ખબર

શ્રાધ્ધનાં ભોજનમાં આ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરો! શરીર અને શાસ્ત્ર બંને ના પાડે છે- વાંચો માહિતી

ભાદરવા મહિનાની પૂનમના દિવસથી સોળ દિવસ ચાલનાર શ્રાધ્ધનો આરંભ થઈ ચૂક્યો છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અનેક ઠેકાણે ભાદરવા મહિનાના શુક્લ પક્ષના દિવસોને ‘પિતૃપક્ષ’ તરીકે ગણાવીને પિતૃશ્રાધ્ધનો મહિમા વ્યક્ત કરવામાં આવ્યો છે. એકમના શ્રાધ્ધની સાથે જ આપણે અહીં જાણીશું કે, શ્રાધ્ધના ફાયદાઓ શું છે? શ્રાધ્ધ સમયે કઈ વસ્તુઓનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે?

વાંચો નીચેના ફકરાઓમાં ટૂંકાણમાં અને સચોટતાથી આપેલી માહિતી :

પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો અનેરો અવસર —

૨૨ જૂન પછી સૂર્ય વિષુવવૃત્તથી દક્ષિણ દિશામાં જવા લાગે અર્થાત્ ‘દક્ષિણાયન’ શરૂ થાય એ સમયમાં જ શ્રાધ્ધ આવે છે. આપણા પૂર્વજોએ આપણા વિકાસ માટે, આપણા ઘડતર માટે અને આપણે સુખી જીવન પામી શકીએ એ માટે અનેક પ્રકારે ભોગ આપ્યો હોય છે. આપણા પૂર્વજો હતા તો આપણે અત્યારે આ ધરતી પર છીએ!

એક ઠેકાણે તો કહેવામાં આવ્યું છે, કે જે સંપત્તિ અને ઐશ્વર્ય તમને દેવો આપી નથી શકતા એ પિતૃઓ આપવાની તાકાત ધરાવે છે! આથી સ્વાભાવિક રીતે આપણા સ્વધામ પામેલા પિતૃઓ પ્રત્યે આપણે કંઈક તો કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. શ્રાધ્ધ એ માટેનો જ અવસર છે!

પિતૃઓને રાજી રાખો, રાજી રહેશો —

શ્રાધ્ધ એ પિતૃતર્પણ માટેનો અવસર છે. સવારમાં ખોરડા પર ‘કાગવાસ’ નાખીને બાળકોને જમાડવા, ગાયને ખોરાક આપવાથી શ્રાધ્ધકર્મ પૂરું થાય છે. જો કે, ‘કાગવાસ’ નાખતી વખતે તે ખોરાક સીધો પિતૃઓને અર્પણ થતો હોઈ અમુક વિધાનો પાળવા આવશ્યક બને છે. દીવો પેટાવવો, તાંબાના લોટામાં પાણી લેવું, દાંતણની કળીઓ લેવી અને કાગવાસ માટે ઉત્કૃષ્ટ ભોજનની થાળી તૈયાર કરવી – વગેરે કાર્યો કરવાના રહે છે.

આ વસ્તુઓને શ્રાધ્ધમાં સ્થાન ન આપશો —

શ્રાધ્ધના ભોજનમાં વધારે પડતી તીખી કે તળેલી વાનગીઓ ઇચ્છનીય નથી. એ જ પ્રકારે શ્રાધ્ધની થાળીમાં લસણ, ડુંગળી અને ગાજર-મૂળા જેવાં કંદમૂળનો ઉપયોગ પણ ના કરવો. દૂધ, ખીર અને દૂધપાક જેવા પૌષ્ટિક અને શરીર માટે ઉપયોગી ભોજનનું શ્રાધ્ધ કરવું ઉત્તમ રહેશે.

આ થઈ શ્રાધ્ધ વિશેની અમુક ખાસ જાણવા જેવી બાબતોની વાત. આગળ પણ અમે તમને હિંદુ ધર્મના પિતૃતર્પણના આ અનન્ય એવા અવસરને લઈને અમુક રસપ્રદ માહિતી આપતા રહેશું. આપની જવાબદારી છે, કે આ વિશ્વસનીય અને પ્રામાણિક માહિતીને આપના મિત્રો સાથે પણ લીંક દ્વારા શેર કરો, ધન્યવાદ!