‘ફ્રેન્ડો’ મુવી રીવ્યુ: કેવી છે આ ગુજરાતી ફિલ્મ? થિયેટરમાં જતા પહેલા જાણો આ ફિલ્મ જોવી જોઈએ કે નહિ.

ગુજરાતી સિનેમાના પ્રેક્ષકો માટે એક નવી હાસ્ય ફિલ્મ ‘ફ્રેન્ડો’ આવી છે, જે દર્શકોને હસી-હસીને લોટપોટ કરી દેવા તૈયાર છે. આ ફિલ્મ ચાર નવરીબજાર અને શરારતી મિત્રોની ફન્ની કોમેડી રજૂ કરે છે – કાનો, બકો, જીગો અને લાલો, જેમની અવનવી શેતાનીઓ દર્શકોને ખડખડાટ હસાવે છે.

વાર્તા અને પાત્રો
‘ફ્રેન્ડો’ની વાર્તા ઉત્તર ગુજરાતના સાંતલપુર ગામમાં આકાર લે છે. મુખ્ય ભૂમિકામાં તુષાર સાધુ કાનાનું પાત્ર ભજવે છે, જેને રાધિકા (ટ્વિંકલ પટેલ) સાથે લગ્ન કરવાની તમન્ના છે. પરંતુ કાનાના ભાવી સસરા જમાઈ પાસેથી મોટી સંપત્તિની અપેક્ષા રાખે છે, જે કાના પાસે નથી. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા, ચારેય દોસ્તો એક તોફાની યોજના ઘડે છે અને એક જમીન પર અધિકાર જમાવવાનો દાવો કરે છે.

વાર્તામાં રસપ્રદ વળાંક આવે છે જ્યારે બાબલો ચોકોબાર (ઓમ ભટ્ટ) નામનો સ્થાનિક ગુંડો પ્રવેશે છે. આ પાત્રની એન્ટ્રી ફિલ્મમાં હાસ્યરસને નવી ઊંચાઈએ લઈ જાય છે.

હાસ્ય અને અભિનય
‘ફ્રેન્ડો’નું સૌથી મોટું આકર્ષણ તેની કટાક્ષ ભરેલી કોમેડી છે. આ મુવીના લગભગ દરેક દૃશ્ય પ્રેક્ષકોને ખડખડાટ હસાવવાની ક્ષમતા ધરાવે છે. કુશલ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટની કોમેડી ટાઇમિંગ ખરેખર દાદ માગી લે તેવી છે. વિશેષ કરીને કુશલ મિસ્ત્રીનું જીગોનું પાત્ર, જેને વારંવાર બેસણાની યાદ આવે છે, તે અત્યંત મનોરંજક છે. અમદાવાદીમેન કુશલ મિસ્ત્રીના ફેન્સ માટે તો આ એક લોટરી કહી શકાય એવી ફિલ્મ છે. ફિલ્મ મેકર્સ એ જે રીતે કોમેડી પીરશી છે એ દર્શકોએ સ્વીકારી લીધી હોય એવું અમને લાગ્યું, કારણકે ફિલ્મ ઈન્ટરવલ પછી તો સિનેમા માં હસવાના જ અવાજ આવ્યા હતા.

ફિલ્મના સંવાદો શુદ્ધ ગુજરાતી ઢબમાં લખાયેલા છે, જે ફ્રેન્ડોને વધુ આકર્ષક બનાવે છે. દરેક કલાકારે પોતાની ભૂમિકા સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે, ખાસ કરીને પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદી જેમણે કાનાના માતા-પિતાની ભૂમિકા સહજતાથી નિભાવી છે.

નિર્દેશન અને ટેકનિકલ પાસાં
વિપુલ શર્માના નિર્દેશનમાં નિર્માણ પામેલી આ ફિલ્મ ફ્રેન્ડો સતત દર્શકોનું ધ્યાન જકડી રાખે છે. ફિલ્મની ગતિ ઝડપી છે, કોઈ પણ દૃશ્ય દોઢથી બે મિનિટથી વધુ લાંબો નથી, જે ફિલ્મને કંટાળાજનક બનતી અટકાવે છે.

અંતિમ મૂલ્યાંકન
‘ફ્રેન્ડો’ એક મનોરંજક ટાઇમપાસ ફિલ્મ છે. ભલે તેની સ્ટોરી સામાન્ય લાગે, પરંતુ તેની કોમેડી અને પાત્રો વચ્ચેની તાલમેલ ફિલ્મને જોવાલાયક બનાવે છે. જો તમે થિયેટરમાં જઈને મનભરીને હસવા માંગતા હો, તો ‘ફ્રેન્ડો’ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે અને તમને આનંદમય સમય વિતાવવામાં મદદરૂપ થશે અને તમારા ફ્રેન્ડોની યાદ અપાવશે.

‘ફ્રેન્ડો’ ફિલ્મનો ગ્રાન્ડ પ્રીમિયર શૉ અમદાવાદમાં યોજાયો હતો, જેમાં ગુજ્જુરોક્સ ટીમે પણ હાજરી આપી હતી, પ્રીમિયર શૉ પર સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો, નીચે વિડીયોમાં જુઓ કેવો માહોલ હોય છે ગુજરાતી ફિલ્મના પ્રીમિયર પર

Parag Patidar