ગુજરાતી ફિલ્મ હવે બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. નવા કન્સેપ્ટ, સ્ટોરી લાઇન અને ટ્રેન્ડ મુદ્દાઓને બરાબર રીતે આગળ લાવીને મજબૂત મેસેજ પણ આપતી જોવા મળે છે. ત્યારે 22 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ ફિલ્માં શું ખાસ છે ? અને તેના રિવ્યૂ કેવા છે ચાલો જાણીએ. સિનેમાની નવી ઊંચાઈઓ સર કરતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ એક એવી ફિલ્મ છે જે પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિચારધારા વચ્ચેના સંઘર્ષને અત્યંત સૂક્ષ્મતાથી રજૂ કરે છે. ‘વેનિલા આઇસક્રીમ’ના સફળ ડાયરેક્ટર પ્રીતની આ નવી કૃતિ મોર્ડન સમાજના વિવિધ પાસાંઓને સ્પર્શે છે.
ફિલ્મ સ્ટોરી અને સ્ક્રીનપ્લે :
ફિલ્મની વાર્તા ત્રણ મુખ્ય પાત્રોને અનુલક્ષીને બનાવવમાં આવી છે. જેમાં, ઇતિશ્રી-એક થિયેટર કલાકાર, વેદ-યુકેનો બેંકર, રાઘવ-મેટ્રિમોની કંપનીનો માલિક. જ્હાન્વી ચોપડાની લખેલી આ વાર્તા લગ્નસંસ્થા, વ્યક્તિગત આકાંક્ષાઓ અને સામાજિક દબાણ વચ્ચેના સંઘર્ષને સચોટ રીતે રજૂ કરે છે.
એક્ટિંગ અને કલાકારો :
મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની જોડી પ્રથમ વાર પડદા પર આવી છે. ત્યારે, આ જોડી સ્ક્રીન પર ખૂબ જ રોમેન્ટિક લાગે છે. સપોર્ટિંગ એક્ટર્સમાં હિતેન કુમાર, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ અને ચૌલા દોશી જેવા અનુભવી કલાકારોએ પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે.
ટેકનિકલ પાસાંઓ :
ફિલ્મનું ચિત્રાંકન અમદાવાદ, વડોદરા, પાવાગઢ અને ચાંપાનેરના સુંદર લોકેશન્સને કેમેરામાં કેદ કરે છે. 40 દિવસમાં પૂર્ણ થયેલી આ ફિલ્મનું પ્રોડક્શન વેલ્યૂ ઉચ્ચ કક્ષાનું છે. જેમાં, ખાસ ઈરાની કેફે હેરિટેજ લૂક આપે છે.
મ્યુઝિક :
સિદ્ધાર્થ અમિત ભાવસારનું સંગીત અને બોલિવૂડના જાણીતા સંગીતકાર અમર મોહિલેનું બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. જ્યારે, નિરેન ભટ્ટે આપેલા સુંદર ગીતના શબ્દો એક અલગ જ માહોલ ઉભો કરે છે. બોલિવૂડ ફિલ્મોમાં BGM મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે.
ડાયરેક્ટર અને પ્રોડ્યુસર :
પ્રીતનું નિર્દેશન સ્પષ્ટ અને લક્ષ્યલક્ષી છે. તેમણે આધુનિક ગુજરાતી સમાજની વાસ્તવિકતાને સચોટ રીતે રજૂ કરી છે. ‘વેનિલા આઇસક્રીમ’ બાદ પ્રીતની આ બીજી ફિલ્મ છે. ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યેશ દોશી, જગત ગાંધી તથા કો-પ્રોડ્યુસર મનોજ આહિર છે.
ફિલ્મ રિવ્યૂ :
‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ એક સમતોલ ફિલ્મ છે જે મનોરંજન અને સામાજિક સંદેશનું સુંદર મિશ્રણ રજૂ કરે છે. જેમાં, એક પ્રેમકહાની સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ પરિવાર સાથે માણી શકાય તેવી ઉત્તમ કૃતિ છે.
View this post on Instagram