ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કાર અકસ્માતમાં બચાવ્યો લોકોનો જીવ, વીડિયો શેર કરી કહી દિલની વાત
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી ક્રિકેટની પીચ પર પોતાના બોલથી આગ ફેંકી રહ્યો છે. તે વિરોધી બેટ્સમેનોને કોઈ તક આપતો નથી અને તેમના માટે આફત સાબિત થાય છે. પરંતુ ક્રિકેટ સિવાય તે અંગત જીવનમાં ખૂબ જ લાગણીશીલ અને નમ્ર વ્યક્તિ છે. ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થયા બાદ શમી રિલેક્સ મોડમાં છે. આ દિવસોમાં તે નૈનીતાલમાં રજાઓ ગાળી રહ્યો છે.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુર્ઘટનાગ્રસ્ત કારમાં ફસાયેલા વ્યક્તિને મદદ કરતો જોવા મળી રહ્યો છે. મોહમ્મદ શમીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે ખૂબ જ ભાગ્યશાળી છે, ભગવાને તેને બીજું જીવન આપ્યું છે. તેમની કાર નૈનીતાલમાં એક ખાડા તરફ પહાડી રસ્તા પરથી નીચે પડી હતી. તે મારી કારની ઠીક આગળ હતા.
અમે તેમને સલામત રીતે કારમાંથી બહાર કાઢ્યા. વીડિયોમાં ભારતીય ફાસ્ટ બોલર અને તેના સાથી દુર્ઘટનાગ્રસ્ત કારની પાસે ઉભા જોવા મળે છે. ભારતના ODI વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી એક હિરો સાબિત થયો. પરંતુ કમનસીબે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી ઝડપી બોલર શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે લીગ તબક્કાની પ્રથમ 4 મેચોમાં તે ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજા બાદ આ 33 વર્ષીય ફાસ્ટ બોલરને રમવાની તક મળી અને તેણે 7 મેચમાં 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી. શમીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લીધી હતી.
જે વિશ્વ કપમાં અત્યાર સુધીનું ભારતીય ખેલાડીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમવામાં વ્યસ્ત છે. સૂર્યકુમાર યાદવ આ T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શમી સહિતના વરિષ્ઠ ખેલાડીઓને આ સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
View this post on Instagram