નોકરી ન મળી તો 42 ગધેડા પાળ્યા, ગુજ્જુ છોકરાએ ખોલી દીધુ ગધેડાનું ફાર્મ, હવે લાખો રૂપિયામાં કરી રહ્યો છે કમાણી
ગાય કે ભેંસનું દૂધ સામાન્ય રીતે તમામ ઘરોમાં આવે છે અને જો તેની સરેરાશ કિંમતની વાત કરીએ તો તે 65 થી 80 રૂપિયા પ્રતિ લીટર હોય છે. પરંતુ શું તમે ક્યારેય તમારા ઘરે 5000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ લાવ્યા છો ? જી હા આ દૂધની જ કિંમત છે, પરંતુ તે ગાય કે ભેંસના દૂધની નહિ પણ ગધેડીના દૂધની છે. ગધેડાના દૂધના વ્યવસાયે ગુજરાતના એક વ્યક્તિનું નસીબ એવું ફેરવી નાખ્યુ કે આજે તે દર મહિને લાખોની કમાણી કરી રહ્યો છે.
ગુજરાતના પાટણ જિલ્લાના ધીરેન સોલંકી ગધેડીનું દૂધ 5000 થી 7000 રૂપિયા પ્રતિ લીટર વેચે છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતના પાટણ જિલ્લાનો ધીરેન સોલંકી ગધેડાના દૂધનો વ્યવસાય કરીને દર મહિને લગભગ 3 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ધીરેન સોલંકીની કહાની પણ ઘણી રસપ્રદ છે. વાસ્તવમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ધીરેન સોલંકી નામનો આ વ્યક્તિ ગુજરાતના પાટણમાં ડોન્કી ફાર્મ ચલાવે છે અને તેણે ગધેડાના દૂધની ઓનલાઈન ડિલિવરી પણ શરૂ કરી છે.
ધીરેને કહ્યુ- જ્યારે હું નોકરી શોધી રહ્યો હતો ત્યારે મને જોઈતી નોકરી મળી રહી ન હતી, મને જે નોકરીઓ મળી રહી હતી તેમાં મારા પરિવારના ખર્ચને પહોંચી વળવા પૂરતો પગાર નહોતો. ધીરેનના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં ગધેડા પાળવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો હતો અને તેના વિશેની સંપૂર્ણ વિગતો જાણ્યા પછી મેં ગધેડીના દૂધનો વ્યવસાય કરવાનું વિચાર્યું અને લગભગ 8 મહિના મારા ગામમાં ગધેડાનું ફાર્મ ખોલ્યું.
ધીરેને 20 ગધેડા અને 22 લાખ રૂપિયાના રોકાણ સાથે ડોન્કી ફાર્મની શરૂઆત કરી હતી અને આજે તેના ફાર્મમાં કુલ 42 ગધેડા છે અને તેમાંથી મોટાભાગના માદા છે. રિપોર્ટ અનુસાર પહેલા ફાર્મથી દૂધના વેચાણ અને હવે તેના ઓનલાઈન વેચાણથી ધીરેન સોલંકી દર મહિને 2-3 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. ધીરેને કહ્યું કે શરૂઆત ઘણી મુશ્કેલ હતી, ગુજરાતમાં ગધેડીના દૂધની બિલકુલ માંગ નથી. પહેલા પાંચ મહિના સુધી કોઈ આવક નહોતી થઇ. જેમ મને ખબર પડી કે દક્ષિણ ભારતમાં તેની ખૂબ માંગ છે, મેં કંપનીઓને દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું.
કર્ણાટક અને કેરળમાં તેની ખૂબ માંગ છે. મારા ગ્રાહકોમાં કોસ્મેટિક કંપનીઓ છે, જેઓ તેમના ઉત્પાદનોમાં ગધેડીના દૂધનો ઉપયોગ કરે છે. આ દૂધની કિંમત 5 હજારથી 7 હજાર રૂપિયાની વચ્ચે છે. દૂધ તાજું રાખવા માટે અમે તેને ફ્રીઝરમાં સ્ટોર કરીએ છીએ. દૂધને સૂકવીને પાવડર સ્વરૂપે પણ વેચવામાં આવે છે. પાઉડર દૂધની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગાય કે ભેંસના દૂધ કરતાં ગધેડીનું દૂધ 70 ગણું મોંઘું હોય છે. પ્રાચીન સમયમાં ગધેડીના દૂધનો વ્યાપક ઉપયોગ થતો હતો. પ્રાચીન કાળ વિશે એવું કહેવાય છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા તેનાથી સ્નાન કરતી હતી. ગધેડીના દૂધનો ઉપયોગ દવાઓમાં થતો હતો.