આખરે શા કારણે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં રિટેઈન થયા પછી ફક્ત 2 કલાકમાં જ મુંબઈ ઇન્ડિયન્સમાં થઇ ગયો સામેલ ? જાણો સમગ્ર મામલો
Hardik Pandya traded to Mumbai Indians : ક્રિકેટપ્રેમીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે અને હાલમાં જ વર્લ્ડકપમમાં પણ ક્રિકેટ પ્રેમીઓનો એ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હવે ક્રિકેટપ્રેમીઓની નજર વિશ્વની સૌથી મોટી પ્રીમિયર લીગ આઇપીએલ પર ટકેલી છે. ત્યારે IPL માટે હવે ખેલાડીઓની પસંદગીની શરૂઆત પણ થઇ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે જ ગઈકાલે કંઈક એવું થયું જે આઇપીએલના ઇતિહાસમાં કયારેય નથી બન્યું. આ ઘટનાને લઈને આખો દેશ હેરાન રહી ગયો અને ઠેર ઠેર એ મુદ્દાની જ ચર્ચાઓ ચાલી રહી છે.
10 ફ્રેન્ચાઇઝીએ લિસ્ટ જાહેર કર્યા :
IPL 2024 ની હરાજી પહેલા, તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ રવિવાર 26 નવેમ્બરના રોજ તેમના જાળવી રાખેલા અને છોડેલા ખેલાડીઓની સૂચિ સબમિટ કરવાની જરૂર હતી. IPL 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. ઘણી ફ્રેન્ચાઈઝીઓએ ચોંકાવનારા નિર્ણયો લઈને મોટા ખેલાડીઓને રસ્તો બતાવ્યો છે, જ્યારે ખેલાડીઓને જાળવી રાખવા અને છોડવાની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
2 કલાકમાં જ આવ્યા મોટા સમાચાર :
રવિવારના રોજ સાંજે પાંચ વાગે ‘રિટેન્શન વિન્ડો’ બંધ કરવામાં આવી, ત્યારે ગુજરાત ટાઇટન્સે પોતાના કપ્તાન હાર્દિક પંડ્યાને રિટેઈન કર્યો હતો. પરંતુ લગભગ 2 કલાક પછી સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ટ્રાન્સફર વિન્ડો અંતર્ગત IPLના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેડ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની ટીમ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને હવે તે તેની જૂની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પાછો ફર્યો છે.
હાર્દિક થયો મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ :
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ મુજબ IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, ગુજરાત ટાઇટન્સને બદલામાં એક ખેલાડી આપવામાં આવ્યો નથી. જ્યારે ફ્રેન્ચાઇઝીઓ વેપાર સોદા કરે છે, ત્યારે ખેલાડીઓની અદલાબદલી થાય છે. હાર્દિક પંડ્યા 2022 માં ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટન તરીકે જોડાયો હતો અને પ્રથમ સિઝનમાં જ ટીમને ટાઇટલ તરફ દોરી ગયો હતો. તેના નેતૃત્વમાં ટીમ IPL 2023ની ફાઇનલમાં પણ પહોંચી હતી, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.
મુંબઈ ઇન્ડિયન્સે કર્યું ભવિષ્યનું આયોજન :
રિટેન્શનના છેલ્લા દિવસ પહેલા, એવી અટકળો હતી કે પંડ્યા ટાઇટન્સ સાથેના તેના બે વર્ષના જોડાણને સમાપ્ત કરી શકે છે અને IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જોડાઈ શકે છે. મુંબઈની ટીમે IPL 2024 માટે રોહિત શર્માને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. જો કે, રોહિત શર્માની કારકિર્દીને જોતા, ફ્રેન્ચાઇઝી ભવિષ્ય તરફ જોઈ રહી છે અને હવે આ વેપારની પુષ્ટિ થયા પછી, ભવિષ્યમાં હાર્દિક પંડ્યા મુંબઈની કમાન સંભાળશે તે નક્કી કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાની એક સિઝનની ફી રૂ. 15 કરોડ છે, પરંતુ મુંબઈ અને ગુજરાતની ફ્રેન્ચાઈઝી વચ્ચેની ડીલની રકમ અંગે કોઈ આંકડા બહાર આવ્યા નથી.