“છેલ્લો દિવસ” અને “શું થયું ?” બાદ છેક 5 વર્ષે આવેલી મલ્હાર, યશ અને મિત્રની તિકડી વાળી “3 એક્કા” ફિલ્મ કેવી છે ? વાંચો ફિલ્મનો સચોટ રીવ્યુ

શું “છેલ્લો દિવસ” ફિલ્મની રીમેક બની જશે નવી આવેલી ફિલ્મ “3 એક્કા”? ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ અચૂક વાંચજો

3 Ekka Movie Review : આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ડંકો દુનિયાભરમાં વાગે છે અને તેની પાછળનું કારણ એક ફિલ્મ રહી છે. એ ફિલ્મ હતી “છેલ્લો દિવસ” જેને દર્શકોને ગુજરાતી ફિલ્મો જોવાનું ઘેલું લગાવ્યું અને પછી દર્શકો મલ્ટીપ્લેક્સમાં પણ ગુજરાતી ફિલ્મો નિહાળવા પહોંચી ગયા. આ ફિલ્મમાં અભિનેતા મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી ગુજરાતની જનતાના લોકપ્રિય અભિનેતા બની ગયા અને તેમની જોડીને દર્શકો પણ વધારે પસંદ કરવા લાગ્યા.

ત્યારે વર્ષ 2015માં “છેલ્લો દિવસ” ફિલ્મ બનાવ્યા બાદ ફિલ્મના નિર્માતા વૈશલ શાહે મલ્હાર, યશ અને મિત્રની તિકડીની સાથે વર્ષ 2018માં “શું થયું ?” ફિલ્મ બનાવી અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. ત્યારબાદથી દર્શકો આ તિકડીને એકસાથે મોટા પડદા પર જોવાની રાહ જોઈને બેસી રહ્યા હતા. ત્યારે હવે 5 વર્ષ બાદ ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દર્શકોની આ ઈચ્છા પૂર્ણ કરી અને “3 એક્કા” ફિલ્મ બનાવી જે આજે એટલે કે 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં આવી ગઈ છે.

ત્યારે ગઈકાલે અમદાવાદના થલતેજ ખાતે આવેલા PVR સિનેમામાં “3 એક્કા” ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા સેલેબ્રિટીઓ તેમજ ચાહકો પણ આવી પહોંચ્યા હતા. જેમને પણ પોતાના મનગમતા ચાહકો સાથે સેલ્ફી લેવાનો મોકો પણ મળ્યો હતો. આ સાથે ફિલ્મની મજા પણ માણી હતી. ત્યારે અમે તમને આ ફિલ્મ જોયા બાદ ફિલ્મનો સચોટ રીવ્યુ જણાવીએ.

ફિલ્મની કહાની :

“છેલ્લો દિવસ” અને “શું થયું ?”ના મેકર્સ દ્વારા દર્શકોની આતુરતાનો અંત આણવા માટે “3 એક્કા” ફિલ્મ બનાવી. આગળની બંને ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ મિત્રતા પર જ આધારિત છે. ફિલ્મની કહાની કલરવ ઉર્ફે કલર (મલ્હાર ઠાકર) માનસી (કિંજલ રાજપ્રિયા)ને પ્રેમ કરે છે અને લગ્ન પણ તેની સાથે જ કરવા માંગે છે, પરંતુ તે ખુબ જ ધનવાન પરિવારની છે અને તેના પિતા કલરવ સામે લગ્ન કરવા માટે તેને 50 લાખ કમાવવાની શરત મૂકે છે.

સામાન્ય પરિવારમાંથી આવતા કલરવ માટે આટલી મોટી રકમ ભેગી કરવી એ પણ ચેલેન્જ છે, પરંતુ પોતાના પ્રેમ માટે આવેશમાં આવી જઈને તે માનસીના પપ્પાની ચેલેન્જ સ્વીકારી લે છે. પછી કહાનીમાં આવે છે મજા,  તેના બે સૌથી સારા મિત્રો – કબીર એટલે કે બાબા (યશ સોની), શેર બજાર અને પોકરનો એક્સપર્ટ છે અને ભાર્ગવ એટલે કે ભૂરિયો (મિત્ર ગઢવી), એક નવવિવાહિત માણસ જે એક પરંપરાગત કુટુંબમાંથી આવે છે. તે તેને પૈસાનું સેટિંગ કરવામાં મદદ કરે છે.

આ ત્રણેય મિત્રો એક શક્તિશાળી સાહુકાર (હિતુ કનોડિયા) પાસેથી મોટા વ્યાજે પૈસા લે છે. બાબાએ તેની પ્રેમિકા જાહ્નવી (ઈશા કંસારા)ને કયારેય જુગાર નહિ રમવાનું વચન આપ્યું હોય છે, પરંતુ વ્યાજે લીધેલા નાણાં શેર માર્કેટમાં રોકાણ કરતા ડૂબી જતા અને ભાઈબંધ ફસાયો હોવાના કારણે જુગાર રમવા બાબા તૈયાર થાય છે.  પોલીસની ચાંપતી નજરના કારણે સંસ્કારી ભાર્ગવના ઘરમાં જુગારનું આયોજન થાય છે અને તેની પત્ની કવિતા (તર્જની ભાડલા)ને કોઈ રીતે પિયર મોકલી દે છે.

જેના બાદ કહાનીમાં એક પછી એક ટ્વિસ્ટ આવે છે અને આ દરમિયાન પેટ પકડીને હસાવે તેવા કોમેડી દૃશ્યો પણ આવે છે. સાથે જ ફિલ્મના અંતમાં એક જબરદસ્ત સરપ્રાઈઝ પણ દર્શકોને મળી રહી છે. હવે કલરવના પૈસાનું સેટિંગ થાય છે કે નહિ અને તેના લગ્ન થશે કે નહિ, બાબા જુગારની બાજી જીતવામાં ક્યાંક પ્રેમની બાજી તો નહિ હારી જાયને અને સંસ્કારી ભાગર્વની પત્નીને જયારે પતિના ઘરમાં ચાલતા કાંડ વિશે ખબર પડશે ત્યારે શું થશે ? એ જોવા તો તમારે ફિલ્મ જ જોવી પડશે.

ફિલ્મના પાત્રો :

આ ફિલ્મના ત્રણ મુખ્ય એક્કા એટલે કે મલ્હાર ઠાકર કલરવ ઉર્ફે કલર, યશ સોની કબીર ઉર્ફે બાબા અને મિત્ર ગઢવી ભાર્ગવ ઉર્ફે ભુરીયોના પાત્રમાં જોવા મળશે, આ ત્રણ એકકાની ત્રણ રાણીઓ તરીકે માનસીના પાત્રમાં કિંજલ રાજપ્રિયા, જાહ્નવીના પાત્રમાં ઈશા કંસારા અને કવિતાના પાત્રમાં તર્જની ભાડલા જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા હિતુ કનોડિયાનું પણ એક શાહુકાર તરીકેનું દમદાર પાત્ર તમને જોવા મળશે. આ સાથે સહાયક કલાકાર તરીકે તુષારીકા રાજગુરુ, ચેતન દૈયા, પ્રેમ ગઢવી અને ઓમ ભટ્ટ સહિતના અન્ય કલાકરો પણ છે.

અભિનય :

વાત કરીએ ફિલ્મના કલાકારોની અભિનયની તો છેલ્લો દિવસ, શું થયું ? ફિલ્મની જેમ જ આ તિકડી “3 એક્કા”માં છવાઈ ગઈ, તેમનો એકદમ નેચરલ અને આકર્ષક અભિનય દર્શકોને પેટ પકડીને હસાવે છે. આ ઉપરાંત ત્રણેય અભિનેત્રીઓએ પણ તેમના પાત્રને ખુબ જ સારી રીતે ભજવ્યું છે. અભિનેતાઓ સાથેની તેમની કેમેસ્ટ્રી રંગ લાવે છે. તો સહાયક તરીકે તુષારીકા રાજગુરુએ પણ કોકિલા ભાભીના પાત્રને જીવંત બનાવી દીધું.

ફિલ્મનું સંગીત :

“3 એક્કા” ફિલ્મમાં સંગીત આપ્યું છે કેદાર ભાર્ગવે. જે ફિલ્મનો પ્રાણ બની ગયું. ફિલ્મમાં 2 ગીતો છે “ટેંહુક” અને “ભેરુડા”. આ બંને ગીતો સાંભળ્યા બાદ તમને ગણગણવાનું મન થશે. ટેંહુક ગીત ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્યરાજ ગઢવી અને ભાર્ગવ પુરોહિતના અવાજમાં ગાવામાં આવ્યું છે, જે સાંભળતા પગ પણ થિરકવા લાગે. તો ભાઈબંધી પર બનાવવામાં આવેલું “ભેરુડા” પણ એક શ્રેષ્ઠ ગીત છે. આ ગીતને લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવીએ ગાયું છે. આ બંને ગીતો ભાર્ગવ પુરોહિતની કલમે લખાયેલા છે.

લેખન, દિગ્દર્શન અને પ્રોડક્શન :

આ ફિલ્મની વાર્તા લખી છે ચેતન દૈયા અને પાર્થ ત્રિવેદીએ. તો ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે રાજેશ શર્માએ. ફિલ્મને પ્રોડ્યુસ કરવાનું કામ બોલીવુડના ખ્યાતનામ પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પ્રતીક પરમાર દ્વારા અને ફિલ્મને એડિટ નીરવ પંચાલ દ્વારા કરવામાં આવી છે.

ફિલ્મ જોવાનું મુખ્ય કારણ :

3 એક્કા ફિલ્મની જાહેરાત જ્યારથી થઇ છે ત્યારથી દર્શકો આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ત્યારે ફિલ્મ વિશે દર્શકોએ જે આશા રાખી હતી એ આશા ફિલ્મ જોયા બાદ સાર્થક થતી જોવા મળશે. મલ્હાર, યશ અને મિત્રની તિકડી દર્શકોને મોજ પડાવી દે છે તો ફિલ્મના ડાયલોગ અને પંચ લાઈન પણ પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતા હોય છે.  થિયેટરમાં દર્શકોને ફિલ્મમાં સીટીઓ મારતા અને ખડખડાટ  હસતા પણ જોઈ શકશો. આ ફિલ્મ એકદમ પૈસા વસુલ ફિલ્મ છે. ગુજ્જુરોક્સ તરફથી આ ફિલ્મને અમે 5માંથી 4.5 સ્ટાર આપીએ છીએ.

Niraj Patel