ICCએ આ કારણે શુભમન ગિલને સંભળાવી સજા, આખી ટિમ ઇન્ડિયા પર પણ લગાવ્યો દંડ, જાણો કારણ
Shubman gill fined 115% match fees : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી WTCની ફાઇનલમાં ભારને હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને કારમી હાર આપી અને ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું સપનું રગદોળી દીધું. ત્યારે આ હાર બાદ પણ ભારતીય ટીમને એક મોટો ફટકો પડ્યો છે. જેમાં ટીમને સ્લો ઓવર રેટ માટે 100% મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ICC દ્વારા હવે સમગ્ર ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. ICCએ સોમવારે કહ્યું કે ભારતીય ટીમની ધીમી ઓવર રેટને કારણે તેની સમગ્ર મેચ ફી કાપી લેવામાં આવી છે. રોહિત એન્ડ કંપનીએ ટાર્ગેટ કરતાં પાંચ ઓવર ઓછા ફેંકી હતી, જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સ્લો ઓવર રેટ માટે ભારતની સાથે ઓસ્ટ્રેલિયાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત સમયમાં 4 ઓવર ઓછા ફેંકી હતી. આ માટે ટીમના ખેલાડીઓની 80 ટકા મેચ ફી કાપવામાં આવી છે. ભારતીય સુકાની રોહિત અને ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે તેમની ભૂલ સ્વીકારી હતી. જેના કારણે કોઈ સુનાવણી થઈ નથી.
આ સિવાય ભારતીય ઓપનર શુભમન ગિલને પણ અમ્પાયરના નિર્ણય પર નારાજગી દર્શાવવા બદલ તેની મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, ગિલનો કુલ દંડ 115 ટકા થયો. ભારતની બીજી ઇનિંગમાં ગિલ વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. તે કેમેરોન ગ્રીનના હાથે સ્લિપમાં કેચ થયો હતો.
થર્ડ અમ્પાયરે કેચને સાચો માનીને ગીલને આઉટ જાહેર કર્યો હતો. તેણે આ નિર્ણય પર પોતાની નારાજગી દર્શાવતા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ સાથે ગિલને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. શુભમન ગીલે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.7નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. તે આંતરરાષ્ટ્રીય મેચમાં બનતી ઘટનાના સંબંધમાં જાહેર ટીકા અથવા અયોગ્ય ટિપ્પણી કરવા સંબંધિત છે.