અમદાવાદ : ગુજરાતના સિદ્ધાર્થે રણજી ટ્રોફીમાં મચાવ્યો તહલકો, W,W,W,W,W,W,W,W,W…ઝડપી 9 વિકેટ

W,W,W,W,W,W,W,W,W… ક્રિકેટ જગતમાં ગુજરાતના સિદ્ધાર્થનો કહેર, ઉત્તરાખંડ સામે રણજી ટ્રોફીમાં 9 વિકેટ ઝડપી

ગુજરાતના ડાબોડી સ્પિનર ​​સિદ્ધાર્થ દેસાઈએ રણજી ટ્રોફીમાં ઉત્તરાખંડ સામે છઠ્ઠા રાઉન્ડની મેચમાં અમદાવાદમાં ઇતિહાસ રચ્યો. સિદ્ધાર્થે એક ઇનિંગમાં નવ વિકેટ લીધી. જો કે, વિશાલ જયસ્વાલે દેસાઈને એક ઇનિંગમાં બધી 10 વિકેટ લેવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા દીધી ન હતી. વિશાલે એકમાત્ર વિકેટ હર્ષ પટવાલના રૂપમાં લીધી. 36 રન આપી 9 વિકેટ લઈને સિદ્ધાર્થ દેસાઈ રણજી ટ્રોફીના ઇતિહાસમાં ગુજરાત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બન્યો.

સિદ્ધાર્થની શાનદાર બોલિંગને કારણે ગુજરાતે ઉત્તરાખંડને ફક્ત 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. 24 વર્ષીય સિદ્ધાર્થ દેસાઈ શરૂઆતથી જ ગુજરાત માટે ક્રિકેટ રમી રહ્યો છે. તે ગુજરાત માટે અંડર 14, અંડર 16 અને અંડર 19માં પણ રમી ચૂક્યો છે. તે લાંબા સમયથી રણજી ટ્રોફીમાં ગુજરાત માટે પણ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે રણજીમાં 36 મેચ રમી છે, જેમાં તેણે 159 વિકેટ લીધી છે.

સિદ્ધાર્થે લિસ્ટ A માં રમાયેલી 20 મેચોમાં 25 વિકેટ લીધી છે. ડાબોડી સ્પિનર ​​2022-23 રણજી ટ્રોફી સીઝનમાં ગુજરાત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 6 મેચમાં 30 વિકેટ લીધી હતી.રણજી ટ્રોફી 2024-25માં ગુજરાત તરફથી રમતા સ્પિનર ​​સિદ્ધાર્થ દેસાઈએ ઉત્તરાખંડ સામે રમાઈ રહેલી મેચમાં 9 વિકેટ લઈને અજાયબી કરી હતી. રણજીનો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થયો, જેમાં ચારે બાજુ સિદ્ધાર્થ દેસાઈનું નામ ગુંજી રહ્યુ છે.

સિદ્ધાર્થે ગુજરાત માટે એક ઇનિંગમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર નોંધાવ્યો. સિદ્ધાર્થે પહેલી ઇનિંગમાં 15 ઓવર ફેંકી હતી, જેમાંથી 5 મેડન હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 2.40 ની ઇકોનોમી પર 36 રન આપીને 9 વિકેટ લીધી. આ પહેલા ગુજરાત માટે કોઈ પણ બોલરે ફર્સ્ટ ક્લાસ મેચની એક ઇનિંગમાં 9 વિકેટ નથી લીધી.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર
10/49-અંશુલ કંબોજ (હરિયાણા vs કેરળ)-રોહતક, 2024
9/23 – અંકિત ચવ્હાણ (મુંબઈ vs પંજાબ) – વાનખેડે, 2012
9/36 – સિદ્ધાર્થ દેસાઈ (ગુજરાત vs ઉત્તરાખંડ) – અમદાવાદ, 2025
9/45 – આશિષ ઝૈદી (યુપી vs વિદર્ભ) – કાનપુર, 1999
9/52 – આર સંજય યાદવ (મેઘાલય vs નાગાલેન્ડ) – સોવિમા, 2019

રણજી ટ્રોફીમાં ગુજરાત માટે શ્રેષ્ઠ બોલિંગ ફિગર
9/36 – સિદ્ધાર્થ દેસાઈ (vs ઉત્તરાખંડ) – અમદાવાદ, 2025
8/31 – રાકેશ ધ્રુવ (vs રાજસ્થાન) – અમદાવાદ, 2012
8/40 – ચિંતન ગજા (vs રાજસ્થાન) – સુરત, 2017

Shah Jina