હિન્દૂ મંદિરો દુનિયાભરની અંદર ફેલાયેલા છે, પરંતુ ઘણા મુસ્લિમ દેશો એવા પણ છે જ્યાં હિન્દૂ મંદિર નથી તો ઘણી જગ્યાએ હિન્દૂ મંદિરોને તોડી પણ પાડવામાં આવે છે, પરંતુ હવે કે મુસ્લિમ દેશની અંદર પહેલીવાર કોઈ હિન્દૂ મંદિર બનવા જઈ રહ્યું છે અને તે પણ ખુબ જ વિશાળ.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની આબુધાબીની અંદર પહેલા હિન્દૂ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. આ મંદિરની ખાસિયત છે કે તેની અંદર લોખંડ અથવા તો તેનાથી બનેલી સામગ્રીનો ઉપયોગ નહીં થાય.

આ મંદિરનું નિર્માણ ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલા અનુસાર કરવામાં આવી રહ્યું છે. જેની કેટલીક સુંદર તસવીરો પણ સામે આવી છે. તમને જણાવી દેઈએ કે આબુધાબીમાં બનનારું આ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર બનવાનું છે.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આબુધાબીની અંદર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દૂ મંદિર પ્રબંધન દ્વારા પારંપરિક પથ્થરના મંદિરની ફાઇનલ ડિઝાઇન અને હાથથી નક્કાશીદાર પથ્થર સ્તંભોની પહેલી છબીઓ જોહર કરી છે.

બીએપીએસની યુટ્યુબ ચેનલ ઉપર આ મંદિરના નિર્માણનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેની અંદર મંદિરના ઈંટ મુકવાથી લઈને નિર્માણ સુધીની તસવીરોને પણ જોઈ શકાય છે.

એવી પણ ધારણા રાખવામાં આવી રહી છે કે આ મંદિર માર્ચ 2021 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. આ મંદિર આબુધાબીના “અલ વાકબા” નામની જગ્યા ઉપર 20,000 વર્ગ મીટરની જમીન ઉપર બની રહ્યું છે. હાઇવેથી દૂર અલ વાકબા આબુધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે.

આ મંદિર ખુબ જ શાનદાર અને ખુબ જ વિશાળ હશે. જેમાં એક નાનું વૃંદાવન એટલે કે બગીચો અને ફુવારા હશે. આબુધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) શેખ મોહમ્મદ બિન જાએદ અલ નહયન દ્વારા આ મંદિરના નિર્માણ માટે 13.5 એકડ જમીન ભેટમાં આપવામાં આવી છે. તો યુએઈ સરકાર દ્વારા એટલી જ જમીન મંદિર પરિસરમાં પાર્કિંગ સુવિધા માટે આપી છે.