Vijay Raghavendra Wife funeral : મનોરંજન જગતમાંથી હાલમાં જ એક દુખદ સમાચાર આવ્યા, કન્નડ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું. સ્પંદનાના અંતિમ સંસ્કાર 9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિજય રાઘવેન્દ્ર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો. પત્નીને છેલ્લી વિદાય આપતી વખતે તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા.
પત્નીના અંતિમ સંસ્કાર પર ધ્રુસકેને ધ્રુસકે રડ્યો વિજય રાઘવેન્દ્ર
જોકે, KGF સ્ટાર યશે વિજય રાઘવેન્દ્રને ગળે લગાવીને સાંત્વના આપી. આ દ્રશ્ય જોઇ અભિનેતાના ચાહકો પણ દુખી થઈ ગયા હતા. તેઓ પણ વિજય રાઘવેન્દ્રને હિંમત આપવા લાગ્યા. સ્પંદનાનું 7 ઓગસ્ટે નિધન થયું હતું. ત્યારે તે પરિવાર સાથે બેંગકોકમાં હતી. જ્યારે પતિ વિજય રાઘવેન્દ્ર એક ફિલ્મના પ્રમોશન માટે બેંગ્લોરમાં હતો. વિજયને પત્નીના નિધનના સમાચાર મળતા જ તેણે પ્રમોશનલ ઈવેન્ટ મોકૂફ કરી દીધી.
યશે ગળે લગાવી આપી સાંત્વના
સ્પંદનાનું પોસ્ટમોર્ટમ બેંગકોકમાં કરવામાં આવ્યું અને તેના મૃતદેહને બેંગ્લોરમાં તેના પિતાના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમના નજીકના સંબંધીઓ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગના લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી. વિજય રાઘવેન્દ્ર અને સ્પંદનાના લગ્ન 2007માં થયા હતા. પણ લગ્નની 16મી વેડિંગ એનિવર્સરીના 19 દિવસ પહેલા જ સ્પંદનાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. જણાવી દઇએ કે વિજય રાઘવેન્દ્ર કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના પિતરાઈ ભાઈ છે.
2007માં કર્યા હતા સ્પંદના સાથે લગ્ન
પુનીતનું 2021માં કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. વિજય અને સ્પંદનાને એક પુત્ર પણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્પંદનાની કારકિર્દી ટૂંકી રહી. તેણે 2016માં આવેલી ફિલ્મ ‘અપૂર્વા’માં પોતાના અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં રવિચંદ્રન પણ હતા. જ્યારે, વિજય રાઘવેન્દ્ર ‘સીતારામ બેનૉય કેસ નંબર 18,’ ‘યદા યદા હી ધર્મસ્ય,’ ‘નન્ના નિન્ના પ્રેમા કાઠે,’ ‘શિવયોગી શ્રી પુટ્ટયજ્જા,’ અને ‘ફેર એન્ડ લવલી’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે.