કૌશલ બારડ પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

સિકંદરે સાધુને જે માગે તે આપવા તૈયારી બતાવી અને સાધુએ એવું માંગ્યું કે સિકંદર છક્ક થઈ ગયો!

સિકંદર વિશે આપણા સાહિત્યમાં ઘણી કથાઓ-દંતકથાઓ પ્રચલિત છે. સર્વમાન્ય હકીકત એ છે, કે તે ઇ.સ.પૂર્વે 326ના સમયમાં પશ્વિમ એશિયા તરફથી ભારતમાં આવ્યો હતો અને ભારતમાં તેને એવી હાલાકીઓનો સામનો કરવો પડેલો કે વિશ્વવિજેતા બનવાનું સપનું અધવચ્ચે મૂકીને તેણે ધરાર પાછા ફરવું પડેલું. સિકંદર સાથે જોડાયેલી એક વાત પણ બહુ જાણીતી છે, જેમાં એક સાધુ સાથે તેમની મુલાકાત થાય છે અને હિંદુધર્મની આધ્યાત્મિકતાને ઘોળીને પી ગયેલા સાધુ સિકંદરને પ્રભાવિત કરી દે છે.

Image Source

એક બીજી કહેવાતી આવતી વાત પણ બહુ રોચક છે:

વિશ્વવિજેતા બનવાનું સપનું લઈને મેસિડોનીયાથી નિકળેલો સિકંદર ઉર્ફે એલેકઝાન્ડર ધી ગ્રેટ ભારતમાં આવ્યો. નદી કિનારે એક ઝૂંપડું બાંધીને રહેતા સંસારની માયાજાળથી બિલકુલ નિર્લેપી સાધુને જોઈને તેમને આશ્વર્ય થયું.

પોણા ભાગની પૃથ્વી પર પોતાનો વાવટો ફરકાવનાર સિકંદર એ સાધુ પાછે ગયો અને સાધુને કહ્યું, “તમારી આ વૈરાગીવૃત્તિથી હું બહુ ખુશ થયો છું. તમારે જે જોઈતું હોય એ મારી પાસે માંગો!”

Image Source

“થોડો આઘો ખસ અને સૂર્યનો પ્રકાશ આવવા દે. બીજું મારે કંઈ નથી જોતું!” સાધુએ પોતાની ધૂનમાં મગ્ન રહીને જવાબ આપ્યો.

સિકંદર છક્ક થઈ ગયો. યુરોપ અને પશ્વિમ એશિયાની ભૂમિ પર જેના ઘોડાનાં ડાબલાં ગાજે છે એ સિકંદર સાથે આ સાધુ આવી રીતે વાત કરે છે! તેને થયું કે ખરેખર આવતા જન્મમાં તો આવી જ જિંદગી ખપે!

“મહર્ષિ! આપની વાતોથી હું અંજાયો છું. પ્રભુ પાસે એવી પ્રાર્થના કરું છું કે આવતે જન્મે મને તમારા જેવો અવતાર મળે.” સિકંદરે કહ્યું.

એ જ તદ્દન શાંતિયુક્ત મુખમુદ્રા રાખીને સાધુએ જવાબ વાળ્યો,

Image Source

“એમાં ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની શી જરૂર? આ તે જે બધો ઉપાડો લીધો છે એ છોડી ને મારી જેમ ઝૂંપડી બાંધીને બેસી જા એટલે મારા જેવી સાધુતા આવી જ જવાની. ભલા માણસ! એ તો મારે તારા જેવું મહાન બનવું હોય તો ઈશ્વરને ખોટી કરવા પડે. બાકી તારે તો જે ધારણ કર્યું છે એ ઉતારવાનું જ છે, વધારે કંઈ નહી!”

ફકીરી તે આનું નામ!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.