મલ્હાર ઠાકરની જીવનસંગિની બનવા જઈ રહી છે આ મશહૂર અભિનેત્રી, જાણો કોણ છે તે

ગુજરાતી સિનેમા જગતમાંથી એક ખુશખબર સામે આવી છે. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરના લગ્ન અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. અભિનેતા જ્યારે પણ લગ્ન અંગે પૂછવામાં આવતું ત્યારે મૌન રહેતા હતા, પરંતુ હવે તેમણે પોતાના લગ્ન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

જાણીતી ગુજરાતી અભિનેત્રી પૂજા જોષીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે તેઓ મલ્હાર ઠાકર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને કલાકારો નવેમ્બર 2024ના અંતમાં પરણશે. પૂજા જોષીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેની તસવીર શેર કરી લખ્યું છે કે, “તમામ અટકળોનો અંત આવે છે. રીલથી રિયલ સુધીની સફર… તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે નવા જીવન પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ!”

તાજેતરના એક મુલાકાતમાં પૂજા જોષીએ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. કોવિડ મહામારી દરમિયાન બંને કલાકારોએ ‘વાત વાતમાં’ વેબ સિરીઝમાં સાથે કામ કર્યું હતું, જ્યાં તેમની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને કલાકારોએ ‘લગ્ન સ્પેશિયલ’ અને ‘વીર ઈશાનું સીમંત’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મુલાકાતમાં અભિનેત્રીએ કહ્યું કે તેમને ખબર જ ન પડી કે ક્યારે તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા અને છેવટે લગ્નનો નિર્ણય લીધો. બંને પરિવારોએ પણ આ સંબંધને માન્યતા આપી છે. 34 વર્ષીય મલ્હાર ઠાકર અને 32 વર્ષીય પૂજા જોષી નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે.

Divyansh