લેખકની કલમે

સેરોગેટ મધરની હ્રદયસ્પર્શી વાત વાંચી જો આંખ ભીની ન થાય હૃદયમાં થોડો ડુમો ન બાઝે, તો કહેજો…..

સેરોગેટ મધર

“લીલા એ લીલા. ક્યાં ગાયબ થઈ જાય છે. આવ  તો અહી”, ડો.રાશિએ ગુસ્સે થઈ સોફા પર બેઠા બેઠા એમની કામવાળીને રસોડા તરફ નજર કરી બોલાવે છે.

અવાજ સાંભળીને જ ગભરાયેલી લીલાએ કામ પડતું મૂકી સીધી રસોડામાથી દોડીને હોલમાં પહોંચી ને માંડ માંડ બોલી બિચારી , “જી …મેમસાબ,”

અસ્ત વ્યસ્ત વાળ, કપાળે મોટો લાલ ચાંદલો ને મેલાં મેલાં કપડામાં સજ્જ લીલાં પર ચિત્ર વિચિત્ર નજર નાખી નફરત ને ધૃણાથી પગ પીઆર પગ ચડાવતાં પાવરથી બોલ્યા, “ તું કામ કેમ સારી રીતે નથી કરતી ? એકપણ કામ સમયસર થતું નથી. હું કેટલા દિવસથી જોઈ રહી છુ. ગયા મહિનાની જેમ આ વખતે પણ તારો પગાર કાપી લઇશ. ત્યારે ખબર પડશે.”

વિચારી લીલાં આ સાંભળીને સીધી ડો. રાશિના પગમાં જ પડે છે. ને પગ પકડી રડતાં રડતાં બોલે છે, “ ના….મેમ સાબ , મે’રબાની કરી આવું ના કરો મારી હારે, હું કાલથી તમારા ઘરનું ત્રણ ગણું કામ કરીશ. તમે કે’શો એમ કરીશ. મારે અત્યારે બે લાખનું દેણું છે. મારો દારૂડિયો વર રોજ મને મારે છે. હું ઘર કેમ ચલાવીશ.? મેમસાબ તમારું તો મન મોટું સે. આજ તમે આવી વાત ના બોલોં, મારા ઉપર થોડી તો રહેમ કરો. “

“હા.. ઠીક છે. પહેલા તું મારાથી દૂર ખસ..કેટલી ગંદી વાસ આવે છે. તારી પાસેથી….છી ….તું કાલથી નાહીને આવવાનું રાખજે…” એમ કહી લીલાને દૂર હડસેલી દીધી.

ત્રણ દિવસથી ભૂખી લીલાં જમીન પર એક હડસેલે પડી જાય છે. બિચારી પાસે શક્તિ પણ શું હોય ? આખો દા’ડો કામ ને રાત્રે દારૂડિયા પતિનો ઢોર માર પડે. બિચારું બાયરું માણા સહન પણ કેટલું કરી શકે !

આમ ને આમ થોડા દિવસ થયા હશે ત્યાં એક દિવસ ડો રાશી પાછો સોફા પીઆર બેઠા બેઠા ટી.વી જોતાં જોતાં મોટેથી બૂમ પાડી , “ લીલાં એ લીલાં, અહિયાં આવ તો .”

રસોડામાં કામ કરતી લીલાને અઠવાડીયા પહેલા જે બન્યું હતું તે યાદ આવ્યું. પાછી ગભરાઈ ગઈ ને  હાંફળી ફાંફળી દોડતી પરસેવે રેબજેબ એ હોલમાં પહોંચી.

“મેમસાબ હવે શું થયું ? હવે તો કામ બારોબાર થાય છે….” , આંખોમાં ઝળઝળિયા સાથે ગભરુ અવાજે બિચારી લીલાં આટલું માંડ માંડ બોલી.

“બેસ, મારી પાસે. કામ તો થશે ..મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. “

અત્યાર સુધી હું મેમસાબની આસપાસ આવું તો પણ મેમસાબને નહોતું ગમતું ને આજે મેમસાબનો અંદાજ સાવ બદલાયેલો લાગ્યો. અભિમાનની પૂતલી થઈ રોફ જમાવી રોજ તાડુકા કરતી મેમસાબનું બદલાયેલું વર્તન લીલાને વિચારતી કરી મૂકે છે.

“લીલા , મારી પાસે બે લાખનું દેવું દૂર કરવાનો એક રસ્તો છે. તું કહે તો બતાવું ?”

“હે……..સાચે મેમસાબ, હા, હ……જલ્દી બતાવો ને, તમે જે કહેશો એ કરીશ. તો તો તમારા જેવો ભગવાન પણ નહી. “, બીચારી ભોળી લીલા એક આશાનું કિરણ દેખાતા હરાખાઈને બોલી.

“તું વિચારી જો જે , તું કરી શકીશ ને એ કામ !”

“હા…હા, તમતમારે તમે જે કો એ હું કરવા તૈયાર”

સાંભળ તો પછી, મારા એક ક્લાઈન્ટ છે. મિ. વર્મા. તારે એમને નવ મહિના સુધી તારી ખોખ ભાડે આપવાની છે. એ તને ત્રણ લાખ રૂપિયા આપશે. એક લાખ અત્યારે અને બે લાખ નવ મહિના પછી જ્યારે તારી પ્રસૂતિ થાય પછી. અને તારાથી જે સંતાન જન્મે એ સંતાન તારે એમને આપી દેવાનું. પછી તારું એ સંતાન દીકરી હોય કે દીકરો. એમાં તારો કોઈ જ હક્ક નહી.”

“એ બાપરે, ઘર ભાડે અપાય એવું સાંભળ્યુ હતું. આ તો માની કોખ ભાડે…આ કલિયુગ ક્યાં જઈ અટકશે. “
“મે તો તારા દેણા દૂર થાય એટ્લે કહ્યું. બાકી એમને તો ઘણી તારા જેવી મળી શકે છે. આ તો મને તારા પર દયા આવી એટ્લે મે તને ચાન્સ પહેલો આપ્યો. વિચાર કરી જો, આખી જિંદગી મહેનત કરીશ તો પણ તને ત્રણ લાખ તો નહી જ મળે !, ડો. રાશી હળવેથી પોતે જે કહી રહ્યા છે એ સો ટકા સાચું જ છે. એમ દલીલ કરતાં બોલ્યા.

“પણ મેમસાબ “

“મારે તારું પણ બણ કશું સંભાળવું નથી. કાલે સવારે દસ વાગે મિ. શર્મા ને એમના વાઈફ તને જોવા આવશે. તું વ્યવસ્થિત તૈયાર થઈને આવજે. જો તું એમને ગમી જઈશ તો કાલે જ તને પચાસ હજાર રૂપિયા આપશે “

“સારું મેમસાબ “, વિચારતી વિચારતી લીલા તેના ઘરે જાય છે.

ઘરે પહોંચતા જ જોવે છે તો એની ઓરડીમાંથી સમાન બધો બહાર ફેંકાયેલો હતો. જેની ઓરડી હતી એ દરવાજે ઊભા ઊભા જાણે લીલાની જ આવવાની રાહ જોતો હોય એમ લીલાને જોતાં બોલ્યો, “ આવો આવો મહારાની સાહીબા, આ મકાન તમારા બાપનું નથી, મારા બાપનું છે. ત્રણ મહિનાનું ભાડું કોણ તારો બાપ આપશે ! ભાડા આપવાનો  વેંત ન હોય તો જોઈ વિચારીને મકાન ભાડે રખાય. સમજ્યા ? ને હા , એ પણ વેંત ન હોય તો રોજ તૈયાર થઈને ઢોલિયો પાથરી રાખજે. હું રોજ આવી જઈશ. તારું ને મારુ બેયનું હાલશે. “

આવા હલકા વિચારો સાંભળી લીલાએ ફટાફટ એની સાડીને એનો ખુલ્લો દેખાતો ભાગ ઢાંકયો ને બોલી કે , કાલે મળી જશે તમને તમારા મકાનના ભાડાના પૈસા. આજ પછી જોઈ વિચારીને અને આબરૂ સાથે વાત કરજો સાહેબ ..! “

“લીલાના આ શબ્દો સાંભળી મકાન માલિક તો જાય છે. પણ લીલાને વિચારતી કરી મૂકે છે. પોતાની ગરીબીથી કંટાળી અંતે લીલાએ મનોમન નક્કી કર્યું કે એ એની કોખ નવ મહિના માટે ભાડે આપશે.

બીજે દિવસે સવારે તૈયાર થઈને  લીલા ડો. રાશીના ઘરે કામ કરવા જાય છે. ત્યાં મિ, શર્મા એ એમના વાઈફ પણ આવ્યા હતા.

લીલાને જોવે છે. ઘણા બધા પ્રશ્નો કરે છે ને અંતે નક્કી થાય છે  કે લીલા જ પરફેક્ટ રહેશે. આ બાજુ ડો રાશિ પાંચ લાખ રૂપિયામાં સેટિંગ કર્યું એમ કહી ત્રણ લાખ એડવાન્સ માંગે છે ને ખાલી લીલાને પચાસ હજાર જ આપી લીલાને ખુશ કરી દે છે. ને સેરોગેટ મધર બનવાની બધી પ્રોસેસ શરૂ કરે છે.

જોત જોતમાં જ નવ મહિના વીતી જાય છે. અત્યાર સુધીમાં માત્ર એક લાખ રૂપિયા જ લીલાને મળ્યા હોય છે, ને નવ મહિનાનો લીલાનો ખાવા પીવાનો ખર્ચો, દવા દારૂનો ખર્ચો ને થોડી પ્રોફેશનલી અમુક લીલાને ટ્રેનીંગ પણ આપી હતી.

હવે લીલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. નર્સિંગ હોમમાં એડમિટ કરવામાં આવે છે. એક સુંદર બાળકીને જન્મ પણ આપે છે.

હવે બને હે એવું કે એ બાળકીનો વિકાસ અધૂરો રહ્યો હોવાથી એ બાળકી જન્મથી જ અપંગ. ડોક્ટરે કહ્યું કે આના પગ ઉંધા છે, કદાચ ક્યારેય ચાલી ન પણ શકે. આ સાંભળી પેલું શર્મા દંપતી બાળકીને સ્વીકારવાની ના કહે છે ને ડોક્ટર રાશી પણ આ મામલે કશું બોલવા તૈયાર નથી. નથી લીલાને આગળના કોઈ પૈસા મળ્યા.

“ડો રાશી લીલાને એટલું જ કહે છે કે, લીલા તું ચિંતા ન કર, આપણે આ બાળકીને અનાથ આશ્રમમાં મૂકી દેશું. “

“ ભલે મે કોખ ભાડે આપી પણ માતૃત્વ તો મારુ છે ને ? હું એક ટુકડો ખાઈશ તો એનેય એમાંથી મળી રહેશે. હું મારી કૂખે  જન્મેલને અનાથ તો કેમ થાવા દવ ? આખરે હું પણ એક મા છું.” કહી બાળકીને વ્હાલથી તેડીને એનાં ઘર તરફ ચાલવા લાગી.

!! અસ્તુ !!

Author: Nikunj Vyas GujjuRocks Team

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.