રસોઈ

સ્વીટ ખજૂર ડ્રાયફ્રુટ બરફી રેસિપી – આજે બનાવો કાઈક નવીન, બાળકો અને વડીલોને આવશે પસંદ

સ્વીટ ખજૂર ડ્રાયફ્રુટ બરફી

સ્વીટ વાનગી નું નામ આવે એટલે મન માં પાણી આવી જાય. મસ્ત મજેદાર અને સ્વીટ મીઠાઈઓ ખાવા ની કેવી મજા પડે. તહેવાર કે પ્રસંગ મીઠાઈ વગર અધૂરા લાગે છે. કારણ કે સ્વીટ જ તહેવાર અને પ્રસંગ ને શોભાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ માં સારા પ્રસંગે લોકો એકબીજા ને ભાવ કરવા જાય. એટલે કે મીઠાઈ લઈ ને લોકો એકબીજા ને ખવડાવે છે. તો આજે અમે તમને એક મસ્ત સ્વીટ રેસીપી ખજૂર ડ્રાયફ્રુટ બરફી ની રીત શીખવીશું. તો નોંધી લો આ સ્વાદિષ્ટ સ્વીટ વાનગી ની રીત.

ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવવા માટે ની સામગ્રી

 • ખજૂર – 2 કપ (400 ગ્રામ)
 • અખરોટ – ½ કપ (50 ગ્રામ)
 • કાજુ – ½ કપ (50 ગ્રામ)
 • બદામ – ½ કપ (50 ગ્રામ)
 • સુકાવેલું નારિયેળ – ½ કપ (25 ગ્રામ)
 • પિસ્તા – 2 ટેબલ સ્પૂન (20 ગ્રામ)
 • ચારોળી – 2 ટેબલ સ્પૂન (20 ગ્રામ)
 • ખસખસ – 2 ટેબલ સ્પૂન (20 ગ્રામ)
 • જાયફળ – 1
 • નાની એલચી – 6 થી 7
 • દેશી ઘી – 2 ટેબલ સ્પૂન

ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવવા માટે ની રીત

• સૌપ્રથમ ખજૂર ને ઝીણા-ઝીણા સમારી લો અને તેની અંદર થી ઠળિયા ને કાઢી લો. આમ બધા ખજૂર માથી ઠળિયા કાઢી તૈયાર કરી લો. કાજુના 7 થી 8 કટકા કરી લો. બદામ ના પણ 7 થી 8 કટકા કરી ને તૈયાર કરી લો. અખરોટ ના પણ નાના કટકા કરી લો. પિસ્તા ના પાતળા ને લાંબા સમારી લો. નાની એલચી ને ફોલિ ને તેમાથી દાણા કાઢી લો. પછી તેને જાયફળ ની સાથે ખાંડી તેનો પાઉડર બનાવી લો.

• વાસણ ને ગરમ કરવા માટે મૂકો, ગરમ વાસણ માં કાજુ, બદામ, અને અખરોટ ના કટકાઓ નાખી દો, અને ધીમા તાપે તેને સતત હલાવતા રહો. 2 થી 3 મિનિટ શેકી ને તેને એક પ્લેટ માં કાઢી લો. હવે એક વાસણ માં ઘી કાઢી ને ગરમ થવા દો, હવે તેમાં ખસખસ નાખો અને તેને સતત હલાવતા રહો, તેનો રંગ થોડો બદલવા લાગે ત્યાં સુધી શેકતા રહો. ગેસ ને ધીમો રાખવો. હવે જાયફળ અને એલચી નો પાઉડર નાખી તેને મિક્સ કરી નાખો. ત્યારબાદ તેમાં ખજૂર ના ટુકડા અને ડ્રાયફ્રુટ ના ટુકડા નાખી દો. પછી તેમાં નારિયેળ નું ખમણ નાખો, ચારોળી નાખી આ બધી વસ્તુઓ ને સારી રીતે મિક્સ કરી નાખો.

• હવે મિશ્રણ ને એક પ્લેટ અથવા કોઈ બાઉલ માં કાઢી લો. જેથી કરીને આ મિશ્રણ જલ્દી ઠંડુ થવા લાગે. હવે હાથ પર થોડું ઘી લગાવી હાથ ને થોડો ચીકણો કરી નાખો. હાથ માં થોડું મિશ્રણ લો અને તેને થોડું-થોડું દબાવી ને ગોળ રોલ નો આકાર આપો. કોઈ એક પ્લેટ માં પિસ્તા ને નાખો અને ખજૂર ના રોલ ને તે પિસ્તા પર રાખી લપેટી લો. પિસ્તા રોલ ની ઉપર ખૂબ જ સારા લાગે છે.

• આટલા મિશ્રણ થી 5 થી 6 રોલ બની જશે. એક રોલ લઈ તેને ફોઈલ (ગોળ વાસણ) માં ભરી લો. ફોઈલ ની બંને કિનાર ને સારી રીતે બંધ કરી દો. બધા જ રોલ ને આ રીતે ફોઈલ માં લપેટી ને તૈયાર કરી લો. હવે આ રોલ ને 2 થી 3 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો, જેથી કરી ને તે સેટ થઈ જાય.

• હવે ફ્રીઝ માથી બધા ફોઈલ ને કાઢી લો, એક રોલ લો, ફોઈલ ને ખોલી તેમાથી રોલ ને બહાર કાઢી લો. સેટ થયેલા રોલ ને એક અડધા સેમી જેટલા માપ માં ગોળ રોલ કાપી લો. અને તેને એક પ્લેટ માં મૂકો. આમ બધા જ રોલ ને કાપી ને તૈયાર કરી લો.

• આમ ખજૂર ડ્રાયફ્રુટ બરફી તૈયાર છે. 3 થી 4 કલાક માટે તેને આમ પ્લેટ માં ખુલ્લી મૂકી રાખો. જેના કારણે તે થોડી નરમ થઈ જશે. હવે બરફી ને એક વાસણ માં ભરી લો અને 2 થી 3 મહિના સુધી ખાતા રહો.

સલાહ

ખજૂર ડ્રાયફ્રુટ બરફી માટે તમે કોઈ પણ ડ્રાયફ્રુટ જે તમને પસંદ હોય તે તમે લઈ શકો છો. અહી આપેલા કોઈપણ ડ્રાયફ્રુટ ને છોડી પણ શકો છો. આ રીતે કોઈપણ ડ્રાયફ્રુટ ને તમે પોતાની પસંદ અનુસાર ઓછું અથવા વધારે લઈ શકો છો.

આ રીતે તૈયાર છે તમારી ખજૂર ડ્રાયફ્રુટ બરફી જે તમે કોઈપણ તહેવાર અને પસંગે પણ બનાવી શકો છો. તેમજ ખૂબ જ ઝડપ થી થતી આ વાનગી સ્વાદ માં પણ મસ્ત લાગે છે. જે લોકો મીઠાઈ ખાવા ના શોખીન છે તેને માટે તો આ વાનગી જાણે ડ્રાયફ્રુટ નો ખજાનો સમાન બની રહેશે. તો મિત્રો નોંધી લીધી ની આ સ્વીટ વાનગી ની રેસીપી ને.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ