન સમારંભ યોજાઈ રહ્યો હતો. સભામંડપમાં પોતાના સંતાનોથી ત્યજાયેલ તમામ વૃધ્ધો હાજર હતા. ત્યાં એ વૃદ્ધાશ્રમના ખૂણાના એક રૂમમાં દાતા બનીને સન્માન સ્વીકારી રહેલ એ વેપારીની વૃદ્ધ વિધવા મા એકલી અટૂલી પોતાના પુત્રથી ત્યજાયાનું હિમાલય કરતા પણ મોટું દુઃખ પોતાની ભીતર સમેટી બેઠી હતી.

એક તરફ બહાર દાતા બની આવેલ પુત્રના સન્માનનો શોર બકોર હતો તો એક તરફ રૂમની અંદર એજ દાતાની વૃદ્ધ મા ના ડુસકા રૂમની ચાર દીવાલો માં જ સમાઈ જતા હતા. કાર્યક્રમ પૂરો થતાં બધા વૃદ્ધ પોતપોતાના રૂમમાં પાછા આવી ગયા. રૂમમાં એકલી બેઠેલી એ વિધવા વૃદ્ધ ને બીજા માજીઓ કહેતા હતા કે…
“પેલા દાનવીર ભાઈ એ એક લાખ રૂપિયા દાનમાં આપ્યા. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની “નામના” ખૂબ વધે…”

આટલી વાત સાંભળી એ વિધવા વૃદ્ધા નું અંતર જાણે પોકારી રહ્યું હતું કે…
“દીકરા આ દાનથી તારી “નામના” ખૂબ વધશે પણ બેટા તેં તો તારા મા બાપ સાથે સંતાન તરીકેના સંબંધને “નામ”નો કરી નાખ્યો… પણ તેમ છતાં હું તને શ્રાપ નહિ પણ આશીર્વાદ જ આપું છું કે તું ખૂબ સફળ થાય તારી “નામના” વધે…

● POINT :-

આવું કેમ બનતું હશે કે અપાર યાતનાઓ વેઠી માતા પિતા પોતાના સંતાનોને સફળ બનાવવા લાખો પ્રયત્નો કરે છે…
સદા કામના કરે છે કે સંતાનો સફળ બને દુનિયામાં એમની નામના વધે પણ એજ સંતાનો મોટા થઈ મા બાપ અને સંતાન જેવા પવિત્ર સંબંધ ને માત્ર “નામ”ના બનાવી દે છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.