કૌશલ બારડ લેખકની કલમે

રાજા પહેલી પત્નીને અત્યંત પ્રેમ કરતો, બીજીને મિત્ર જેમ રાખતો; ત્રીજી પત્ની તો તેને ગમતી જ નહી!

પૂર્વ દિશાની એક નગરીમાં એક રાજાનું શાસન હતું. તેને ત્રણ રાણીઓ હતી. પહેલી પત્નીને રાજા ખુબ પ્રેમ કરતો. તે સુંદર પણ હતી એટલે રાજા તેની પર વધારે જ મોહી પડ્યો હતો. તેને ‘મહારાણી’ બનાવી હતી.

બીજી પત્ની પણ સુંદર હતી. એને રાજા પોતાની મિત્ર માનતો! ત્રીજી પત્ની થોડી શ્યામવર્ણી હતી. રાજાને તેનો દેખાવ ગમતો નહી. તે એને બિલકુલ પ્રેમ નહોતો કરતો. જો કે, સામે પક્ષે આનાથી તદ્દન ઉલ્ટું હતું. એ ત્રીજી રાણી રાજાને પોતાના જીવથી પણ વધારે ચાહતી હતી.

એક વખત રાજા બિમાર પડ્યો. રોગ અસાધ્ય જણાયો. મોટા-મોટા વૈદ્યરાજો આવી આવીને ગયા પણ કોઈ રોગનું નિદાન ન કરી શક્યું. રાજાનું શરીર દિન-પ્રતિદિન ક્ષીણ થતું ચાલ્યું. રક્ત અને રસી ઠેકઠેકાણેથી દૂઝવાં લાગ્યાં.

Image Source

હવે પેલી બન્ને રાણીઓ ધીમેધીમે રાજાની પાસે આવતી બંધ થઈ. એક સમયે ગાંધર્વો જેવા સ્વરૂપવાન રાજાની આ દશા તેને સારી નહોતી લાગતી. પણ ત્રીજી રાણી – જેને રાજાએ આખી જિંદગી ધુત્કારી હતી – તે રાતદિવસ મૂંગેમોઢે રાજાની સેવામાં લાગી રહેતી.

રાજાનો અંત સમય નજીક આવ્યો. રાજા જેને સૌથી વધારે ચાહતો તે મહારાણીને બોલાવવામાં આવી. રાજાએ તેને પૂછ્યું, “તું મારી સાથે આવવા તૈયાર છે?”

રાણી બોલી ઉઠી, “ના! મારે તો હજુ ઘણું જીવવાનું બાકી છે. હજુ મારો દેહ કેટલો કોમળ છે. આવા રૂપરૂપના અંબાર જેવા દેહને અગ્નિમાં બાળી દેવો મને મંજૂર નથી.”

રાજા ઘા ખાઈ ગયો!

બીજી રાણીને બોલાવી. એને પૂછ્યું તો એણે પણ ના પાડી દીધી. આખરે રાજાએ ત્રીજી રાણીને પૂછ્યું, “તું આવીશ કે?”

એ રાણી તો રાજાની પથારી પાસે જ બેઠી હતી. તરત એણે પરિધાન ધારણ કરી લીધાં અને રાજાનું માથું ખોળામાં લઈને બોલી,

Image Source

“હું જરૂર આવીશ! હવે અહીં મારે જીવવું પણ કોના સારું? તમે જ મારો સંસાર છો.”

રૂપ અને ગુણ બંને એકસાથે જ્વલ્લે જ જોવા મળે છે. રૂપની કમી હોય તો એવું માની લેવાની જરૂર નથી કે ગુણની પણ ખામી હશે! બાકી જેનાં દેહલાલિત્યથી આકર્ષાઈને પોતાનું માનવા લાગો છો એ ખરેખર તમારું નથી હોતું! પોતાનું તો પોતાની ભાન રાખ્યા વગર જીવનસાથીને આંચ ના આવે તેનું ધ્યાન રાખે એ હોય છે!

આર્ટિકલ ઉપયોગી લાગ્યો હોય તો આગળ લીંક શેર કરજો અને કમેન્ટમાં તમને આ વાત કેવી લાગી એ વિશે જરૂરથી લખજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.