દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

જીવનમાં બધાને ઉપયોગી થયા અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ વાવ્યા ચ્હે એવા એક વિક્રમસિંહની વાત ….વાંચો મુકેશ સોજીત્રાની કલમે

“શેઠ આને ઘાટ આવડે છે. છે જીવરો અને એકદમ સીધો! એના બાપાએ મને કીધું એટલે લાવ્યો છું. એવું લાગે તો એક મહિનો વગર પગારે રાખો. પછી તમને ફાવે તો કામે રાખવાનો નહીતર નહિ. પણ મારી જવાબદારી!! એમાં કાઈ આડા અવળું ના થાય. તમને તો ખબર છે ને કે હું ચાર વરસથી તમારા કારખાને હીરાઘસુ છું પણ આપણે કોઈની ભલામણ નથી કરી. એ આપણને ફાવે જ નહિ. પણ આ છેલ્લી વારની અને પેલી વારની ભલામણ કરું છું કે આને કામે રાખો બધી જ જવાબદારી મારી!” લાલભા એ હીરાના કારખાનાના શેઠ ગોવિંદભાઈને વાત કરી.

લાલભા સાથે આવેલ છોકરાના ચહેરા સામે જોઈ રહ્યા. ઉમર હશે સોળ વરસની!! આંખોમાં એક મારકણી ચમક હતી. માપસરનું કપાળ, ચહેરાની ડાબી બાજુ એક નાનકડો તલ. નાની ઉમરમાં પણ ભરાવદાર મૂછો હતી. જમણા હાથ પર ચાંદીનું કડું અને હાથ પર નામ કોતરાવેલું હતું “જય ભવાની” ગોવિંદભાઈની નજર એ કડા પર ગઈ અને પૂછ્યું.

“શું નામ રાખ્યા છે જવાન” અને જવાબમાં જવાન બોલ્યો.

“ નામ તો વિક્રમસિંહ છે પણ બધા વિકુભા જ કહે છે! નિશાળમાં ભણતો ત્યારે માસ્તર જ વિક્રમસિંહ કહેતા બાકી તો બધા વિકુભા જ કહે છે” બેય હાથ કેડ પર ટેકવીને છાતી પહોળી કરીને વિકુભાએ જવાબ આપ્યો. ઘડીક તો ગોવિંદભાઈ ના બોલ્યાં પણ લાલભા કશુક બોલવા જતા હતા ત્યાંજ ગોવિંદભાઈ બોલ્યા.
“ઠીક છે આજથી જ કામે બેસી જાવ લાલભાઈની જવાબદારી છે એટલે ના નથી પાડતો. બાકી તો..”

“અરે શેઠ તમે જરાય મુંજાવમાં આ લાલભાઈ કહે એટલે પછી એમાં બીજું કાઈ ન આવે”

અને વિકુભા ગોવિંદભાઈના કારખાને ઘાટિયા તરીકે ગોઠવાઈ ગયા. અને એ વખતે હીરામાં ઘાટિયાનો જમાનો..!! પેલ વાળા , તળિયાવાળા , મથાળાવાળા માં આ ઘાટ ઘડનારા ઘાટિયાનો અલગ જ જમાનો!! એનો વટ પડતો અલગ જ!! કમાણી પણ સારી થાય. મોટે ભાગે એ વખતે ઘાટિયા તરીકે જાણીતા વિશ્વાસપાત્ર અને ઘરના, સગા સબંધી માણસોને દરેક શેઠિયા રાખતા. એ વખતે એટલે કે ૧૯૮૫ની આજુબાજુની આ વાત છે!!
મોટેભાગે હીરાના કારખાના પટેલ સમાજના હતા. અને હીરા ઘસવા વાળા પણ મોટે ભાગે પટેલો જ હોય. એમાં આ કારખાનામાં એક લાલભા હતા અને આ બીજા વિકુભા જોડાયા. કારખાનું ખાસું મોટું હતું સાઈંઠ જેટલી ઘંટી હતી અને ઘણા બધા ઘાટિયા હતા. બધા જ કારીગરો અને ઘાટિયા અને વિકુભા તરફ જોઈ રહ્યા હતા. અને વિકુભા કોણીમાં ડંડો લઈને ઘાટના શ્રી ગણેશ કર્યા!! પેલા જ દિવસે લગભગ ૪૦ હીરાના ઘાટ કરી નાંખ્યા. સાંજે લોટ જમા કરાવ્યો. ગોરધનભાઈ મેનેજરે ઘાટ તપાસ્યો. વજન ચેક કરી લીધું. લોટ આવ્યો ગોવિંદભાઈ પાસે અને એણે જોયું કે કોઈ જગ્યાએ ખોટી રીતે હીરો ઘસાયો જ નહોતો. એકદમ પરફેક્ટ ગોળાઈ આવી હતી.
“અરે આતો સ્પિનર છે સ્પિનર” ગોવિંદભાઈ બોલી ઉઠ્યા. ઘાટમાં ઘણીવાર હીરાને બરાબર ગોળાઈ ના આવે તો નિષ્ણાંત ઘાટીયો એને બરાબર ગોળાઈ લાવી દયે..!! હીરાઘસુની ભાષામાં એને સ્પિનર કહેવાય!! વિકુભાના હોઠે શબ્દો તો આવી ગયાં.

“અમારી હડફેટે ચડે એ ગોળાઈ તો પકડી જ લે એમાં આ હીરાનું શું ગજું??” પણ એ બોલ્યા નહિ ખાલી હસ્યા અને લાલભાની રાજદૂત પાછળ ગોઠવાઈને પોતાના ગામ તરફ રવાના થયા!! અને અઠવાડિયામાં તો વિકુભાએ ઘાટમાં જમાવટ પકડી લીધી. એક તો એને શીખવાની ધગશ હતી. બીજું કે એને ઘાટ કરવા સિવાય બીજું વ્યસન નહોતું. અને ત્રીજી અને મહત્વની બાબત એ હતી કે લાલભા એ એને પાથીયે અને પાથીયે તેલ નાંખ્યું હતું. વીસેક કિલોમીટર દુરથી લાલભા સાથે વિકુભા અપ ડાઉન કરતા હતા. કારખાનામાં જયારે પહેલી વાર એને લાલભા લઇ ગયા હતા ત્યારે રસ્તામાં જ લાલભાએ શિખામણનો ધોધ વહાવ્યો હતો અને વિકુભામાં એ ધોધ આખોને આખો ઉતરી ગયો હતો.

“ જો વિકુભા મને ગળા સુધી ભરોસો છે કે હું કહીશ એટલે તને ગોવિંદભાઈ કામે તો રાખી જ લેશે એમાં બેમત નથી પણ આપણાથી કોઈ એવું કામ ન થઇ જાય કે ગોવિંદભાઈને ભરોસો ઉઠી જાય. આપણે કાટીયું વરણ કહેવાઈ.લોકો આપણાથી બીવે પણ ખરા.ભલે મોઢે ભા ભા કરતા હોય પણ પાછળથી આપણી વાતો કરતા હોય.આપણે કામથી મતલબ રાખવાનો. કોઈની પણ સાથે મજાક મશ્કરીનો વેવાર નહિ રાખવાનો. નજર એકદમ સિધી અને ઘાટ પર જ રાખવાની છે.મશ્કરીના વેવારમાં એવું છે કે એ સહન થઇ શક્તિ હોય તો જ બીજાની મશ્કરી કરાય નહીતર છાનુમાનુ પડ્યું રહેવાનું” આવી તો ઘણી વાતો લાલભા કહેતા અને વિકુભા સાંભળતાં અને આ વાતો સીધી કાળજામાં ઉતારી દેતા.

ધીમે ધીમે કામ વધવા માંડ્યું. પંદર દિવસમાં તો રોજના ૧૦૦ હીરાના ઘાટ થવા માંડ્યા. પછી તો વિકુભા જે લોટ તૈયાર કરીને આપે એમાં મેનેજરને જોવા પણું જ ના હોય. હીરાની ગોળાઈ જ એવી પરફેકટ આવે કે તમે જોતા જ રહી જાવ. હવે અમુક બે બે વરસથી જે માન્યતાપ્રાપ્ત ઘાટિયા હતા એના બગાડેલા હીરા પણ વિકુભા સુધારી દેતા. કારખાનામાં વિકુભાનું એક આગવું મહત્વ સ્થપાઈ ગયું.
રવિવારે એક દિવસ બપોરે શેઠને વિકુભાઈ એ કહ્યું.

“શેઠ મારા લેટ (ઘાટના મશીનનું) બુશિંગ ગયું લાગે છે. ફેરી બરાબર આવતી નથી” ગોવિંદભાઈએ જોયું. વાત સાચી હતી. કીધું કે તમે આ જગ્યાએ આજ બેસી જાવ.આ મશીન ઉપલી બજારે એક ભાઈ સરેણ માંજે છે. ત્યાં હું મોકલાવી દઈશ.”

“અત્યારે રજા છે કલાકની તો હું લઇ જાવ મશીન. ત્યાં દઈ આવું?? સાંજ સુધીમાં રીપેર થઇ જાય તો કાલથી મને વાંધો ના આવે.આ જગ્યા મને ફાવી ગઈ છે” વિકુભાએ કહ્યું. અને ગોવિંદભાઈએ લેટ ખોલીને આપ્યો અને વિકુભા લેટ લઈને ઉપલી બજારે ગયા ત્યાં ખૂણામાં એક સરેણ માંજવાની દુકાન હતી. રાજદૂત બાજુમાં મુકીને લેટ લઈને વિકુભા દુકાનમાં ગયા. ત્યાં ઘણી બધી સરેણ પડી હતી. ચાર પાંચ લેટ ખોલેલા હતા. વિકુભા બોલ્યા.

“ગોવિંદભાઈએ મોકલ્યો છે. કીધું છે કે રમેશભાઈને કહેજો આ લેટ સાંજ સુધીમાં રીપેર કરી દેશે. આનું બુશિંગ ગયું છે એટલે વાર પણ નહિ લાગે” વિકુભા હજુ વાત કરે ત્યાજ રમેશભાઈ બોલ્યા.

“અમે શું નવરીના છીએ કે લેટ લઈને ધોડ્યા આવો છો?? કહી દેજે ગોવિંદાને કે અઠવાડિયે થશે.. બહુ ઉતાવળ હોય ને તો બીજે કરાવી લ્યે!! અમારી ચળે કામ થાય તમારી ચળે કામ ન થાય !!મૂકી દે ઓલ્યા ખૂણામાં અને પડ ડાન્ડે!!” કારણ વગર રમેશે વિકુભાને ઘચકાવી નાંખ્યો. ઘડીક તો વિકુભાનો ચહેરો ફરી ગયો. મુઠ્ઠીઓ પણ વળી ગઈ પણ લાલભાની શિખામણ યાદ આવી ગઈ. અપમાનનો કડવો ઘૂંટડો એ ગળે ઉતારી ગયા. સમસમીને રાજદૂત લઈને આવી ઘાટ કરવા બેસી ગયા. ગોવિંદભાઈ કળી ગયા. એણે થોડી વાર પછી બોલાવીને પૂછ્યું.

“કા વિકુભા શું વાત છે આ મોઢું પડી ગયું છે.. એ રમેશ બોલીનો કોબાડ છે. કાઈ કીધું તો નથીને”
અને વિકુભાએ બધી જ વાત કરી, અને છેલ્લે બોલ્યા.

“હું ગમ ખાઈ ગયો છું. કારણકે હું અહી કામે આવ્યો છું. બાકી સળગતું પકડતા તો અમને પણ આવડે છે. વગર વાંકે કોઈ અમને ઘચકાવે એ પોહાણ જ ન હોય.પણ તમારું મોઢું મેં રાખ્યું છે એટલે જ મેં કોઈ જવાબ નથી આપ્યો.

“અરે આવું કરે તો બે ઝીંકી દેવાય ને?? મારી વાટ નહિ જોવાની!! એને આંટી દેવાય બે પછી હું છું ને એ છે!! મારો બટો પાંચ વરસ પહેલા મારી પાસે જ વિસ હજાર ઉછીના લઈને એ સરેણ માંજવાનું શરુ કર્યું અને આજ દાદો બનીને ફરે છે. નાના મોટાનું ભાન નથી. હવે થી હું કહું છું તમને કે કોઈ ખોટી રીતે પાડકાઈ કરે તો એને ઝીંકી જ દેવાની!! હું કાઈ નહિ કહું તમને..અને કઈ પણ થાય જવાબદારી બધી મારી!! જાવ તમ તમારે મોઢું ધોઈ નાંખો અને મોજ કરો!!” અને વિકુભાનો ચહેરો ખીલી ઉઠ્યો. લાલભાએ પણ વાત જાણી. શેઠે એને કહ્યું.

“લાલભા ગમે એમ હોય પણ આ વિકુભા વચનનો પાકો છે. મારી ખાતર એણે અપમાન સહન કરી લીધું”

સાંજે કારખાનું બંધ થયું. વિકુભાએ કહ્યું ગાડી ઉપલી બજારે લઇ લ્યોને કદાચ લેટ રીપેર થયો હોય તો અત્યારે ફીટ કરતા જઈએ. રાજદૂત ઉભું રહ્યું. વિકુભા ઉતર્યા.લાલભા રાજદૂત પર જ બેઠા હતા. દુકાનમાં જઈને હજુ રમેશ હાથ લાંબો કરે ઈ પહેલા જ વિકુભા એ બે ઝાપટ કરી લીધી. રમેશનો કાંઠલો પકડીને બે ફૂટ ઉંચો કર્યો. ટેબલ હારે એને ભટકાડીને વિકુભા બોલ્યા.

“બહુ વાયડીનો થાતો હતો ને??? હવે પછી જો મારી હારે વાયડાઈ કરી છે ને તો રેશનકાર્ડમાંથી નામ નીકળી જશે!! સમજ્યો ને??? બહુ હવા સારી નહિ!! ક્યારેક નીકળી જાય હવાને તો ભોજિયો ભાઈ પણ આડો નહિ આવે!! મફતમાં કામ કર્ય છો તું ?? તારા કડવા વેણ સાંભળવા અમે નવરીના નથી એટલે સાંભળી લેજે !! કે લેટ ગયો તંબુરામા!! હવે લેટ લેવા કોઈ નહિ આવે!! તને સમય મળે ત્યારે તું ફીટ કરી જાજે હો!!” લાલભા એ આ જોયું પણ હવે મોડું થઇ ગયું હતું. વિકુભા રાજદૂત પાછળ બેસીને કહ્યું કે જાવા દ્યો હવે !! બપોરનું મગજ ધમધમતું હતું હવે શાંત પડ્યું. ગામ આવ્યું ત્યાં સુધીમાં લાલભા કે વિકુભા કઈ બોલ્યા નહિ.!!

બીજે દિવસે કારખાને ગયા તો રમેશભાઈ પોતે લેટ ફીટ કરતા હતા. ગોવિંદભાઇના મોઢા પર હાસ્ય હતું. કારખાનામાં લગભગ બધા જ કાલ સાંજની વાત જાણી ગયા હતા. બધા મૂંગા મોએ હસતા હતા કોઈ કશું બોલતું નહોતું. બસ આ ઘટના બન્યા પછી ગોવિંદભાઈ અને વિકુભાના સંબંધો ગાઢ બની ગયા.

હવે તો વિકુભાને બાંધ્યો અને સારો પગાર કરી દીધો હતો. ગોવિંદભાઈ એને હીરાની રફ લેવા સાથે લઇ જતા. તૈયાર થયેલ માલ શહેરમાં વેચવા જવાનો હોય તો પણ વિકુભા સાથે. વાડીયે કઈ પણ કામ હોય તો વિકુભા ને સાથે લઇ જાય. કોઈ કારીગરની બાકી હોય અને એ કારીગર બીજે કામે બેસી ગયો હોય અને બાકી પાછી આપવાની ના પાડે તો વિકુભા એક બે ધક્કા ખાય એટલે એ બાકી પણ પતી જાય!! બાકી એટલે એ વખતમાં કોઈ કારીગર કારખાને કામે બેસે એને પગાર સિવાયની અમુક રકમ પ્રસંગ પુરતી આપે અને એ રકમ પછી હપ્તે હપ્તે પગારમાંથી કપાયા કરે. વગર વ્યાજની કારીગરને અપાતી લોન એટલે બાકી!! ઈ વખતે બાકી મળતી લગભગ દરેક હીરાઘસુને પણ પછી આ બાકીના બુચ મારવા લાગ્યા એટલે હીરાના શેઠિયાઓ બાકી આપતા જ બંધ થઇ ગયા!!
ગોવિંદભાઈના મકાન હીરાના કારખાનેથી થોડે દૂર આવેલ એક સોસાયટીમાં હતા. એક દિવસ ત્યાં વિકુભા કોઈ કારણ સર ગયેલા. અને જોયું તો આખી શેરીની વચ્ચે ગટર તારા ગંધાતા પાણી વહે. આમ તો હાઈ ફાઈ સોસાયટી પણ સોસાયટીમાં છેલ્લે આવેલ બે ઘરમાંથી બધું જ પાણી રસ્તા પર આવે. બાકીના બધાની ઘરે ખાળ કુવા પણ એ બે ઘર વાળાએ ખાળ કુવા બનાવવાની તસ્દી લીધેલ નહિ અને એ વખતે ગટરો તો બહુ દૂરની વાત હતી. વિકુભા એ વાત જાણી અને ગોવિંદભાઈ એ કહ્યું.

“એ બે ઘરને ઘણા સમજાવ્યા પણ માનતા જ નથી. અમે શેરી વાળા એ કીધું કે અમે ભેગા થઈને તમને ખાળ કૂવો બનાવી દઈએ તોય ના પાડે છે. એ કહે કે ઘર ખાળ કુવા કરીએ તો પાણીનો ટાંકો કર્યો છે એમાં ગંદુ પાણી ભેગું થાય એટલે નાવા ધોવાનું અને કુંડીનું પાણી તો બહાર શેરીમાં જ આવશે. જેને જે થાય ઈ કરી લેવું”

“એવું થોડું હાલે?? આખી શેરીને હેરાન કરવાની થોડી હોય..કાઈ વાંધો નહિ.. આ શુક્રવારે રજામાં એને ત્યાં હું ખાળ કૂવો કરી દઈશ. તમે તમારે જોયા કરજો” વિકુભાએ કહ્યું.

અને પછીના શુક્રવારે સવારમાં આઠ વાગ્યે ચાર દાડિયા લઈને વિકુભાએ પેલા ઘર પાસે જઈને મોટો ખાળ કૂવો ખોદાવવાનું શરુ કરી દીધું. બેય ઘરમાંથી બે ભાઈઓ આવ્યાં. વિકુભા બોલ્યા.

“ તમારે બેયને કામ ધંધો બહુ રહે..સમય મળે નહિ એટલે પછી મને થયું કે હાલ્યને હું ખાળ કૂવો ખોદાવી નાંખું.. એટલે આ ચાર દાડિયા લાવ્યો છું. સાંજ સુધીમાં કૂવો ખોદાઈ જાશે ત્યાં સુધીમાં તમે બે ય સિમેન્ટ ના ભૂંગળા લઇ આવો એટલે બધું ફીટ થઇ જાય!! નામ મારું વિક્રમસિંહ છે પણ બધા મને વિકુભા કહે છે. ગોવિંદભાઈ કારખાને બેસું છું!! જય ભવાની!!”

વાત સાંભળીને બે ય ભાઈઓ રીતસરના ઠરી ગયા. ચા પાણીનો આગ્રહ કર્યો પણ વિકુભાએ કહ્યું કે જ્યાં સુધી ખાળ કૂવો ના થાય ત્યાં સુધી મારે ઉપવાસ છે. બધું પૂરું થઈ જાશે પછી જ હું જમીશ. ત્રણ ચાર વાગ્યા સુધીમાં બધું જ પાકા પાયે કમ્પલેટ થઇ ગયું. ચારેય દાડિયા ના પૈસા પણ પેલા બે ભાઈઓ પાસેથી લઇ લીધા. રાજદૂત ને કિક મારીને વિકુભા બોલ્યા.
“આવું કોઈ કામ હોય અને તમને ટાઈમ ના હોય તો હું આવી ને કરી જઈશ તમ તમારે આમેય શુક્રવારે હું નવરો જ હોવ!! લગભગ હવે તમારે મારું કોઈ કામ પડશે જ નહિ પણ તોય તમતમારે અડધી રાતે પણ હું આવીશ. ચાલો ત્યારે જય ભવાની” કહીને વિકુભા ઉપડ્યા.શેરી વાળા ફાટી આંખે જોઈ રહ્યા અને ગટર તારા ગંધાતા પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકલી ગયો.

આઠેક વરસ સુધી આ રીતે વિકુભાએ હીરા ઘસ્યા પછી ગોવિંદભાઈ એ સુરત એક મોટું કારખાનું કર્યું અને અહી બંધ કર્યું. વિકુભાને કીધું.

“ચાલો સુરત.. ત્યાં પણ તમારા જેવા માણસની જરૂર છે. તમને કોઈ વાંધો નહિ આવે. તમે હો તો હું થોડો ફ્રી રહી શકું. ત્યાં તમને મેનેજરમાં ગોઠવી દઈશ. તમે કહો એટલો પગાર”

“ત્યાં મને ના ફાવે.. અહીંતો સાંજે ઘરે મા બાપનું મોઢું જોઈએ એટલે શેર લોહી ચડી જાય. તમતમારે જાવ શેઠ. ક્યારેક વળી આ બાજુ આવો તો મળતા રહેજો. મને લગભગ હવે કોઈના કારખાને ફાવશે તો નહિ એટલે હીરા હવે બંધ અને કરીશું ખેતી” અને એ રીતે ગોવિંદભાઈ ગયા સુરત અને વિકુભાઈ વળગ્યા ખેતીમાં!!

વાત ને બીજા સોળ વરસ વીતી ગયા. ગોવિંદભાઈ એ હીરાના કારખાનામાં સુરતમાં જમાવ્યું પણ ખરું.થોડોક સમય જાહોજલાલી પણ ભોગવી પણ એક મોટી પાર્ટી ઉઠી ગઈ કરોડોમાં એમાં ગોવિંદભાઈ પણ સારી પેઠે આવી ગયા. પણ વચનનો પાકો માણસ એટલે લેણીયાતોને પાઈએ પાઈ ચૂકવી દીધી. કારખાનું કર્યું બંધ. વળી હતા ઈની ઈ સ્થિતિમાં આવી ગયા. હીરા પર એને નફરત આવી ગઈ હતી. મોટા દીકરાએ કાપડમાં ઝંપલાવ્યું. નાના ની ઈચ્છા ગામડામાં કપાસનું જીન કરવાની હતી. વળી અહી દેશમાં એને સારી એવી જમીન પણ હતી.
“અત્યારે જીનનો જમાનો છે. સરકાર પણ લોન આપે છે.આપણા ગામમાં ચાર જીન થઇ ગયા છે. બે વરસથી બધા ધોમ કમાય છે. તમે હા પાડો તો આપણે પણ કાગળિયાં કરીને જીન કરીએ” નાનો ગૌતમ ગોવિંદભાઈને સમજાવતો હતો.

“ તારી ઈચ્છા હોય તો કર્ય તું તારે મારેય હવે સુરત જાવાની ગણતરી છે જ નહિ.” અને બાપ દીકરો કાગળિયાં લઈને જીન માટેની કવાયત આદરી. આમ તો બધું જ ગોઠવાઈ ગયું હતું. પણ જીન માટેની સીસી પાસ કરવા એ એક શહેરમાં ગયા. આમ તો ગામના બીજા જીનવાળા એ કીધું જ હતું કે તમે ગમે એટલા ડોક્યુમેન્ટ ભેગા કરશો. પણ સીસી પાસ કરવા માટે ગુલાબી ડોક્યુમેન્ટની જરૂર પડશે જ!! પેલા પાંચ ટકા હતા હવે લગભગ બાર ટકા ગુલાબી નોટો આપવી પડશે.. તો જ બેંક વાળા તમને જરૂરી સીસી આપશે.. સીસી એટલે એક પ્રકારની લોન!! ગુલાબી ડોક્યુમેન્ટ એટલે બે બે હજારની રૂપિયાની નોટોના બંડલ!!

શહેરમાં જઈને મોટા અધિકારીને મળ્યા કે જેનું કામ આવી સીસી પાસ કરવાનું હતું અને ગુલાબી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું હતું. વાતચીત થઇ અને પેલા એ સીધી જ પંદર ટકાની માંગણી કરી. ગોવિંદભાઈ અને એનો દીકરો આ વાત સાંભળીને ઠરી જ ગયાં. ગોવિંદભાઈ બોલ્યાં.

“પણ આમાં ક્યાં કશું ખોટું કરવાનું છે. આ બધા જ કાગળિયાં સાચા છે. તમે જે માંગ્યું છે એ બધું જ આ ત્રણ ત્રણ નકલમાં તૈયાર છે. આ જીન માટેની મશીનરીના પાકા બિલ છે. આ જમીનના સાત બાર અને આઠ અ ના નમુના છે.. આ સોલ્વંશી છે.આ આજુબાજુની તમામ બેન્કોનું નો ઓબ્જેકશન સર્ટી છે.કોઈ લેણું બાકી નથી. આમાં કોઈ કાગળિયાં ઘટતા હોય ઈ કયો?? આમાં ક્યાં કશું ગેરકાયદેસર કરવાનું છે??”
“જુઓ અમને પણ ભગવાનનો ડર લાગે છે એટલે અમે પણ કોઈ કામ ગેરકાયદેસર કરતાં જ નથી. આ પૈસા તો કાયદેસર કામ કરવાના જ લઈએ છીએ!! અમે બધું જ કાયદેસર હોય ઈ જ કરીએ છીએ એટલે કોઈ વાંધો ના આવે. બધું જ વ્યવસ્થિત હોય પાછળ થી કોઈ લપ ઉપાધિ કે પીંજણ ઉભી ના થાય એવા લોકોની જ સીસી પાસ કરીએ છીએ..એટલે આટલી રકમ તો થશે જ બાકી આ તમારી ફાઈલ હું લઇ તો લઉં.પણ કાલ સવારે ખોવાઈ જાય તો મારી કોઈ જવાબદારી નહિ” મોટા અધિકારી આરામથી કહી રહ્યા હતા. આવું બોલતી વખતે એના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. એકદમ નિર્લેપભાવે તે બોલી રહ્યા હતા.

“પણ અગાઉ જેની સીસી તમે પાસ કરી એ લોકોને તો પાંચ ટકામાં અને આઠ થી દસ ટકામાં પતી ગયું હતું. અને તમે સીધા જ પંદર ટકા કહો છો આ થોડું વધારે પડતું કહેવાય” ગૌતમ બોલ્યો.

“ એમાં એવું છે ને અહી તો દિવસ ઉગેને ટકાવારી બદલાય છે!! પેટ્રોલ અને ડીઝલના ભાવની જેમ જ !! ક્યારેક વધે ક્યારેક ઘટે!! ઘટે પણ બહુ ઓછા પણ વધે ત્યારે એકદમ વધે!! આ તો આજના ભાવ છે કાલ તમે આવો તો કદાચ વધી પણ જાય!! તમને એક વાત કહું?? આ બધું ઉપરથી આવે છે!! અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ!! બધું ઉપરથી સેટિંગ થાય છે!! વળી પ્રેમથી તમારું મન માનતું હોય..કાળજે ટાઢક થતી હોય તો જ!! એક હાથે આપો અને બીજા હાથે હું સહી કરી દઉં” પેલો હજુ બોલવા જતો હતો ત્યાજ ગોવિંદભાઈ બોલ્યા.
“ચાલ ગૌતમ નથી કરવું જીન!! ગામડે ખેતી કરી ખાશું. હજુ ક્યાં કઈ ખૂટી ગયું છે.જીન કરીને આવા ખુંટીયાને ધરવવા કરતા ખેતી માં રજકો કરીને ગામની ગાયુંને ધરવશુને તો ય પુણ્યનું કામ થશે” કહીને ગોવિંદભાઈ ફાઈલ લઈને ગૌતમ સાથે બીજા માળેથી દાદરા ઉતરી ગયા.

કાર લઈને તેઓ પરત આવી રહ્યા હતા. ગોવિંદભાઈનું મન ખિન્ન થઇ ગયું હતું. ગૌતમ પણ કશું બોલતો નહોતો. એ પણ એના પાપાને ઓળખતો હતો. એ ચુપચાપ કાર ચલાવતો હતો.અચાનક જ રસ્તામાં એક જગ્યાએ એક ખેતરમાં મોટી સભા હોય તેવું લાગ્યું. રોડ પર રાજકીય પાર્ટીના બોર્ડ લાગ્યા હતા.સભા લગભગ પૂરી થઇ હતી.રસ્તામાં પોલીસે એક સાઈડ વાહન વ્યવહારો અટકાવી દીધા હતા. નેતાઓની ગાડીઓ એ રસ્તા પરથી પસાર થવાની હતી.લગભગ અડધો કિલોમીટર ટ્રાફિકની લાંબી લાઈનો બે ય બાજુ લાગી ગઈ હતી. ગૌતમે કાર બંધ કરીને બહાર ઉભો રહ્યો.સાથોસાથ ગોવિંદભાઈ પણ ઉભા હતા.પેલા પોલીસ વાળાની ગાડીઓ નીકળી. એની પાછળ રાજકારણીઓ અને મંત્રીશ્રીઓની ગાડી નીકળી એની પાછળ એની જયજયકાર બોલાવાનારની ગાડીઓ નીકળી. અચાનક થોડે દૂર એક ગાડી ઉભી રહી ને સાઈડમાં આવી ગઈ. અને એ ગાડીમાંથી એક ખેસ પહેરેલો, મોટી અને ભરાવદાર મૂછો ધારણ કરેલ એક વ્યક્તિ બહાર નીકળ્યો. ગોવિંદભાઈ તરફ હાથ ઉંચો કરીને એ મોટે અવાજે બોલ્યો.
“શેઠ અહી કયાંથી” અને ગોવિંદભાઈ ઓળખી ગયા અરે આ તો વિકુભા!!

લાંબા સમયે બને મળ્યા હતા. થોડી ઘણી વાતો થઇ. ગોવિંદભાઈએ જાણી લીધું કે વિકુભા એ હીરા મુક્યા પછી એક વરસ ખેતી કરી અને પછી સરપંચમાં ઝંપલાવ્યું હતું. ધારાસભ્ય સાથે ઘર જેવો સંબંધ થઇ ગયો હતો અને એ ધારાસભ્ય હવે મંત્રી બન્યાં હતા એનો સન્માન સમારોહ આજે હતો. વાત વાતમાં વિકુભાએ એ પણ જાણી લીધું કે શેઠ સીસી પાસ કરાવવા ગયા હતા પણ મેળ નહોતો પડ્યો.
“ ઈ ઓલો શર્મા જ હોવો જોઈએ!! હોઠ કાપલો હતોને ?? એક સાઈડ??!! ગળામાં ભગવાનનું માંદળીયુ પહેરેલ હતું?? લગભગ તો એ લાલ શર્ટ જ પહેરતો હોય છે અને મોઢામાં ચોવીસ કલાક એકસો ને વીસ નો માવો ચડાવેલો હોય છે!! ઈ બીજા માળે છેલ્લે બેસે છે અને ખુરશી પર ઉભડક જ બેસે છે..!! ઈ ચાપટ બેસી જ નથી શકતો!! હરસ અને મસા થયા છે એને!! દરરોજ લગભગ ત્રીસેક પ્રકારની ટીકડીઓ ખાઈ છે પણ એના કરતા પણ એ પૈસા વધુ ખાય છે!!” વિકુભાએ વર્ણન કર્યું. અને ગોવિંદભાઈ બોલ્યા.

“ હા ઈ જ હતો તમે કહો એમ જ લાલ શર્ટ પહેરે છે અને મોઢામાં માવો પણ હતો. અને હોઠ કાપલો પણ હતો જ”

“ વાળો ગાડી પાછી !! આ જ ઉભા ઉભા તમારી ફાઈલમાં સહી કરાવી જ નાંખીએ!! એના બાપને પણ સહી કરવી પડે!!” વિકુભા બોલ્યા અને ગાડી પાછી વાળી. રસ્તામાં ગોવિંદભાઈ અને વિકુભા જૂની વાતોએ વળગ્યા.

બીજા માળે એ લોકો પહોંચ્યા ત્યારે લગભગ ઓફીસ બંધ થવાની તૈયારીમાં હતી. શર્મા હજુ પણ ઉભડક જ બેઠો હતો. રસ્તામાં જ વિકુભાએ મંત્રીશ્રી સાથે વાત કરી લીધી હતી એ ગોવિંદભાઈએ પણ સાંભળી હતી. વિકુભાએ મંત્રીને કીધેલું.
“જુઓ આપણે તમારી સાથે બાર વરસથી સંબંધ છે. ગામના કામ સિવાય હું કોઈ દિવસ મારું અંગત કામ લઈને તમારી પાસે નથી આવ્યો. તમારી ચૂંટણી વખતે પણ આપણે ઘરના રૂપિયા વાપર્યા છે એક પણ રૂપિયો તમારી પાસેથી લીધો નથી. આજે પેલી વારની અને છેલ્લી વારની ભલામણ લઈને આવ્યો છું અને આ કામ આજે જ થઇ જવું જોઈએ” આમ કહીને એણે મંત્રીશ્રીને બધી જ વાત કરી અને મંત્રીશ્રીએ કીધેલું પણ ખરું કે તમે જાવ એ સહી કરી દેશે!!

“આવો આવો હું તમારી જ રાહ જોતો હતો. મંત્રીશ્રીનો બે વાર ફોન આવી ગયો..એક્ચ્યુલી એમાં એવું હતું કે થોડી ગેરસમજણ થઇ હતી. ગોવિંદભાઈ એ મને એ વખતે જ કીધું હોત કે મંત્રીશ્રી સાથે મારે ઓળખાણ છે તો એ વખતે જ હું સહી કરી દેત!! તકલીફ બદલ હું દિલથી ક્ષમા માંગુ છું” કહીને શર્મા ઉભો થયો.

“અરે તમે બેસો શર્માજી..તમે ઉઠ બેસ કરશો તો વળી નીચે દુઃખશે.. હરસ અને મસા ભયંકર ગણાય!! અને હવે તો તમે આ બનેને ઓળખી જ ગયા છો. આ મારા એક વખતના શેઠ હતા. આ એના દીકરા છે. એ કોઈ પણ કામ લઈને આવે તમારે કરી જ દેવાનું બરાબર!! એ બધું જ કામ કાયદેસર લઈને જ આવશે એની ગેરંટી મારી!! શેઠ ફાઈલ આપો એટલે શર્માજી સહી કરી દે” વિકુભા બોલ્યા. ફાઈલ હાથમાં લઈને શર્માજીએ ધડાધડ સહીઓ ઝીંકવા માંડી.

“વિકુભા હવે મંત્રી સાહેબને કહેજોને કે કામ થઇ ગયું છે”

“જી હું હમણા જ એને ફોન કરી દઉં છું” કહીને ત્રણેય બહાર આવ્યા.
“તમારો ખુબ ખુબ આભાર વિકુભા” ગોવિંદભાઈએ લાગણીથી વિકુભાને કહ્યું.

“ અરે શેઠ મને શરમાવોમાં.. આજથી વરસો પહેલા અમને લગભગ કોઈ કામે ન બેસારતું ત્યારે તમે ધંધો શિખવાડેલ. સગા ભાઈની જેમ મને તમારા કારખાનામાં રાખેલ. અમે બે વસ્તુઓ ક્યારેય ના ભૂલીએ એમાંની એક વસ્તુ આ ઉપકાર છે!! કોઈ કામ પડે તો બેધડક કહેજો”!! વિકુભાએ કહ્યું અને વળી ત્રણેય કારમાં ગોઠવાયા!!અને વળી જૂની વાતોએ વળગી ગયા. ગૌતમ કાર ચલાવી રહ્યો હતો.પોતાના પિતાજી અને વિકુભાની ભૂતકાળની વાતો સાંભળી રહ્યો હતો.
જીવનમાં બધાને ઉપયોગી થવું અને હંમેશા ભલાઈના અને સારાઈના જ બીજ વાવવા. ક્યારેક તમે વાવેલા એ સારાઈના બીજમાંથી કોઈ એક બીજ મોટું થઈને ખુબ જ કામમાં આવતું હોય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ “હાશ” શિવમ પાર્ક સોસાયટી. સ્ટેશન રોડ,મુ.પો. ઢસાગામ તા:- ગઢડા જી :- બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.