જો તું મને છોડવા ઈચ્છે તો કંઈ બોલ્યા વગર જ ચાલ્યો જજે ! સાચો પ્રેમ એટલે શું? વાંચો

0

જો તું મને છોડવા ઈચ્છે તો કંઈ બોલ્યા વગર જ ચાલ્યો જજે !

“તું મને કેટલો પ્રેમ કરે છે ?” આ સવાલ દરેક પ્રેમીઓનો હશે ! પ્રેમ અને મકાન એક જેવા જ હોય છે, થોડો સમય તો માંગે જ છે ! પણ જ્યારે આપણે મુશ્કેલીઓની વચ્ચે હોઇએ ત્યારે તારણહારનું કામ કરે છે ! મૌલિક વાતોમાં હાસ્ય હોય ? મારું તો એટલું જ કહેવું છે કે કેમ ન હોય ! પ્રેમમાં હાસ્ય તો હોવું જ જોઈએ અને તાર્કિક રીતે જોવા જઈએ તો પ્રેમ એ સૌથી મોટું અને મૌલિક હાસ્ય છે ! કોઈ વ્યક્તિ શા માટે બધુ છોડીને એક છોકરી પાછળ પોતાનો સમય વ્યર્થ કરે ? અને સામે એ છોકરી પોતાની જિંદગીને એ છોકરાના નામે કેમ કરતી હશે ? આ બધા સવાલોનો જવાબ તો પ્રેમના અનુભવથી જ થાય !

જેમ કોઈ લોકલ ટેક્સીમાં બેકસાઈડ જોવા માટે મિરર હોય છે, પણ તેનો ઉપયોગ કયો પેસેન્જર ઉતર્યો કે ચઢ્યો એના માટે થતો હોય છે ! એજ રીતે પ્રેમમાં કેટલાક પાસા એવા છે કે જેનો ઉપયોગ તો પ્રેમ થયા બાદ જ ખબર પડે ! શા માટે કોઈને ફેસબુક કે અન્ય સોશિયલ સાઇટ પર પ્રેમ ન થાય ? ત્યાં બધા તો ફેક નથી જ ને ? પ્રેમ માટે ઘણું લખાયું છે અને મોટાભાગે અનુભવથી જ લખાયું છે ! સમાજને પ્રેમનો મોટો દુશ્મન ગણાવાય છે, કેમ કે પ્રેમમાં લગ્ન સમયે સમાજ શું કહેશે ? એ ડર હોય છે ! એરેન્જ મેરેજમાં પણ પ્રેમ થાય જ છે ! એક કપલ મુંબઈના એરપોર્ટ પર બેઠું હતું અને પતિ વોશરૂમમાં જાય છે અને આવીને જુએ છે કે ત્યાં તેની પત્ની નથી ? શું તેને ચિંતા નહીં થાય ? સવાલો તો ઘણા છે આ જિંદગી અને મોત વચ્ચે, પણ અનુભવ અને જ્ઞાનથી આશા છે કે આ અજ્ઞાનનો ખાડો પુરાશે !

મહેનત તો દરેક વાતમાં જરૂરી છે, તો પછી પ્રેમમાં તો હોય જ ને ! કહેવતો કે શાયરીઓ કહેવાથી પ્રેમ ન થાય ! સાચો પ્રેમ અને સોશિયલ મીડિયાના પ્રેમમાં તફાવત માત્ર એટલો જ છે કે સાચા પ્રેમમાં અભિમાન નીકળી જાય ! જે તમને દેખાય એના પર તમે કેટલો વિશ્વાસ કરો છો, એ તમારા જ્ઞાન અને અનુભવના આધારે નક્કી કરશો ! પણ પ્રેમમાં તો જ્ઞાન નકામું જ છે, કારણ કે બધાનો સિલેબસ જ અલગ અલગ હોય છે ! મારા અનુભવ પ્રમાણે કહું તો પ્રેમમાં સરળ સરળ રહેવું જોઈએ, કેમ કે પ્રેમ જ મહાન શક્તિ છે ! આપણા ઈતિહાસથી માંડીને ધર્મ ગ્રંથોમાં પ્રેમનો તો ઉલ્લેખ છે, પણ એ વર્તમાન માટે એટલું ઉપયોગી નહીં નીવડે ! પ્રેમ એ પરમેશ્વરથી નજીક છે, પણ સત્ય એમાં મુખ્ય છે ! જો તમે પ્રેમમાં હોવ અને સ્ત્રી હોવ તો પુરુષને સમજો અને જો તમે પુરુષ છો, તો સ્ત્રીને સ્વતંત્રતા અને સન્માન આપો !

મુખ્યત્વે યાદોમાં જ પ્રેમ થાય છે અને એ યાદો એટલી મધુરી લાગે છે કે જીવનમાં એના જેવું સુખ નહીં, પણ એ યાદો જ છે ! પ્રેક્ટિકલ લાઈફના એપ્રોચને સ્વીકારવો જોઈએ અને પ્રેમને પ્રેક્ટિકલી અપનાવવો જોઈએ ! પ્રેમ એ પ્રેમ છે અને પ્રેમ એ પરમતત્વનો જ પર્યાય છે એટલે જ પ્રેમમાં (સાચા પ્રેમમાં) તાકાત હોય છે અને પ્રેમ તો પ્રેમ છે તો આ સાચો ખોટો પ્રેમ ? પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો પણ ઘણીવાર આકર્ષણને પ્રેમ સમજી બેઠાં હોઈએ તો એ સૌથી મોટો ભ્રમ છે ! કોલેજમાં કોઈને કોઈ સાથે આપણું આકર્ષણ તો થતું જ હોય છે પણ એને પ્રેમ તો ના જ કહેવાય અને કદાચ આ આકર્ષણ ને પ્રેમ સમજી બેસીએ અને એ છોકરી કે છોકરા સાથે આપણા સંબંધો (શારીરિક સંબંધો નહીં) શરૂ થાય અને જ્યારે એક બીજાના દુર્ગુણોનો પરિચય થાય ત્યારે શા માટે એક બીજાને છોડવાની વાત આવે છે ? જ્યારે પણ એકબીજાને છોડવાની વાત આવે ત્યારે મોટા ભાગના છોકરાઓ એમ કહે છે કે “ભગવાન શ્રી કૃષ્ણએ રાધા સાથે પ્રેમ કર્યો હતો છતાં તેમણે લગ્ન રાધા સાથે નહોતા કર્યા”. આ વાક્ય છોડવાના એટલે કે બ્રેકઅપના ટાઈમ પર આવે છે અને જ્યારે એકબીજાને મળ્યાં રોમિયો અને જુલિએટની વાતો કરતાં હોય છે ! એટલે જ આજે કોલેજોમાં ભાગ્યે જ પ્રેમ જોવા મળે છે બાકી તો પ્રેમને “સેટિંગ” નામના શબ્દથી પ્રયોજવામાં આવે છે !

આજનો પ્રેમ એ એન્ડ્રોઈડ જેવો થઈ ગયો છે, ક્યારે અપડેટ આવે તેનો ખ્યાલ જ ન રહે ! પ્રેમ પર ઘણું સાહિત્ય મળી રહે છે પણ પ્રેમ કઈ રીતે કરવો ? એવું કોઈ સાહિત્ય શોધવા જઈએ તો કદાચ ક્યારેય ના મળે ! પ્રેમ એ મોબાઈલ જેવો જ છે બધામાં જુદી જુદી સિસ્ટમ્સ હોય છે અને ક્યારેય એકબીજાની સિસ્ટમ્સને કોપી નથી મારી શકાતી અને જો કોઈ ફેક સિસ્ટમ લાવી અને એની સાથે કોપી મારવામાં આવે તો આખા ફોનની સિસ્ટમ ખરાબ થઈ શકે છે એવી જ રીતે પ્રેમમાં પણ કોઈની કોપી ન મારી શકાય એ તો નૈતિક અને નિખાલસ છે. પ્રેમમાં નિખાલસતા અને સરળતા હોય છે, સૌ પ્રથમ પ્રેમ એકબીજાના વિચારો અને વ્યવહારો (બીજા લોકો સાથેના સંબંધો)થી થાય છે અને ત્યાર બાદ શરીરની વાત આવે છે શરીરનું સુખ સૌએ ભોગવવું જ જોઈએ એમાં કંઈ ખોટું નથી પણ સાથે સમજદારી અને જવાબદારીનું પણ ભાન હોવું જરૂરી છે.

પ્રેમ એ સ્વપ્ન જેવો છે કે જેમાં દરેક જગ્યાએ તમારી પ્રિયતમાનાં દર્શન થતાં હોય અને વિચારોમાં આવતાં સુવિચાર તરીકે જોવા મળે ! પ્રેમમાં બન્ને પાત્રો સરળતાથી એકબીજાની સાથે બેસી શકે, સાથે હસી શકે અને સાથે રડી પણ શકે ! કદાચ આ જ જીવનની સૌથી મોટી સફળતા છે ! આજના સમયમાં બે પ્રેમીઓ સાથે હસતાં રમતાં જોવા મળે તો આપણે પહેલી નજરમાં તેને મિત્રો જ સમજીશું કારણકે આજના સમયમાં પ્રેમીઓ એટલે હાથ પકડીને અને બાથ ભરીને બેસતાં છોકરો છોકરી ! સાચો પ્રેમ એ તમારી પ્રેમિકા માટે હોય કે ભગવાન માટે એ તો સરખો જ છે કારણકે બિનશરતી પ્રેમ એ ઈશ્વરનો પર્યાય છે. પ્રેમની બધી કવિતાઓ કે ગીતો એ તમારી પ્રેમિકા માટે વાંચો કે ઈશ્વર માટે એ સરખું જ છે, ખાલી શબ્દો બદલાય છે પણ ભાવ તો એજ રહે છે !

પ્રેમમાં આદર, સત્કાર અને વિવેક મોખરે હોવો જોઈએ કારણકે આ પરિબળો જ પ્રેમને મજબૂત રાખે છે ! જીવનમાં પ્રેમનાં સ્વરૂપ બદલાતા રહે છે અને પ્રેમનો એપ્રોચ બદલાય છે બાકી તો પ્રેમ જ ગોડ પાર્ટીકલ્સ જેવો છે સર્વે છે પણ અનુભવ માત્ર પ્રેમને જાણનાર અને સ્વીકારનાર જ કરી શકે ! સૌથી પ્રથમ આપણે આપણી જાતને પ્રેમ કરતાં શીખવું પડશે કેમ કે પોતાનામાં જ પ્રેમ નહિ હોય તો બીજાને શું આપીશું ? જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરે છે એ જ બીજાને પ્રેમ કરી શકે છે કારણકે ત્યારે તે વ્યક્તિ માંથી અહંકાર જતો રહે છે. જે રીતે ખાલી ગ્લાસમાં પાણી નાખવાથી હવા આપોઆપ જતી રહે છે એ જ રીતે જીવનમાં પ્રેમ આવવાથી બધા જ દર્દો ધીમે ધીમે જતાં રહે છે. પોતાની જાતને પ્રેમ કર્યા બાદ પોતાના જ જીવનને ચાહવું જોઈએ, ત્યારે જ તો તમે બીજાના જીવનને ચાહી શકશો ! આમ ધીમે ધીમે મનમાં રહેલા વિચારો સુવિચારો બનતાં જશે.

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here