ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’ કેવી છે, ફિલ્મ જોતા પહેલા એકવાર આ રિવ્યુ વાંચી લેજો
ગુજરાતી સિનેમાની નવી ઉડાન એટલે કે ફિલ્મ ‘ઉડન છૂ’, એક એવી ફિલ્મ જે હાસ્ય અને લાગણીઓના અનોખા મિશ્રણ સાથે દર્શકોને ગહન અનુભવોમાં લઈ જાય છે. આ ફિલ્મે ન માત્ર મનોરંજન પરિબળને ટાર્ગેટ કર્યું છે, પણ વિવિધ પ્રકારના સંબંધોને ઉજાગર કરતા ઉતાર-ચઢાવથી ભરપૂર એક કૃતિ રજૂ કરી છે. આ શુક્રવારથી ફિલ્મ ‘ઉડન છૂ’ થિએટરોમાં આવી ગઈ છે અને ગુજરાતીઓ જાણવા માટે ઉત્સુક છે કે આ ફિલ્મ કેવી છે ? શું અમારી ટિકિટના પૈસા પડી જશે કે વસુલ થશે ? શું ખાસ છે આ ફિલ્મમાં ? તો ચાલો તમને જણાવીએ વીગતવાર રીવ્યુ.
ફિલ્મની શરૂઆત કરવી હોય તો, સૌથી પહેલાં કહી શકાય કે તેનું વેડિંગ બેકડ્રોપ ખાસ છે. ફિલ્મની વાર્તા પ્રેમ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર છે, જેમાં અપરંપરાગત લગ્ન પણ છે. ટ્રેલર જોતા જ કદાચ આપણે સૌને સુરતના જાણીતા કિસ્સાની યાદ આવે, જેમાં વેવાઈ-વેવાણ ભાગી ગયા હતાં. જો કે, આ ફિલ્મમાં તેમની સ્ટોરી નથી, પરંતુ પ્રેમ અને લાગણીઓની નવી જ ગાથા છે. આ ફિલ્મને લવ કોમેડી અને ડ્રામાનું એક આખું એન્ટરટેઇન્મેન્ટ પેકેજ કહી શકાય.
ફિલ્મ જોતી વખતે થોડું હસવું આવશે, ઘણી જગ્યાએ તો તમારી આંખોના પોપચા ભીના પણ કરી દેશે એવી ઈમોશનલ પળો પણ આવે છે.
તમને કદાચ તમારો જૂનો ફર્સ્ટ લવ (સ્કૂલનો/કોલેજનો) પણ યાદ આવી જશે. આ ફિલ્મમાં દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારો છે. દેવેન ભોજાણીની આ પહેલી ગુજરાતી ફિલ્મ હોવા છતા, એમના અભિનયમાં અનુભવી પ્રફુલ્લતા સ્પષ્ટ છે. તેમની કોન્ફિડન્સ અને પાત્ર સાથેની સંકળાવટ દર્શાવે છે કે તેઓ ગુજરાતી ફિલ્મોમાં લાંબા સમય સુધી જોવા લાયક છે. મુખ્ય પાત્ર તરીકે દર્શાવાય છે હસમુખલાલ મહેતા (દેવેન ભોજાણી) અને સિંગલ માતા પાનકોરબેન પાપડવાળા (પ્રાચી શાહ પંડ્યા). તેમના સંઘર્ષ અને સંબંધો ફિલ્મની કથાને મુખ્ય દિશામાં આગળ ધપાવે છે. હસમુખ મહેતાનું પાત્ર, સિંગલ ફાધર તરીકેની ચિંતાઓ અને હ્રદયસ્પર્શી લાગણીઓ સાથે ભજવવામાં આવ્યું છે, જ્યારે પાનકોરબેન પાપડવાળાનો પાત્ર છે તેના દીકરાને સારી રીતે ઉછેરતી અને જિંદગીના દરેક પડાવમાં પોતાના સ્થાન માટે લડતી એક મજબૂત મહિલાનું.
આ સિવાય ફિલ્મમાં દાદાની ભૂમિકામાં ફિરોઝ ભગત, હાઉસ હેલ્પની ભૂમિકામાં સ્મિત જોશી, તથા અન્ય સહાયક કલાકારોમાં જય ઉપાધ્યાય, અલીશા પ્રજાપતિ અને નમન ગોર જેવા કલાકારો પણ તેમના પાત્રોમાં ફ્લેવર ઉમેરતા જોવા મળે છે. આ ફિલ્મમાં એક પેટ ડોગ પણ છે જે છેલ્લે-છેલ્લે કદાચ તમને “હમ આપકે હૈ કોન” ના બધાના ફેવરિટ ડોગ ટફીની યાદ અપાવી દેશે.ફિલ્મમાં લાગણીઓનું રોલરકોસ્ટર છે, તો પ્રેમનો જાદુ પણ છે. ફિલ્મની વાર્તા ખરેખર ગમી જાય એવી છે. બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્યા સંબંધો, કલરફૂલ લગ્ન, થોડી કોમ્પ્લિકેટેડ કોમેડી, ઘણી બધી લાગણીઓનું મિશ્રણ છે આ ફિલ્મ. પરિવાર કે મિત્રો સાથે આ વિકેન્ડ પર ફિલ્મ જોવા જવાનો પ્લાન હોય તો આ ફિલ્મ જોવા જરૂરથી જવાય.
સુંદર સિનેમેટોગ્રાફી અને મધુર સંગીત:
ગુજરાતના સુંદર લોકેશન્સ પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જે આંખોને આનંદ આપે છે. અમદાવાદનો અટલ બીજ અને અન્ય લોકેશનો ખુબ સુંદર રીતે કેદ કરવામાં આવ્યા છે. કેમેરાવર્ક દ્વારા રાજ્યની સુંદરતા સરસ રીતે કેદ કરવામાં આવી છે. “ઉડન છૂ” ને ચાર ચાંદ લગાડી દે છે એના એકથી એક ચડિયાતા ગીતો…વિશાલ મિશ્રાનું પહેલું ગુજરાતી ગીત “થોડી યાદ” સાંભળીને તમે પણ યાદોમાં ખોવાઈ જશો . તો સિદ્ધાર્થ ભાવસારનું “કદી રે કદી”, જીગરદાન ગઢવીનું “રહી ના જાયે” તમે સાંભળ્યા જ કરશો! આ ફિલ્મમાં 6 મધુર ગીતો છે જેમાં એકપણ ગીત એવું નથી કે જે તમારા કાનમાં ખૂંચે! તમામ ગીતો મીઠા મધુર છે.
ફિલ્મ હાસ્ય અને લાગણીનું સુંદર સંતુલન જાળવે છે. કુલ મિલાવીને, ‘ઉડન છૂ’ એક સંપૂર્ણ પારિવારિક એન્ટરટેઇનમેન્ટ પેકેજ છે જે દરેક ઉંમરના લોકોને કનેક્ટ કરે છે. ફિલ્મ તમને હસાવશે, તમને ઇમોશનલ પણ કરી દેશે અને કદાચ તમારી જિંદગીના કેટલાક મીઠાં પ્રસંગો પણ યાદ પણ અપાવશે.
ગુજ્જુરોક્સ રેટિંગ: “ઉડન છૂ” ને 5 માંથી 4.5 સ્ટાર.
ગુજ્જુરોક્સ આ ફિલ્મમાં પણ સોશિયલ મીડિયા પાર્ટનર છે. અમારી ટીમે આ ફિલ્મ જોઈ અને અમને સૌને ગમી. આ કોઈ પ્રમોશન માટેનો આર્ટિકલ નથી પણ અમારી ટીમે ફિલ્મ જોઈને પ્રામાણિક રીવ્યુ લખ્યો છે, જેની નોંધ લેવી.
આ ફિલ્મનો પ્રીમિયર અમદાવાદમાં પણ યોજાયો હતો, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સિતારાઓએ હાજરી આપી હતી. અહીં આપેલા વિડીયોમાં જુઓ કેવો હોય છે ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર શૉ?