ખબર

જૂનાગઢમાં ગાડી શીખવા માટે સાળો- બનેવી નીકળ્યા, પરંતુ શીખતાં શીખતાં કાર કુવામાં ખાબકી અને બંનેએ ગુમાવ્યો જીવ

ડ્રાઇવિંગ શીખવા માટે ડ્રાઇવિંગ સ્કૂલો પણ ચાલે છે, જે સુરક્ષિત પણ હોય છે, પરંતુ ઘણા લોકો પોતાની જાતે જ કાર શીખવા માંગતા હોય છે. પોતાના કોઈ પરિચિત વ્યક્તિની કાર લઈને શીખતાં પણ હોય છે. પરંતુ જૂનાગઢની અંદર આવી જ રીતે સાળો-બનેવી કાર શીખવા માટે લઈને નીકળ્યા હતા, પરંતુ કાર કૂવાની અંદર ખાબકી જતા બંનેએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢની વડાલી સીમની અંદર સાળો-બનેવી કાર લઈને શીખવા માટે નીકળ્યા પરંતુ કાબુ ગુમાવતા કાર ઊંડા કુવામાં જઈને ખાબકી હતી. ત્યારબાદ તેમની શોધખોળ માટે તરવૈયાઓ પણ લાગી ગયા હતા. પરંતુ રાત્રે 8 વાગે તેમના મૃતદેહ જ બહાર આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરમાં રહેતા 45 વર્ષીય વિપુલ ડોબરીયા પોતાના વતનમાં આવ્યા હતા. ત્યારે તેમની બહેન અને 42 વર્ષીય બનેવી ચેતનભાઈ પણ તેમને મળવા આવ્યા હતા. આ દરમિયાન જ ચેતને વાડીએ આવી કાર શીખવાનું કહેતા વિપુલે તેને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડ્યો હતો. અને અચાનક ચેતન દ્વારા કાબુ ગુમાવતા 50 ફૂટ દૂર આવેલા 80 ફૂટ ઊંડા કુવામાં કાર ખબકી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પણ એકત્ર થયા હતા અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ ફાયર સ્ટાફ ઘટના  સ્થળે આવી પહોંચ્યો હતો. કાર ઊંડા કૂવાની અંદર હોવાના કારણે તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અને તરવૈયાઓની મદદથી સાળા- બનેવીની શોધખોળ ચાલુ કરતા રાત્રે 8 વાગે તેમના મૃતદેહ  હાથ લાગ્યા હતા

આ સમગ્ર ઘટના શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. જેના બાદ સમગ્ર ગામની અંદર શોકનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું.