ઓલમ્પિક 2024: બર્થ ડે પર શ્રીજા અકુલાએ રચ્યો ઇતિહાસ, ટેબલ ટેનિસમાં એ કરી બતાવ્યુ જેના માટે તરસતુ રહ્યુ હિંદુસ્તાન

શ્રીજા અકુલાની ઐતિહાસિક જીત, મનિકા બત્રાના મહારેકોર્ડની કરી બરાબરી

ભારતની યુવા મહિલા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ બુધવારે પેરિસ ઓલિમ્પિક-2024માં ઈતિહાસ રચ્યો હતો. તેણે મહિલા સિંગલ્સના રાઉન્ડ-16માં જગ્યા બનાવી લીધી છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર આ જીત હાંસલ કરી. તેણે તેના સિંગાપોરની હરીફ જિયાન ઝેંગને 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10થી માત આપી. આ 26 વર્ષીય ખેલાડી મનિકા બત્રા પછી ઓલિમ્પિકના પ્રી-ક્વાર્ટરમાં સ્થાન મેળવનારી બીજી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે.

મનિકાએ થોડા દિવસો પહેલા પેરિસ ઓલિમ્પિકમાં આ માઈલસ્ટોન હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. શ્રીજા પણ તેના પગલે ચાલી રહી છે. આ મેચમાં શ્રીજા અકુલાએ જોરદાર વાપસી કરી હતી. તેને પ્રથમ ગેમમાં ઝેંગે હરાવી હતી. જો કે શ્રીજાએ લડાઈ લડી પરંતુ સફળતા ન મળી. બીજી ગેમમાં શ્રીજાના આક્રમણમાં કોઈ ઘટાડો ન થયો અને તેણે જોરદાર વાપસી કરી. શ્રીજાએ શાનદાર સર્વિસ કરતા ઝેંકને દબાવમાં મૂકી તેનો ફાયદો ઉઠાવ્યો. ઝેંગે પણ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે આ રમતમાં સફળ ન થયા.

ત્રીજી ગેમમાં શ્રીજાએ ઝેંકને એકતરફી પરાજય આપ્યો. જો કે, પાંચમી મેચ શાનદાર રહી હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. અંતે, વિજય શ્રીજાના હાથમાં ગયો જે રમતની સાથે સાથે મેચ જીતવામાં સફળ રહી.પેરિસ ઓલિમ્પિકની સિંગલ્સ ટેબલ ટેનિસ મહિલા ઈવેન્ટમાં બે ભારતીય ખેલાડીઓ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા કોઈ પણ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં અંતિમ 16માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.

જણાવી દઇએ કે, શ્રીજા અકુલાનો જન્મ 31 જુલાઈ 1998ના રોજ હૈદરાબાદમાં થયો હતો. નાનપણથી જ શ્રીજાને અભ્યાસની સાથે ટેબલ ટેનિસમાં પણ રસ હતો. તેણે તેની બહેનને જોઈને ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતુ. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘નાનપણથી જ હું મારી મોટી બહેનને ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી જોવા માંગતી હતી. મેં તેમને ચેમ્પિયનશિપ જીતતા જોયા છે. તેને જોયા પછી જ મેં પ્રો ટેબલ ટેનિસ ખેલાડી બનવાનું નક્કી કર્યું. શ્રીજા અકુલા માત્ર રમતગમતમાં જ નહીં, અભ્યાસમાં પણ ખૂબ તેજસ્વી છે. તેણે 98.7 ટકા માર્ક્સ સાથે ઇન્ટરમીડિયેટ પાસ કર્યું છે અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

અકુલા શાળામાં ટોપર્સમાં રહી છે. શ્રીજા હૈદરાબાદની પ્રથમ ખેલાડી છે જેણે 1964 પછી નેશનલ ટાઇટલ જીત્યુ છે. તેના પહેલા મીર કાસિમે આ ખિતાબ જીત્યો હતો. પરંતુ તે પછી દાયકાઓની લાંબી રાહ જોવી પડી. વર્ષ 2022માં શ્રીજાએ 58 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો. 23 વર્ષની ઉંમરે તેણે સિનિયર મૌમા દાસને હરાવ્યા હતા. તેને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે અને આ સન્માન તેને વર્ષ 2022માં આપવામાં આવ્યું હતું. તેણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

Shah Jina