અજબગજબ ખબર ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ

2300 રાજપૂતાણીઓએ એકસાથે તલવાર ફેરવીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, ભૂચરમોરીના પાદરમાં સર્જાયું અદ્ભુત દ્રશ્ય! જુઓ વિડિઓ અને વાંચો આખો અહેવાલ

આ શીતળા સાતમના તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોળ તાલુકામાં આવેલ ભૂચર મોરી ખાતે ઇતિહાસ સર્જાયો હતો. ૨૩ ઓગસ્ટ, 2019ની આ તારીખ ગુજરાતની રાજપૂતી સંસ્કૃતિ માટે સદાય યાદગાર બની રહેશે એવો રેકોર્ડ સર્જાયો છે. ‘બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં જેનો આજે સમાવેશ થયો છે એ રેકોર્ડ રચ્યો છે ‘તલવારો’એ, અને રચાયો છે ‘રાજપૂતાણી’ઓથી!

એકસાથે 2300 રાજપૂતાણીઓ તલવારે ઘૂમી —

જામનગરના ધ્રોલથી દોઢ માઇલ દૂર આવેલ ભૂચરમોરી સ્મારક ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના પ્રયાસોથી આજે વિશ્વ રેકોર્ડ સર્જાયો. એક સાથે 2300 રાજપૂત બહેનોએ તલવાર ફેરવી હતી. પ્રાણલાલ વ્યાસે ગાયેલ અને કવિ ‘દાદ’ના લખેલા ગીત ધણ ધીંગાણે જેના માથાં મસાણે ગીત પર રાજપૂતાણીઓ તલવારે ઘૂમી હતી અને અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. ઉલ્લેખનીય છે, કે આ પહેલા આવો રેકોર્ડ કદી નોઁધાયો નથી. આ પ્રસંગે રિટાયર્ડ આર્મી જનરલ અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Image Source

શીતળા સાતમ અને ભૂચરમોરીનો અતૂટ સંબંધ —

1591માં શીતળા સાતમના દિવસે અકબરની ફોજ સાથે જામનગરની સેનાનું ભયંકર યુધ્ધ થયેલું. ‘ગુજરાતના પાણીપત’ તરીકે ઓળખાતું આ યુધ્ધ ગુજરાતનું સૌથી ખૂંખાર અને મોટું યુધ્ધ હતું. રસપ્રદ બાબત એ છે, કે આ યુધ્ધ એક મુસ્લિમ બાદશાહને રક્ષણ આપવાને માટે લડાયું હતું!

ગુજરાતના સલ્તનત વંશના છેલ્લા બાદશાહ મુઝફ્ફરશાહ (ત્રીજા)એ અકબરથી બચવા માટે જામનગરના રાજવી જામ સતાજી પાસે આશરો લીધો હતો. જાડેજા રાજપૂતોએ મુસ્લિમ સુલ્તાનને આશરો આપીને અકબર સામે યુધ્ધ વ્હોર્યું હતું એનું આ વિરલ ઉદાહરણ હતું.

છેલ્લી ઘડીએ દગાથી બાજી પલટી અને આ યુધ્ધમાં 30,000રાજપૂતો કામ આવ્યા હતા. યુધ્ધના છેલ્લા દિવસે અર્થાત્ શીતળા સાતમના દિવસે જામનગરના કુમાર અજાજી શહિદ થયા હતા. એમની પાછળ એમના પત્ની સુરજકુંવરબા પણ સતી થયેલા. અજાજી લગ્નમંડપમાંથી અધૂરે ફેરે યુધ્ધમેદાનમાં લડવા આવેલા! [ આ આખી સત્યઘટના આ જ વેબસાઇટ પર અલગ આર્ટિકલ રૂપે વિસ્તારથી મૂકેલી છે. ]

મહિનો દિવસથી ચાલતી હતી પ્રેક્ટિસ

જામ અજાજીની શહિદીના ભાગ રૂપે દર સાતમે ભૂચરમોરી ખાતે મેળો ભરાય છે. આ વખતના મેળામાં બે હજારથી પણ વધારે રાજપૂત બહેનોએ તલવાર ફેરવીને ઇતિહાસ રચ્યો હતો. ગુજરાત ભરની રાજપૂત મહિલાઓએ આ તલવાર રાસમાં ભાગ લીધેલો. નવસારી, અમદાવાદ, મુન્દ્રા, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને બરોડાની બહેનોએ ચૂસ્ત ટાઇમટેબલને અનુસરીને છેલ્લા એક મહિનાથી નિયમિત રીતે પ્રેક્ટિસ કરી હતી. આ કઠોર પરિશ્રમના ભાગ રૂપે આજે આ ઘટના આકાર પામી હતી.

Image Source

ઉલ્લેખનીય છે, કે આજે ભૂચરમોરી ખાતે ભાણજી દલની પ્રતિમાનું પણ આ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાણજી દલ ભૂચરમોરીના યુધ્ધમાં જામનગરના પક્ષેથી લડેલા શૂરવીર હતા. તેમની અદ્ભુત વીરતાની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

આપણી અમૂલ્ય વિરાસતને ભૂચરમોરીના મેદાનમાં રાજપૂત બહેનો દ્વારા સજીવન થતી જોઈ દુલા ભાયા કાગની કાલજયી કવિતાની એક પંક્તિ મૂકવી જ પડે :

રણ ફોજ ચડે, રણહાક પડે, રાજપૂત લડે રાજધાનીયાં કા

તલવાર વડે, સન્મુખ લડે, કટ શીશ દડે જુવાનીયા કા

રણ તાત મરે, સુદ ભ્રાત મરે, નીજ નાત મરે, નહી રોવતી થી

સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી રણ ઝૂઝતી થી;

સોઈ હિંદ કી રાજપૂતાનીયાં થી!

Image Source

[ આ આખી સત્યઘટના આ જ વેબસાઇટ પર અલગ આર્ટિકલ રૂપે વિસ્તારથી મૂકેલી છે. ]
Author: કૌશલ બારડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks