ખબર મનોરંજન

હજી મારા દીકરાની રાખ પણ ઠંડી થઇ નથી અને લોકો…સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ કર્યું મોટું એલાન

પંજાબમાં 29 મેના રોજ સિંગર સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી પંજાબનું રાજકારણ ગરમાયું છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાના સમર્થકો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યાં પુત્રના મોત પછી સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા શનિવારના રોજ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને ન્યાયની વિનંતી કરી હતી. ત્યારે હાલ સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે હું ચૂંટણી નહીં લડું. કારણ કે મારા પુત્રની ચિતા હજુ ઠંડી પડી નથી.

પરંતુ ચૂંટણી લડવા અંગે સોશિયલ મીડિયા પર જે ચર્ચા ચાલી રહી છે તેનાથી તેઓ ખૂબ દુ:ખી છે. વીડિયોમાં સિંગરના પિતા હાથ જોડીને કહી રહ્યા છે – ‘હું સિદ્ધુ મુસેવાલાના પિતા છું.. મારે તમારી સાથે એક-બે વાત કરવી હતી. સોશિયલ મીડિયા પર જ્યાં અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી છે તે જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી થઈ રહ્યું છે. તેના પર વિશ્વાસ ન કરો. મારા પુત્રની રાખ પણ હજુ ઠંડી નથી થઈ. મારો કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનો ઈરાદો નથી. તમે મને દુ:ખમાં સાથ આપ્યો..તમારો ખૂબ ખૂબ આભાર..

મારી તમામને એક વિનંતી છે. મારા પુત્રની પ્રાર્થના સભા 8મી જૂને છે..તમે બધા આવો..હું તમારી સાથે ખુલીને વાત કરીશ. આ સમયે મારું મન વધુ કહેવાની સ્થિતિમાં નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન પરિવારે તેમના પુત્રની હત્યાની CBI તપાસની માંગ કરી છે. ત્યારે હવે એવી અટકળો લગાવવામાં આવી હતી કે દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે અથવા આગામી સમયમાં ચૂંટણી લડી શકે છે. પરંતુ સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ વીડિયો જારી કરી આ અફવાઓનું ખંડન કર્યુ છે.

શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલા હુમલા સમયે મહિન્દ્રા થાર જીપમાં મુસાફરી કરી રહ્યો હતો. પંજાબ પોલીસે હત્યાના આગળના દિવસે એટલે કે શનિવારે 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી હતી. એ લોકોમાં મુસેવાલા પણ સામેલ હતો. શરૂઆતમાં પંજાબ પોલીસના ચાર કમાન્ડો મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત હતા, જો કે બાદમાં બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા.