ટીવીના સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” દર્શકોની પહેલી પસંદ છે. આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ત્યારે આ શોની અંદર ગોગીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા સમય શાહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેની ફરિયાદ પણ તેને પોલીસ સ્ટેશનમાં લખાવી છે. આ ઘટના સમય શાહના બોરીવલી સ્થિત બિલ્ડિંગની પાસે બની છે.

કેટલાક છોકરાઓએ સમય શાહ સાથે ગેરવર્તણૂક કરી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હજુ સુધી એ બદમાશ છોકરાઓની ઓળખ કરવામાં નથી આવી. બિલ્ડિંગની સીસીટીવી ફૂટેજ પણ મળી ગઈ છે જેના આધારે પોલીસ તપાસમાં લાગી ગઈ છે. આ ઘટના 27 ઓક્ટોબરની છે. આ ત્રીજી વખત બન્યું છે જયારે ગુંડાઓએ સમય શાહને ધમકાવ્યો છે.

સમયે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સીસીટીવીની એક તસ્વીર શેર કરી છે. જેમાં એક બદમાશ નજર આવી રહ્યો છે. આ સાથે જ તેને પોતાના સાથે બનેલી એ ઘટના પણ જણાવી છે.

સમયે લખ્યું છે કે: “બે દિવસ પહેલા આ વ્યક્તિ મારી બિલ્ડીંગમાં આવ્યો અને કોઈ કારણ વગર જ મને ગાળો આપવા લાગ્યો. મને નહોતી ખબર તે કોણ છે? મને ગાળો આપવા પાછળનું તેનું શું કારણ છે ? તેને મને ધમકી આપી કે તે મને મારી નાખશે. જે લોકો પણ મને પ્રેમ કરે છે હું તેમની સાથે આ જાણકારી શેર કરી રહ્યો છું. મને લાગે છે કે મારી સાથે કઈ થઇ જાય છે તો આ મારા અને મારા પરિવાર માટે યોગ્ય રહેશે. ધન્યવાદ !!”

સમય શાહે એક વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે “રાત્રીના લગભગ સાડા આઠ વાગી રહ્યા હતા. જયારે હું શૂટિંગ પૂર્ણ કરી અને મારી બિલ્ડીંગ ઉપર પહોંચ્યો. એક વ્યક્તિ અચાનક મારી પાસે આવ્યો અને વગર કોઈ કારણે મને ગાળો આપવા લાગ્યો. તે ઘટના બાદ હું ખુબ જ પરેશાન છું.” સમય શાહની માએ જણાવ્યું કે 15 દિવસમાં આ ત્રીજી વખત તેની સાથે બન્યું છે.”