ખબર

સુરતની અંદર બાળપણમાં દીકરીને પોતાની જ માતાએ ફેંકી દીધી હતી કચરાપેટીમાં, 18 વર્ષ બાદ અનાથ આશ્રમે કરાવ્યા લગ્ન, જુઓ તસવીરો

આપણા દેશમાં હજુ ઘણા માતા પિતા પુત્ર ઘેલા જોવા મળે છે, જેના કારણે દીકરીનો જન્મ થવાની સાથે જ તેને કચરાપેટીના ડબ્બામાં કે પછી અનાથ આશ્રમ કે મંદિરના પગથિયે મૂકી આવતા હોય છે.

આવી જ એક દીકરી જેને સુરતમાં  બાળપણમાં જ તેની માતા દ્વારા કચરા પેટીના ડબ્બામાં છોડી દેવામાં આવી હતી તેને અનાથ  આશ્રમ દ્વારા સાચવવામાં આવી અને હવે 18 વર્ષ બાદ તેના લગ્ન કરવામાં આવ્યા છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

સુરતમાં આવેલા લંબે હનુમાન રોડ પરથી 18 વર્ષ પહેલા એક કચરાપેટીમાંથી મળેલી નવજાત બાળકી લક્ષ્મીનું કતારગામનું અનાથાશ્રમ તેનું આશ્રય સ્થાન બન્યું હતું. આજે 18 વર્ષ બાદ અનાથ આશ્રમ જ તેનું પિયર હતું અને ત્યાંથી જ આજે તેને લગ્ન કરીને વિદાય લીધી છે.

લક્ષ્મીનું કન્યાદાન પણ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું અને આશ્રમના સ્ટાફ અને બાળાઓ પિયરિયાં બની અને જાનનું સ્વાગત કર્યું હતું.

18 વર્ષ પહેલા ચાઈલ્ડ વેલફેર કમિટીના આદેશથી લક્ષ્મીને આશ્રમમાં લાવવામાં આવી હતી. તેના લગ્ન માટે આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. લક્ષ્મીના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અડાજણમાં રહેતા કશ્યપ મહેતાને લક્ષ્મીના પતિ તરીકે પંસદ કરવામાં આવ્યા હતા. આશ્રમ દ્વારા કરિયાવરનો તમામ સમાન પણ લક્ષ્મીને આપવામાં આવ્યો હતો.

આજરોજ અનાથ આશ્રમની અંદર ધામધૂમથી લક્ષ્મીના લગ્ન કરવામાં આવ્યા હતા. લક્ષ્મીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી પહોંચી છે. આ ઉપરાંત તે સ્પોર્ટ્સ અને યોગમાં પણ ખુબ જ હોશિયાર છે.