હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલનો ખુલાસો: શું કોરોના વેક્સિનને કારણે આવે છે હાર્ટ એટેક ?જાણો જલ્દી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે અને આ સિલસિલો યથાવત પણ છે. એવું નથી મોટી ઉંમરની વ્યક્તિને જ હાર્ટ એટેક આવે છે, નાની નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. કોઇને લગ્નમાં નાચતી વખતે તો કોઇને ક્રિકેટ કે ફૂટબોલ રમતી વખતે તો કોઇને વાહન ચલાવતી વખતે કે પછી કોઇને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવે છે અને તેઓના મોત થાય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
હાલમાં જ જામનગરના પ્રખ્યાત હ્રદયરોગ નિષ્ણાંત ડો.ગૌરવ ગાંધીનું માત્ર 41 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયુ. હાર્ટ એકેટથી મોતના કિસ્સા એ ચિંતાજનક પણ છે. જો કે, હાલમાં એક ચર્ચા એવી પણ છે કે કોરોના વેક્સીનને કારણે હાર્ટએટેક આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલે આ અંગે ખુલાસો કર્યો છે. હાર્ટ એક્સપર્ટ ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું કે, એવું નથી કે હાર્ટઅટેકના કેસ કોરોના આવ્યા પછી વધ્યા છે,
પણ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધારે ખેંચાયું છે. લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ ગઇ છે. તેમણે જણાવ્યુ કે, વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. ડોક્ટર તેજસ પટેલ 30 વર્ષ કરતા વધારે સમયથી હાર્ટના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી ટ્રેન્ડ બદલાયો છે. આ પહેલા 50 વર્ષની ઉપરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા જોવા મળતા પણ હવે 30 વર્ષથી નીચેના લોકોમાં પણ જોવા મળે છે.
કોરોના વખતે જે કિસ્સાઓ આવ્યા તે સમયે કોવિડની સારવાર બાદ લોહીના ગઠ્ઠા થવાને કારણે સમસ્યાઓ થઈ તેવું જોવા મળ્યું. આ પહેલા માત્ર ઠંડીમાં જ હાર્ટના કેસો આવતા પણ હવે હાર્ટની બીમારી કોઈ સિઝન પૂરતી સીમિત નથી રહી. તેમણે જણાવ્યુ કે, કેટલાક લોકો એવા છે જે કોવિડની વેકસીનને દોષ આપી રહ્યા છે, જે બરોબર નથી. વેક્સીનના કારણે તકલીફ વધી એ ભ્રામક વાતો છે.
ડોક્ટર તેજસ પટેલે સલાહ આપતા કહ્યું, અચાનક ઢળી પડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે પણ 100 હાર્ટ એટેકના દર્દીને પૂછો તો એમાંથી 50 લોકોએ હૃદય સંબંધિત અગાઉ કોઈ જ સમસ્યા અનુભવી નથી હોતી. હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર બંને અલગ વાત છે, હાર્ટ એટેક એ બ્લોકેજની સમસ્યા છે, જ્યારે હાર્ટ ફેલ્યોર હૃદયના પંપિંગની સમસ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, યુવાનોમાં સ્ટ્રેસ લેવલ ત્રણથી ચાર ગણુ વધી ગયું છે અને ખોરાકની પેટર્ન પણ સારી નથી.
50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ પહેલાથી આવી જાય છે અને 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. જો કે, તેમણે કહ્યું કે, કોરોના બાદ કેસ વધ્યા નથી પણ લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે અને વેક્સિનના કારણે હાર્ટ એટેક આવતો નથી. હાર્ટએટેકથી બચવા શું કરવું જોઇએ તો જણાવીએ કે, વજન જાળવવું પડે, અનુલોમ-વિલોમ, સવાસન જેવા યોગ કરતા રહેવું, કસરત કરવી, ખાણીપીણી સુધરાવી અને તમાકુ-સિગારેટથી દૂર રહેવું.