ખબર

સી-પ્લેનમાં મુસાફરોને આકર્ષવા માટે ટિકિટના દરમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો શું છે નવો દર ?

અમદાવાદથી કેવડિયા સી પ્લેન આગામી 31 ઓક્ટોબરે ચાલુ થશે. વડાપ્રધાન મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને અમદાવાદથી કેવડિયા કોલોની સી પ્લેનમાં જશે. સી-પ્લેનથી અમદાવાદથી કેવડિયાનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે. સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ આજે સી પ્લેન ઓપરેટ કરનારી સ્પાઇસ જેટ દ્વારા નવા ભાડાની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને ભાડું પરવડશે કે નહીં તે માટે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

Image source

હવે સી પ્લેનમાં લોકોને આકર્ષવા માટે ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત એક તરફનું ભાડું 1500 રૂપિયા અને બંને તરફ માટે 3000 રૂપિયા ખર્ચ પડશે. આ માટેની ઓનલાઇન ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી બુક થશે.

Image source

અમદાવાદથી દરરોજ સવારે 10:15 કલાકે સી પ્લેન ઉડાન ભરશે અને 10:45 કલાકે કેવડિયા પહોંચશે, જ્યારે કેવડિયાથી 11:45 કલાકે ઉડાન ભરીને 12:15 કલાકે અમદાવાદ પહોંચશે. આ સીપ્લેન ફરી 12:45 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને બપોરે 1:15 કલાકે કેવડિયા પહોંચશે, કેવડિયાથી ફરી બપોરે 3:15 કલાકે ઉડાન ભરીને 3:45 કલાકે અમદાવાદ પહોંચશે.
આમ બંને દિશાઓમાં સી-પ્લેન કુલ ચાર વખત ઉડાન ભરશે.

Image source

દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બનાવવામાં આવી છે.

Image source

જણાવી દઈએ કે, આ પહેલા પણ વડા પ્રધાન મોદી સી-પ્લેનમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા જઈ ચુક્યા છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ સેવાના શુભારંભ બાદ ગુવાહાટી, અંદમાન-નિકોબાર અને યમુનાથી ઉત્તરાખંડમાં સેવા ચાલુ કરવાની યોજના બનાવવામાં આવી છે.