દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લેખકની કલમે

“આ મારા દાદાના આશીર્વાદ છે…” – ક્યારેય ઘરના વડીલોના આશીર્વાદ ફળે તો નસીબ જ પલટાઈ જાય છે….આજે વાંચો આવી જ એક સમજવા જેવી વાત લેખકની કલમે….

“પિતૃ હોય છે પ્રભુ સમ, સેવા એની કરી લો.
જીવન એમના આશિષ રૂપી, સંપત્તિથી ભરી લો…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

image source : jagoinvestor.com

“હવે તો તમારા બાપનું આ આંતરા દિવસે ટિફિન બનાવી બનાવી ને હું ત્રાસી ગઈ છું. એમના ટિફિન બનાવવાની ચિંતામાં કોઈ ગામ ગામતરે મહેમાનગતિ કરવા પણ મારાથી જવાતું નથી…”આવેશમાં આવી અને વિરભાણભા ના મોટા દિકરા વશરામની વહુએ આજે તો એના પતિને સંભળાવી જ દીધું…
પત્નિ ને શાંત પાડતા જવાબમાં વશરામ માત્ર એટલુંજ બોલ્યો કે… “હશે, ઘરડું માવતર છે જેટલી કરાય એટલી સેવા કરી લઈએ. અને હવે બાપા જેટલું જીવ્યા એટલું ક્યાં જીવવાના છે ?”

image source : ytimg.com

તો જવાબમાં બમણાં આવેશથી એની વહુએ કહ્યું…
“સેવા કરવાની અને ટિફિન બનાવવાની હું ક્યાં ના કહું છું. પણ બાપાને જમવામાં સહેજ પણ ચાલતું નથી. કોઈ દિવસ સહેજ ખાટું મોળું થઈ જાય કે ટિફિન પહોંચાડવા માં થોડું પણ મોડું થાય તો એ કેવા તાળુકે છે એની તમને ક્યાં ખબર છે !!!”
મા ની પોતાના દાદા વિશેની આ ફરિયાદ અને પિતાનું આશ્વાસન નવમા ધોરણમાં ભણતો એમનો દીકરો અનિષ સાંભળી રહ્યો હતો. ન જાણે કઈ પ્રેરણાથી દોરાઈ એને લખવાનું પડતું મૂકી પોતાની મા પાસે જઈ કહ્યું…

“મમ્મી, તું દાદાજી વિશે આવું ન બોલ. દાદાજીને ખાવાનું પહોંચાડવામાં તને તકલીફ પડે છે ને તો આજથી રોજ હું દાદાજીને ટિફિન આપવા જઈશ. આપણાં ઘરેથી અને કાકાના ઘરેથી પણ…”

image source : telegraph.co.uk

પોતાની મા ને આ વાત કરી અનિષ દોડ્યો સીધો એના કાકા રઘુનાથભાઈ ના ઘેર અને ત્યાં જઈ એના કાકીને પણ દાદાજીને રોજ ટિફિન આપવા પોતેજ જશે એ નિર્ણય અથવા સંકલ્પ જણાવી દીધો…
વાત એમ હતી કે એ પરિવારના મોભી વિરભાણભા નો સ્વભાવ જરા તેજ હતો. વાતે વાતે ગુસ્સે થઈ જવાની એમની ટેવ ઘરમાં બધાને ખટકતી હતી પણ કોઈ એમની સામે બોલી શકતા ન હતા એટલો એમનો વટ હતો. વિરભાણભા ના સ્વભાવની બીજી પણ એક કમજોરી એ હતી કે એ પરિવારના દરેક સભ્ય સાથે તોછડાઈથીજ વાત કરતા. કોઈને એમના સીધા નામ સાથે કદી ન બોલાવે. એમની આ વાત પણ કોઈને ગમતી ન હતી. વિરભાણભા ના સ્વભાવની આવી કમજોરી હતી પણ એ હતા સાચા માણસ. સાચા ને સાચું અને ખોટાને ખોટું કહી દેવામાં એ કોઈની સાડાબારી રાખતા નહિ. સામે ભલે ગમે તે હોય ચોખ્ખું મોઢે જ કહી દેતા. એટલી જીગર તો એ ધરાવતા હતા.

વશરામ અને રઘુનાથ ની મા ના દેહાંત બાદ વિરભાણભા એ જાતે જ વિચારી લીધું હતું કે…

image source : gstatic.com

“હવે દીકરાઓ મોટા થઈ ગયા છે તો બંને ને અલગ આપી દેવું.”
સગા સંબંધીઓએ કહ્યું હતું કે…”ઘરમાં બધા રાગ થી રહે છે તો શું કામ દીકરાઓને અલગ આપો છો ? ”

પણ અનુભવી અને હોશિયાર વિરભાણભા સામે કહેતા કે…

“દીકરાઓ વચ્ચે રાગ રહે એટલા માટે જ હું બંનેને અલગ આપી રહ્યો છું. આજે બંને ભાઈઓ રાગે વાગે છે તો અત્યારેજ બંને પોતપોતાનો ભાગ લઈ મિલકતથી અલગ થશે પણ મનથી એક રહેશે…”

image source : .brajeshwar.com

અને વિરભાણભા એ પોતાની હયાતીમાજ પોતાની મિલકત ના બે ભાગ કરી બંને દીકરાઓને વહેંચી દીધા. પોતાનો કોઈ હિસ્સો રાખ્યો ન હતો. પોતે હવે એકેય દીકરા સાથે રહેવા માંગતા ન હતા. એથી ગામથી દૂર આવેલ પ્લોટમાં રહેલ જુના મકાનમાં પોતે એકલા રહેશે એવું દીકરાઓને કહી દીધું. પોતાને જમવા માટે બંને દીકરાઓના ઘેરથી આંતરા દિવસે બંને ટાઈમ ટિફિન પહોંચાડવું એવું પણ નક્કી થયું. બધી વાત પૂરી થઈ, વિરભાણભા ના બંને દીકરા પોતપોતાનો ભાગ લઈ રાગે વાગે અલગ રહેવા લાગ્યા અને ભા પોતે પ્લોટમાં રહેવા ચાલ્યા ગયા.

આમ એ દિવસે નક્કી થયેલી વાત મુજબ વિરભાણભા ના બંને દીકરાઓના ઘેરથી આંતરા દિવસે ભા ને ટિફિન પહોંચાડવામાં આવતું. પણ પોતાની મા ની ફરિયાદ અને તકલીફ સાંભળી અનિષે હવે દાદાજીને રોજ ટિફિન પોતેજ આપવા જશે એવો સંકલ્પ કર્યો હતો. પોતાના સંકલ્પ મુજબ અનિષ રોજે રોજ દાદાને ખુશી ખુશી ટિફિન આપવા જતો હતો.

દાદા જમતા હોય ત્યાં સુધી અનિષ એમની સામે બેસી રહે. કોઈ વાત ચિત નહિ. રોજે રોજ ભા અનિષ ને માત્ર એટલું જ પૂછે કે…

“ઘરે બધા મજામાં છે ને ?”

જવાબમાં અનિષ માત્ર ડોકું હલાવતો.

મહિનાઓ વર્ષો વીત્યા અને આમ રોજ પોતાને ટિફિન આપવા આવતા પોતાના પૌત્ર તરફ હવે ભા ને મમતા એક પ્રકારનો લગાવ લાગવા લાગ્યો. પહેલા કોઈ વાત ચિત ન કરતા ભા હવે ધીમે ધીમે અનિષ સાથે વાતો કરતા થયા હતા. એને પ્રેમથી બોલાવતા થયા હતા. સામે અનિષ પણ દાદા જમી રે એટલે એમના પગ દબાવે અને ઘણી બધી વાતો કરે. આમ એક પ્રકારે પોતાના દાદાની સેવાનો પાવન યજ્ઞ અનિષ કરી રહ્યો હતો.

નવમા ધોરણમાંથી હવે અનિષ કોલેજમાં આવી ગયો હતો. બાળપણની એની ઘણી બધી ટેવો છૂટી ગઈ હતી. એક ટેવ અથવા ટેક ન છૂટી એ હતી દાદાજીને જમવાનું પહોંચાડવાની. પોતાની ટેક પર ટકી રહેવામાં ચોક્કસ એને તકલીફ પડતી. પણ તેમ છતાં એ કોઈ ફરિયાદ વિના અને આનંદથી પોતાના દાદાની સેવામાં રત રહેતો હતો. સવારે ઉઠી એ બાજુના ગામ કોલેજ જાય. બપોરના ઘેર આવી પોતે જમ્યા પહેલા દાદાને ટિફિન આપવા જતો. દાદા ને ખવડાવી ઘેર આવી પછી પોતે જમતો.

પોતાના પૌત્રની આ સેવાથી ચોક્કસ વિરભાણભા ના છુપા આશિષ અનિષ ને મળતા રહેતા.

અનિષની કોલેજ પણ પૂર્ણ થઈ યુવાન બનેલા અનિષના લગ્ન પણ થઈ ગયા. તેમ છતાં કોઈ શરમ સંકોચ વિના નેવું વર્ષ વટાવી ચૂકેલા પોતાના દાદાજીની સેવાનો એનો યજ્ઞ અવિરત ચાલુ જ હતો. અશક્ત બનેલા દાદાને હવે અનિષ પોતાના ઘેર પોતાની સાથે રહેવા આવવા કહેતો પણ તેમ છતાં ભા એ વાતની મનાઈ કરતા રહેતા…

સમય સમયનું કામ કર્યે જતો હતો. અનિષ ના લગ્નને ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા. અને અનિષ ની પત્નિ ને સારા દિવસો રહ્યા. સમાચાર મળતા આખો પરિવાર સાથે સાથે વિરભાણભા પણ ખુશ ખુશાલ હતા. પણ બન્યું એવું કે અધૂરા માસે અનિષની પત્નીનું એબોર્શન થઈ ગયું. એને દવાખાને દાખલ કરી. ડોકટરોની તપાસમાં એવું આવ્યું કે હવે આ બહેનને કદાચ કોઈ દિવસ ગર્ભ રહેશે નહીં. અને જો કદાચ ગર્ભ રહેશે તો પણ આ વખતની જેમ દર વખતે એબોર્શન થઈ જવાની સંભાવના છે.

image source : pixabay.com

આ સમાચાર પરિવાર માટે વજ્રઘાત સમાન હતા. અનિષ ની મા રડતા રડતા ભગવાનને ફરિયાદ કરતી હતી કે…
“અરેરે… પ્રભુ, મારો દીકરો કેટલો સેવાભાવી છે. એ વર્ષોથી પોતે તકલીફ સહન કરી એના દાદાની સેવામાં લાગ્યો રહ્યો તેમ છતાં એના નસીબ માજ આવું દુઃખ કેમ ? ભગવાન બીજા કોઈ સામે નહિ તો એની કરેલી સેવા સામે તો તારે જોવું હતું !!!”

પૌત્રની વહુના આવા માઠા દાક્તરી રિપોર્ટની જાણ વિરભાણભા ને ન હતી. આવા માઠા સમાચાર વચ્ચે પણ બપોરનો સમય થયો અને અનિષે એની મા ને કહ્યું…

“મા, દાદાજીનું ટિફિન તૈયાર કરો.એ મારી રાહ જોતા હશે…”

અને અનિષ મો પર એક ઉદાશી લઈ ચાલ્યો પોતાના દાદાની સેવા અર્થે. દાદાની આંતરડી ઠારવા.

વિરભાણભા જમતા હતા. રોજ અનિષ વાતો કરતો પણ એ દિવસે એનો ઉદાસ ચહેરો જોઈ ચિંતા સાથે એના દાદાએ પૂછ્યું…

“દીકરા, કેમ આજે વાતો નથી કરતો ? કઈ બન્યું છે કે શું ?”

અને અનિષે પોતાની સાથે બનેલી ઘટના દાદાને કહી સંભળાવી.

વાત સાંભળી એક ઊંડા નિસાસા સાથે અને પોતાની ઘરડી આંખોમાં ગજબની ચમક લાવી અનિષ ના માથા પર હાથ મૂકી વિરભાણભા બોલ્યા…

“ચિંતા ન કર દીકરા, જેમ વર્ષોથી તું મારી આંતરડી ઠારી રહ્યો છે એમ ભગવાન તારી આંતરડી ઠારશે. તમારી આંતરડી પ્રભુ નહિ બાળે…”

image source : evershayari.in

એકાદ મહિના બાદ પંચાણું વર્ષની લાંબી આયુ લઈ વિરભાણભા સ્વર્ગે સિધાવી ગયા. ભા ના મૃત્યુનું સૌથી વધુ દુઃખ અનિષ ને થયું હતું કારણ એની ટેક એના દાદાના મૃત્યુએ તોડાવી હતી. દાદાના મૃત્યુ બાદ રોજ જમવાનો સમય થાય અને અનિષને એના દાદાની યાદ આવી જતી અને એમની યાદમાં એ બે આંસુ સારી લેતો.
દોઢેક વર્ષ વીત્યું હશે ત્યાં અનિષની પત્નીને ફરી સારા દિવસો રહ્યા. પરિવારમાં જોઈએ એટલો ઉત્સાહ ન હતો કારણ બધાને એ દાક્તરી રિપોર્ટ ની બીક હતી. બધાને બીક હતી કે ગઈ વખત જેવું આ વખતે પણ બનશે તો…!!!

બે ત્રણ ચાર…. એમ કરતાં કરતાં અનિષની પત્ની ને હવે નવમો મહિનો પણ શરૂ થઈ ચૂકયો હતો. એની તબિયત ખૂબ સારી રહી હતી અને પુરા નવ મહિને અનિષના ઘેર એક સુંદર પુત્ર અવતર્યો. એની પત્નીની સુવાવડ દવાખાનામાં થઈ હતી.

મેટરનીટી રૂમમાંથી બહાર આવી પુત્ર જન્મના સમાચાર આપતા ડોકટર અનિષના પરિવારને કહી રહ્યા હતા કે…

“આ કેશ કોઈ ચમત્કારથી કમ નથી. તમારી વહુના કેશમાં બાળક રહેવાની સંભાવના હતી જ નહીં. પણ તેમ છતાં આ બહેને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે એટલે મારી દ્રષ્ટિએ આ ચમત્કાર જ છે…”

…અને આંખોમાં હર્ષનાં આંસુ સાથે અનિષે ડોકટર ને જવાબ આપતા કહ્યું…”સાહેબ, તમે આ કેશ ને જે કહેવું હોય એ કહી શકો છો, પણ હું તો માત્ર એટલુંજ કહું છું કે…”આ મારા દાદા ના આશીર્વાદ છે…”

● POINT :-

જ્યાં વિજ્ઞાન વિચારતું અને કાર્ય કરતું બંધ થઈ જાય છે ત્યાં શરૂ થાય છે એક ઈશ્વરીય અધ્યાય… જેને દુનિયા આશીર્વાદ કહે છે.
અને આમ પણ પિતૃઓની કરેલી સેવા એળે નથી જતી એ કોઈને કોઈ સ્વરૂપે સેવકને ફળતી જ હોય છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks