ગુજરાતમાંથી અવાર નવાર દેહવેપાર ચાલતો હોવાનો પર્દાફાશ પોલિસ દ્વારા કરવામાં આવે છે. ઘણીવાર આવી જગ્યાએ દરોડો પાડતા રૂપલલનાઓ પણ મળી આવે છે અને ઘણીવાર કઢંગી હાલતમાં ગ્રાહકો પણ મળી આવતા હોય છે. ત્યારે વાલસાડના વાપીમાં એક કુટણખાના પર સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ઘણાં સમયથી કુટણખાનું ચાલી રહ્યા હોવાની માહિતી સ્થાનિકોને મળતા રવિવારના રોજ બપોરે મહિલાઓ પુરૂષો સાથે ભારે સંખ્યામાં ત્યાં પહોંચી અને હોબાળો મચાવ્યો.
આ ઘટનાની જાણ પોલીસને કરતા તે પણ સ્થળ પર દોડી આવી હતી અને ચાલીની અંદર બનાવેલ ત્રણ રૂમમાંથી 3 મહિલા અને એક દલાલને પકડી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશને લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અહીં ચાલતાં દેહવ્યાપાર સામે લોકોનો આક્રોશ ભભુકી ઉઠ્યો છે. ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં ચાલતાં કુટણખાનાથી સ્થાનિક લોકો પણ પરેશાન થઇ ઉઠ્યા હતા અને તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોએ જ શબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.
ગીતાનગર સ્થિત રામધારી ચક્કીની આગળ રૂપલ પાન સેન્ટરની સામે ગેરકાયદે બનાવેલ ત્રણ માળની ચાલીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ રૂમમાં ગેરકાયદે કુંટણખાના ચાલી રહ્યા હતા અને આ માહિતી મળતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કારણ કે ઘણીવાર લોકો નશામાં રહીશોના ઘરેથી પસાર થતા હતા અને ત્યાં રહેતી મહિલાઓને ગંદી નજરે જોતા હતા. જેને લઇને રવિવારે તપાસ કરતા ચાલીની અંદર બનાવેલ ત્રણ રૂમમાંથી 4 મહિલાઓ મળી આવી અને તે બાદ સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો અને પછી તમામને બહાર નીકળવા કહ્યુ.
જો કે, અંદર જે એક મહિલા હાજર હતી તેણે સ્થાનિક પાલિકા કાઉન્સીલરને ફોન કરી ધમકાવ્યો અને બેફામ ગાળો બોલતી મહિલાને પાઠ ભણાવવા સ્થાનિકોએ ટાઉન પોલીસને ફોન કરી ફરિયાદ કરી, જે બાદ પોલીસની બે ટીમ સ્થળ પર દોડી આવી અને તપાસ કરતા અંદર આવતા ગ્રાહકોની લિસ્ટ અને ત્રણ મહિલા તેમજ એક પુરૂષ મળતા તેમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા અને પછી આગળની કામગીરી હાથ ધરવામાં આવી.