એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, જે વ્યક્તિ પોતાના સપના પૂર્ણ કરવા માટે મહેનત કરે છે તે એક દિવસ ચોક્કસ સફળ થાય છે, આવા ઘણા ઉદાહરણો પણ જોવા મળે છે, હાલ એક એવું જ ઉદાહરણ રાજસ્થાનમાંથી સામે આવ્યું છે, જ્યાં તબેલાની અંદર કામ કરતી એક દીકરીએ પહેલા જ પ્રયત્ને જજની પરીક્ષા પાસ કરી લીધી છે.

રાજસ્થાનના ઉદેપુરની રહેવાવાળી દૂધવાળાની દીકરી સોનલ શર્માએ વર્ષ 2018માં જજ બનવા માટેની પરીક્ષા આપી હતી. 26 વર્ષની સોનલે આ પરીક્ષાનો અભ્યાસ તબેલામાં રહીને કર્યો હતો. આ પરીક્ષાનું પરિણામ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ આવી ગયું હતું પરંતુ સોનલનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું. કારણ કે તે જનરલ કટ ઓફ લિસ્ટમાં એક નંબરથી રહી ગઈ હતી.

જયારે પસંદગી પામેલા એક ઉમેદવારે આગળ ના વધવનો નિર્ણય કર્યો ત્યારે સોનલ શર્માને આ અવસર મળ્યો. એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવનારી સોનલે પોતાના અભ્યાસ માટે ટ્યુશન અને અભ્યાસની સામગ્રી પણ નહોતી લાવી શકતી. સોનલ સાઇકલ લઈને કોલેજ જતી હતી અને લાઈબ્રેરીમાં અભ્યાસ કરતી હતી.

સોનલે જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક કોલેજ જતા સમયે મારા ચપ્પલ ઉપર છાણ ચોટ્યું હોતુ, મને મારા ક્લાસમેટને એ કહેવામાં શરમ આવતી હતી કે હું એક દૂધવાળાની છોકરી છું. પરંતુ આજે મને એ વાતનું ગૌરવ છે.

સોનલે એલએલબી અને એલએલએમની પરીક્ષા પણ ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી હતી અને હવે પ્રથમ પ્રયત્ને જ તે જજ પણ બની ગઈ છે. રાજસ્થાન સેશન કોર્ટની અંદર સોનલની પહેલી પોસ્ટિંગ કરવામાં આવશે.