દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

 “વેલેન્ટાઇન ડે ફોર જી વર્ઝન” – સ્પેશિયલ વેલેન્ટાઇન ડે સ્ટોરી, એમાં વાંચો ફોર જી લવ ની પરિભાષા એ પણ મુકેશ સોજીત્રાની કલમે ….

તન્વીએ પોતાના મોબાઈલમાં જોયું. સાંજના સાત વાગ્યા હતા. બસ હવે દસ જ મીનીટમાં જ આયુષ્ય આવવો જોઈએ. તન્વી ઇસ્કોન મંદિરના પટાંગણમાં જમણી બાજુ આવેલ કેન્ટીનની ડાબી બાજુમાં આવેલ છેક છેલ્લા ટેબલ પર બેઠી હતી. છેલ્લા એક વરસથી એ આયુષ્યને અહિયાં મળતી હતી. બને મળતા કોફી પીતા. મંદિરમાં થતી આરતીમાં જોડાતાં પછી ભગવાનના પ્રસાદ સ્વરૂપે મંદિરના આગળ ભાગમાં ખીચડીના બે બે પડિયા પેટમાં પધરાવતા અને પછી વાઈડ એન્ગલમાં ક્યારેક મૂવીની મજા માણતા.અથવા તો ગાંધીનગર સરખેજ હાઈવે પર આયુષ્યની બાઈક પાછળ પર બેસીને લટાર મારવા નીકળી પડતા. વચ્ચે કોઈ કોઈ જગ્યાએ ચટર પટર ખાઈ લે!! ચટર પટરમાં તો પાણી પૂરી ,દહીપુરી અથવા પફ ,પકોડા કે મસ્કા બન ખાવાનું હોય!! બસ અંધારું થતું જતું એમ બને એકબીજાના સાનિધ્યમાં દિલમાં અજવાસ પથરાતો જતો હતો!!
તન્વી અને આયુષ્યની ઓળખાણ બહુ લાંબી નહિ. ચારેક વરસ જૂની ઓળખાણમાં બે ય યુવા દિલ ઘણા નજીક આવી ગયા હતા. અમદાવાદનો કોઈ વિસ્તાર બાકી નહિ હોય જ્યાં આ બેય પ્રેમી પંખીડાઓ કલરવ નહિ કરી આવ્યા હોય!! આયુષ્યના પાપાને એક મોટું ગેરેજ હતું અને સાથોસાથ મોંઘી બાઈકોની એસેસરીઝ પણ રાખતા એટલે કોલેજ કાળમાં આયુષ્ય પાસે નિત નવી બાઈકો રહેતી. રિપેરમાં આવેલી બાઈક ને ટેસ્ટ ડ્રાઈવ માટે એ લઈને નીકળી પડતો!!

તન્વીના પાપા એસ ટી ડીવીઝનમાં કામ કરતા હતા. સરકારી આવાસમાં રહેતા હતા. બને પરિવારો અમદાવાદની ઈમેજ પ્રમાણે લોઅર મધ્યમવર્ગ કેટેગરીમાં આવતા હતા. ગુજરાત કોલેજમાં બને સાથે પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ તરફથી ઉનાળાના વેકેશનમાં માઉન્ટ આબુ સાધના ભવન ખાતે પર્વતારોહણ કેમ્પસમાં તેઓ બને સાથે ગયા હતા. દસ દિવસમાં બને જણા ક્લાઈમ્બીંગ અને રેપલીંગની પ્રેક્ટીસ કરતા કરતા એક બીજાના દિલના મુલાયમ ઢાળ પર પર્વતારોહણની પ્રેકટીશ શરુ કરી દીધી. દરરોજ રાતે દસ વાગ્યે તાલીમાર્થીઓ પર્વતારોહણ કેન્દ્રના કેમ્પસમાં રાત્રી સેશનમાં પોતાની આવડતનું પરફોર્મન્સ કરતાં હતા. આયુષ્ય સ્ટેન્ડ અપ કોમેડીમાં માસ્ટર હતો અને તન્વી ડાન્સમાં પારંગત હતી!! એક રાતના કાર્યક્રમમાં તન્વીએ એક ફિલ્મી ડાંસ રજુ કર્યો!! બધાએ તે ડાન્સને વધાવી લીધો..આયુષ્ય બોલી ઉઠ્યો “વન્સ મોર”!! તન્વીએ બીજી વાર પરફોર્મ કર્યું.. ફરીથી આયુષ્ય બોલી ઉઠ્યો “અગેઇન વન્સ મોર” અને ફરીથી એ ફિલ્મી ડાંસ થયો ફરીથી ફરમાઇશ આવી
“વન્સ મોર” અને સાથોસાથ ખુલાસો પણ થયો કે “જ્યાં સુધી બરાબર સ્ટેપ નહિ આવડે ત્યાં સુધી આવી જ રીતે વન્સ મોર થયા જ કરશે” આયુષ્ય બોલ્યો કે તરત જ તન્વી આયુષ્યની પાછળ દોડી અને એને પકડીને બે ત્રણ ઝાપટ ઝીંકી દીધી..!! ખેર આ બનાવ વખતે બધા બહુ જ હસ્યા.. મીઠો માર ખાધા પછી આયુષ્ય અને તન્વી બને એક બીજા વિષે કોમેન્ટ પાસ કરતા..એક બીજાની મજાક પણ કરતા પણ બધા જ જાણતા હતા કે બને ભલે ને એક બીજાની વાટે પણ કોલેજમાં બેમાંથી એક ગેરહાજર હોય ત્યારે જે હાજર હોય એ ઉદાસ થઇ જતું હતું!!

પછીના વેલેન્ટાઈન ડે વખતે બને એ એકબીજા સાથે પ્રેમનો એકરાર કરી લીધો હતો. બસ પછીનું વરસ તો મોજ મસ્તીમાં જ વીતી ગયું.. બને
એકબીજાની પસંદના કપડા પહેરવા લાગ્યા. કોલેજના તમામ ઇવેન્ટ્સમાં પણ સાથે જ ભાગ લેતા હતા. સાથે જ જીતતા!! સાથે જ કાંકરિયાની ટ્રોય ટ્રેનમાં બેસતા અને સાથે જ ભેળ અને વડા પાઉં ખાતા!!

કોલેજ પૂરી થયા પછી બને એ જોબ શોધી લીધી. એકાદ વરસ પછી બને બરાબર સેટલ થયા પછી લગ્ન કરવાનું નક્કી કરી નાંખેલું!! લગ્ન પછી હનીમુન કરવા ક્યાં જવાનું એ પણ નક્કી કરી નાખેલું!!

“કોઈ કદી ત્યાં ગયા ન હોય હનીમુન માટે ત્યાં જવું છે.. ખાસ તો ગુજરાતીઓ” આયુષ્ય બોલતો.

“એવી કઈ જગ્યા છે કે જ્યાં ગુજરાતીઓ હનીમુન માટે જતા નથી” તન્વીએ પૂછેલું.
“ પૂર્વોતર રાજ્યો.. આસામ અરુણાચલ પ્રદેશ, મેઘાલય!! ત્યાં કુદરતી સૌન્દર્ય અબોટ અને ઠાંસી ઠાંસી ને ભરેલું છે..વળી ત્યાં ભીડ પણ ઓછી છે..હનીમુન માટે પરફેક્ટ છે પૂર્વોતરના ટચુકડા ટચુકડા સાત રાજ્યો!! રળિયામણી પર્વતમાળા, પર્વતોને આલિંગન આપતા ભેજવાળા વાદળો અને એ આલિંગનના પરિણામે વહેતી ખળખળતી નદીઓ.. અવર્ણનીય એકાંત અને કળાયેલ કુદરતી વાતાવરણમાં આજીવન યાદગાર બની જાય તેવું હનીમુન ઉજવવું છે!! આયુષ્ય બોલતા બોલતા ભાવી સહજીવનના સપનામાં ખોવાઈ જતો હતો!!
સમય વીતતો ચાલ્યો.. એક બીજા સાથે જીવવાના કોલ દૃઢ થયા. તન્વીએ એક દિવસ કહ્યું.

“આયુષ્ય મારા ઘરે હવે મારા વેવિશાળની વાત થવા લાગી છે. મેં મારા મમ્મીને તારા વિષે વાત કરી પણ મારા પપ્પા માનશે નહિ એવું એ કહેતી હતી.. શું થશે આપણું?? મને તો ચિંતા થાય છે!!”

“જે થવાનું હશે એ જ થશે..આપણો પ્રેમ સાચો છે એટલે જે થશે એ સારું જ થશે.. મેં પણ ઘરે વાત કરી જોઈ છે.. મારા ઘરે પણ બધા જ વિરુદ્ધમાં છે.. જોઈએ થોડો સમય રાહ જોઈએ.. બાકી પ્રેમ અને પાણી એનો માર્ગ કરી જ લે” આયુષ્યે તન્વીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. વાતાવરણમાં એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ હતી.

આવતી કાલે વેલેન્ટાઈન ડે હતો.. આયુષ્ય અને અવનીએ આજે ઇસ્કોન મંદિરે મળવાનું નક્કી કર્યું હતું. તન્વી આજે આયુષ્યને સરપ્રાઈઝ આપવાની હતી એમ ગઈકાલના મેસેજમાં આયુષ્યને તન્વીએ જણાવ્યું હતું. આમ તો છેલ્લા એક મહિનાથી મળ્યા નહોતા.. આયુષ્ય સરખેજ બાવળા હાઈવે પર આવેલ એક કંપનીમાં કલાર્કની જોબ પર હતો. એની મેનેજર કોઈ કર્મચારીને વહેલા જવાની રજા નહોતી આપતી. આયુષ્યે તન્વી આગળ ઘણીવાર બળાપો કાઢી ચુક્યો હતો.
“નવી મેનેજર ગયા જન્મની વેરી હોય એમ લાગે છે.. રવિવારે પણ બોલાવે છે.. ઓવરટાઈમ કરાવે છે..પગાર વધાર્યો એ વાત સાચી પણ એટલું જ કરાવે છે.. આ તો હું પ્રમોશનની લાલચે રોકાઈ ગયો છું..પ્રમોશન થઇ જાય તો પગાર પણ બમણો મળવાનો છે..પછી આપણે લગ્ન કરી લઈશું.”
પણ આ રવિવારે બને મળવાના હતા. ઓફિસમાં ગઈ કાલે આયુષ્યે કહી દીધું હતું કે રવિવારે એ આવી નહિ શકે એક અગત્યના લગ્ન પ્રસંગમાં જવાનું છે!!

સાતને ૧૫ થઇ અને આયુષ્ય આવ્યો. ટેબલ પર બેઠેલી તન્વીને જોઇને હસ્યો. આજે આયુષ્ય બલ્યુ રંગના અડીદાસના ટી શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં આયુષ્ય સોહામણો લાગતો હતો.

“યુ લુકિંગ વેરી ચાર્મિંગ”!! તન્વી બોલી અને આયુષ્ય બોલી ઉઠ્યો.

“યુ ટુ!! યુ લુક્સ વેરી ક્યુટ એન્ડ કૂલ!! બોલ શું સરપ્રાઈઝ આપવાની છે..ગઈ કાલ રાતની મને ઊંઘ નથી આવી..આખી રાત પડખા ઘસી ઘસીને કાઢી છે સ્વીટી”

“પેલા કોફી તો પી લઈએ” અને તન્વીએ પોતાના લાઈટ યલો પર્સમાં મોબાઈલ મૂકી દીધો!!. બને જણાનો આ નિત્ય ક્રમ હતો. જયારે મળતા ત્યારે મોબાઈલની સળી નહિ કરવાની!! કોફી આવી ને પીવાઈ ગઈ!! તન્વી બોલી.
“ સરપ્રાઈઝ સારું તો નથી પણ પરિસ્થિતિ જ એવી સર્જાઈ છે કે.. શું બોલવું એ સમજાતું નથી.. મારા માતા પિતાએ એક છોકરો જોયો છે.. મને એ એની સાથે પરણાવી દેવા માંગે છે.. આમ તો એ છોકરો મારી સાથે જ જોબ કરે છે.. છોકરાને એક વરસથી હું ઓળખું છું એકદમ સીધી લાઈનનો અને સરળ છોકરો છે. મારા માતા પિતાએ જ વાત ચલાવી એક સંબંધી દ્વારા અને સગપણ લગભગ પાકું થઇ ગયું છે.. હવે તું જ રસ્તો બતાવ કે શું કરવું છે.. તને એ તો ખબર છે આપણે ભાગીને કોઈ દિવસ લગ્ન કરવા માંગતા જ નથી.. તો હવે કયો રસ્તો વધ્યો???” આયુષ્ય તન્વીની સામે જોઈ જ રહ્યો. હળવેથી બોલ્યો.

“બસ સહુ સહુના રસ્તે ચાલવું જોઈએ..જયારે કોઈ રસ્તો ના વધ્યો હોય ત્યારે એક જ રસ્તો બચે.. મા બાપ કહે એ રસ્તા પર ચાલો..આમેય પ્રેમમાં વિકલ્પ બહુ ઓછા હોય છે..હું નથી ઈચ્છતો કે આપણે વડીલોને નારાજ કરીને કોઈ એવું પગલું ભરીયે કે જેનાથી બને કુટુંબની આબરૂ ખરડાઈ!! બીજું તો તને હું શું કહું તને નવ જીવનની શુભેચ્છાઓ તન્વી.. હું ખરા દિલથી શુભેચ્છાઓ પાઠવું છું.. આયુષ્ય ગળગળો થઈને બોલ્યો.. તન્વીની આંખ પણ ભીની થઇ ગઈ.!!

“દિલથી સોરી કહું છું આયુ..પ્લીઝ તું ખોટું ના લગાડતો.. મારી મજબૂરી તું સમજી શકે છે મેં તને સાચા દિલથી ચાહ્યો છે..તને મારા કરતા પણ વધુ સારું પાત્ર મળશે..ખુશ રહેજે.. તારી યાદો મારી સાથે જીવનભર વીંટળાયેલી રહેશે” તન્વીએ રડતા રડતા કહ્યું.

“તું આ રીતે ઢીલી ન પડ.. આપણે એક બીજાને ખરા દિલથી ચાહતા હતા.. બધી ચાહતનું હેપ્પી એન્ડીંગ ન પણ આવે.. બસ તું સદા ખુશ રહે એવું હું ઈચ્છું છું.. બસ તું મનમાં કશું જ ન લાવતી..તું ખુશ તો હું ખુશ.. મારું હું ફોડી લઈશ.. સ્વીટી!! આયુષ્યે તન્વીના આંસુ લુછતા કહ્યું.
“ આખરે આ જ સત્ય છે.. બસ આપણે એક બીજાની યાદોમાં જીવીશું.. સંજોગો જ એવા હોય ત્યાં આપણે શું કરી શકીએ!! આ સબંધ આપણે અહી જ પૂરો કરીએ છીએ.. કદાચ હવે ક્યાંક ભેળા થઈશું તો આંખોથી વાતો કરી લઈશું.. જીભથી વાત કરવાની મારી હિમત નહિ ચાલે” તન્વી બોલી આયુષ્યના ખભા પર માથું નાંખીને!! ઈસ્કોનમાં આરતી થઇ રહી હતી.. અંધારું થવા આવ્યું હતું!! બને ઉભા થયા.. મંદિરના ગેઇટ પર બને ઉભા રહ્યા.એક બીજા પર છેલ્લી નજર નાખીને.. બને રવાના થયા.. આજ આયુષ્યનું બાઈક એકલી મુસાફરી કરી રહ્યું હતું!! અગાઉ જયારે જયારે બને મળતા હતા!! ત્યારે બાઈક બને ને બેસાડીને આનંદ અનુભવતું હતું.. આજે બાઈક આયુષ્ય એકલાને જ લઈને ચાલી નીકળ્યું હતું!!

બીજા દિવસે સાંજે સાબરમતી રીવરફ્રન્ટ ની એક પાળ ની બાજુમાં એક ઓટલા પર તન્વી સોહમની બાંહોમાં હતી. સોહમ એની કંપનીનો મેનેજર હતો.. પૈસાદાર હતો.. દેખાવડો હતો.. તન્વીને ઘણા સમય પહેલા પ્રપોઝ કર્યું હતું.. પણ તન્વીએ એ સાચી વાત કરી દીધી હતી કે એ આયુષ્યની સાથે પ્રેમમાં છે.. જોકે કોલેજકાળનો પ્રેમ હોવા છતાં તેઓ એક હદથી આગળ વધ્યા નહોતા. સોહમે એને કીધું હતું.

“ કોઈ વાંધો નહિ.. વેલેન્ટાઈન ડે સુધી વિચાર કરી લે.. હું તારી રાહ જોઇશ ત્યાં સુધી.. તારી હા હશે તો મને ગમશે.. આપણે પછી પરણી જઈશું!!” સોહમ આધુનિક વિચારસરણી ધરાવતો યુવાન હતો.તન્વીને સોહમ પેલી નજરમાં જ ગમી ગયો હતો..

અને તન્વીએ બધો જ વિચાર કરી લીધો હતો.. છેવટે આયુષ્યની સંપતી કરતાં સોહમની સંપતિ વધી જતી હતી.. અને પછી એણે નક્કી કર્યું કે હવે આયુષ્ય સાથે છેડો ફાડી જ નાંખવો છે.. સ્પર્ધાનો જમાનો છે..ગયેલી તક અને તીર ક્યારેય પાછા નથી આવતા!! જીવનમાં આવી તક એક જ વાર મળે છે.. એક કલાર્કની સાથે લગ્ન કરવા કરતાં પોતાના જ મેનેજર સાથે લગ્ન કરી લેવા એમાં જ એનું હિત છે. અને ગઈ કાલે સાંજે એણે આયુષ્યની સાથે નાટક કરીને બનાવટી વાતો કરીને અંતિમ ફેંસલો લઇ જ લીધો.. એણે ધાર્યું હતું એના કરતા ઊલટું પરિણામ આવ્યું હતું..આયુષ્ય તરત જ વાત માની ગયો હતો.. આયુષ્યનો ગરીબડો ચહેરો આખી રાત એને યાદ આવતો રહ્યો. રાતે જ એણે સોહમને વાત કરી દીધી હતી કે એણે અંતિમ ફેંસલો લઇ લીધો છે!! સમાચાર સાંભળીને સોહમ રાજીના રેડ થઇ ગયો હતો!!
આજ બપોરના તન્વી અને સોહમ સાથે હતા.. તન્વી માટે સોહમે હીરાની વીંટી ખરીદી હતી!! બને એ સાથે મુવી જોયું હતું અને મૂવીનું નામ હતું “ચાલ જીવી લઈએ” અને બને જીવવા માટે જ સાબરમતી રીવર ફ્રન્ટ આવ્યા હતા. સોહમની બાંહોમાં ઝૂલતી તન્વી બોલતી હતી!!

“મેં તો ઇસ્કોનવાળા કૃષ્ણ ભગવાની દિલથી પ્રાર્થના કરી હતી કે આયુષ્ય સાથે વાતચીત કરું અને સફળ પરિણામ આવે અને એમ જ થયું..કેવો આસાનીથી આયુષ્યનો પીછો છુટી ગયો!! જોકે આયુષ્ય કોઈ ગરબડ કરે એવો તો હતો જ નહિ પણ આ પ્રેમનું કાઈ નક્કી નહીં..ઘણી વાર બ્રેક અપ પછી છોકરાઓ પાગલ થઇ જાય છે..પણ થેંક લોર્ડ ક્રિશ્ના!! યુ આર ધ ગ્રેટ!! તન્વી બોલતી હતી અને એના પ્રેમપાશમાં સોહમ જીવી રહ્યો હતો..
થોડીવારમાં એક એક્સ્ટ્રા ઓર્ડીનરી કહી શકાય એવી ખુબ સુરત છોકરી ત્યાંથી પસાર થઇ અને થોડે દૂર બેઠી.. એના શરીરમાંથી મનને તરબતર કરી દે તેવી ખુશ્બુ આવતી હોય છે..આમેય રીવર ફ્રન્ટ પર તમે ફરવા જાવને તો અલગ અલગ પ્રકારની ખુશ્બુઓ હવામાં લહેરાતી હોય છે!! છોકરી વારંવાર પોતાના મોબાઈલમાં જોઈ રહી હતી.!!

“લાગે છે મેડમ કોઈની રાહ જોઈ રહ્યા છે” સોહમ બોલ્યો પેલી છોકરી તરફ જોઇને
“ સાબરમતી કિનારે સંધ્યા ટાણે રાહ વાળા અને ચાહ વાળા જ જોવા મળે છે અને આજે છે વેલેન્ટાઇન ડે એટલે સહુ સહુ પોત પોતાની રીતે જીવી લેતા હોય છે ”તન્વી બોલી અને અચાનક જ એ ચમકી દુરથી એક છોકરો આવતો દેખાયો!! પરિચિત આકાર લાગ્યો!! એ આયુષ્ય હતો!! તન્વી ચોંકી ઉઠી!! એ સોહમની વધુ નજીક સરકી ગઈ!! આયુષ્યને જોઇને પેલી છોકરી ઉભી થઇ અને આયુષ્યને ભેટી પડી!!! બને એક આડશે બેઠા હતા!! બને ની વાતો તન્વી સાંભળી રહી હતી!!

“ સોરી એક કામ આવી ગયું હતું.. મારા મામાને સિવિલમાં દાખલ કર્યા છે એટલે કલાક મોડું થયું મારી મેનેજર સાહિબા” આયુષ્ય બોલ્યો.. તન્વી સમજી ગઈ કે પેલી છોકરી આયુષ્યની મેનેજર છે જે કંપનીમાં તે જોબ કરતો હતો..

“ એ તો ઓફિસમાં હું તારી મેનેજર બાકી તો હું તારી સ્વીટી જ છું!! બસ આજે ખુબ ખુશને!! કાલે તું કેટલો બીતો હતો નહિ!! પણ મેં તને કીધું હતું ને ઇસ્કોન વાળાકૃષ્ણ ભગવાન બધું જ સરખું કરી દેશે!! અને કોઈ પણ ઝંઝટ વગર બધુ જ પતી ગયુંને!! હવે એક જ મહિનામાં આપણે પરણી જઈશું!! બે દિવસ પછી તારા માતા પિતાને મારા ઘરે મોકલી દેજે!! એટલે વાત પાકી થઇ જાય!!
“ કાલ જે થયું એ ચમત્કાર થયો.. મારે જે વાત કરવાની હતી એ વાત એણે સામેથી જ કહી દીધી અને મને એટલો આનંદ થયો કે ઘડીભર મને એમ થયું કે હું નાચવા લાગુ. પણ પછી હું સોગીયું મોઢું કરીને ગળગળો થઇ ગયો.. આમેય મને સ્ટેન્ડ અપ કોમેડી આવડે એટલે બહુ વાંધો ન આવ્યો.. બાકી હૈયામાં આનંદની ઉર્મીઓ ઉછાળા મારતી હોય અને મોઢા પર કરુણાના ભાવ લાવવા એ કઈ જેવી તેવી વાત છે!! પણ એણે સામે ચાલીને બ્રેક અપ કર્યું એટલે મન પરથી એક બોજ ઉતરી ગયો છે!! હવે તો તું જ મારું વિશ્વ છો પ્રિયા!!” કહીને આયુષ્યે પ્રિયાને પોતાના પ્રેમપાશમાં નવડાવી દીધી.. બને જણા પોતાનું જીવન જીવી રહ્યા હતા!!

આ બાજુ તન્વી તો કાપો તોય લોહી ના નીકળે તેવી રીતે સોહમ સાથે બેસી રહી. જોકે સોહમનુ ધ્યાન તો તન્વીમાં હતું એટલે બાજુમાં શું વાત થાય છે એ બહુ ખાસ કહી સંભળાયું નહિ પણ તન્વી બધું જ સમજી ચુકી હતી!! પોતે મનમાં એક અપરાધભાવ અનુભવતી હતી કે આયુષ્ય સાથે એને નાટક કરવું પડ્યું.. પણ અત્યારે આ સાંભળીને મન પરથી એક ભાર ઉતરી ગયો હતો.. કાલે જ બ્રેકઅપ પામેલા બે યુવાન હૈયાના બ્રેક અપમા આજે વેલ્ડીંગ થઇ ગયું હતું…!! અને આમેય બીજો કોઈ રસ્તો તો હતો જ નહિ!!
વર્તમાન સમયમાં સહુ પોત પોતાની આગવી રીતે જીવી લેતા હોય છે!!

સમયાન્તરે પ્રેમના અલગ અલગ વર્ઝન અસ્તિત્વમાં હતા.
વન જી લવ!! આ એક શુદ્ધ પ્રેમ હતો.. બે પ્રેમીઓ વિરહમાં આખી જિંદગી કાઢી નાંખે..પણ એક બીજાનું અહિત ના ઈચ્છે!! મનમાં ને મનમાં આખી જિંદગી સડે પણ કોઈને નડે નહિ!!

ટુ જી લવ!! આમાં એક પાત્ર પરણી જાય બીજા સાથે તો બીજું પાત્ર આજીવન કુંવારું રહે અથવા તો પાગલ થઇ જાય!! જગતભરની ઉત્તમ શેર શાયરીઓ અને ગઝલો આ ટુ જી લવની દેન છે!!

થ્રી જી લવ!! આમાં બને પાત્રો ભાગીને પરણે.. સમાજ સામે ઝઝૂમે..કોઈ એક પાત્ર કદાચ પરણી જાય તો બીજું પાત્ર હિંસક બની જાય.!! દેવદાસ પણ બની જાય..!!

ફોર જી લવ!! ફોર જી લવનો પ્રેમ વાસ્તવિકતા પર હોય!! બને પાત્રો જ્યાં સુધી સમય અને સંજોગો અનુસાર પ્રેમ કરે.. વળી પાછુ બ્રેક અપ થાય અને પોતાનું મનગમતું અલગ અલગ પાત્ર ગોતી લે.. લગભગ કોઈ મનમાં બહુ ના લે!!

આ લવમાં એક બીજાને સહુ છેતરે છે!! સહુ પોતપોતાની હેસિયત અને કદ પ્રમાણે વેતરે છે!! એટલા માટે જ કોઈએ સરસ લખ્યું છે કે પ્રેમનો ક્યારેય નાશ થતો નથી..એ બસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રૂપાંતર થાય છે!! વર્તમાનમાં તો લગભગ ફોરજી લવ નું ચલણ છે!! જોઈએ હવે ભવિષ્યમાં ફાઈવ જી લવ કેવોક આવે છે!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.,મુ.પો ઢસાગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks