હાર્દિક પંડ્યાના મુંબઈમાં સામેલ થયા બાદ હવે શુભમન ગિલ સંભળાશે ગુજરાત ટાઇટન્સની કમાન, ફ્રેન્ચાઇઝીએ કરી સત્તાવાર જાહેરાત, જુઓ શું કહ્યું

ગુજરાત ટાઇટન્સ સાથે હાર્દિક પંડ્યાના છેડો ફાડ્યા બાદ હવે ફ્રેન્ચાઇઝીએ સોંપી  શુભમન ગિલને ટીમની કમાન, ગીલે વ્યક્ત કરી ખુશી, જુઓ શું કહ્યું ?

ક્રિકેટ વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર આગામીઓ વર્ષે યોજાનારી વિશ્વની સૌથી મોટી પ્રીમિયર લીગ આઇપીએલ પર મંડાયેલી છે. ત્યારે ગઈકાલે આઇપીએલ ટીમોમાં મોટા ફેરબદલ પણ જોવા મળ્યા. સતત 2 વર્ષથી ગુજરાતની કપ્તાની કરતા અને વર્ષ 2022માં ગુજરાતને આઇપીએલનો ખિતાબ અપાનવાર અને 2023માં ફાઇનલ સુધી લઇ જનાર હાર્દિક પંડ્યાએ ગુજરાત સાથેનો છેડો ફાડી અને મુંબઈમાં જોડાણ કરતા જ ચર્ચાનો માહોલ ગરમ થયો છે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ :

આ બધા વચ્ચે ગુજરાત ટાઇટન્સ દ્વારા ટીમના સત્તાવાર કપ્તાનની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમના કપ્તાન તરીકે શુભમન ગિલનું નામ જાહેર કર્યું છે. ફ્રેન્ચાઇઝી દ્વારા આજે એટલે કે 27 નવેમ્બરના રોજ આની જાહેરાત કરવામાં આવી હતી. શુભમન ગિલને હાર્દિક પંડ્યાના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 26 નવેમ્બરના રોજ ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો.

શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કપ્તાન :

શુભમન ગિલ વર્ષ 2022માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. તેમની કેપ્ટન તરીકેની નિમણૂક અંગે માહિતી આપતાં ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “શુબમન ગિલ છેલ્લા બે વર્ષમાં તેની રમતને એક અલગ સ્તર પર લઈ ગયો છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. તેમણે ગુજરાત ટાઇટન્સને એક મહાન ટીમ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગિલે 2022ની સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે 2023ની સિઝનમાં તેણે ઘણી સારી બેટિંગ કરી હતી. તેની પરિપક્વતા અને કુશળતા હવે જાણીતી છે અને અમે શુભમન જેવા યુવા ખેલાડીના નેતૃત્વમાં નવી સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”

ગીલે વ્યક્ત કરી ખુશી :

શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. તેને કહ્યું  “ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળીને હું ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું. આવી શ્રેષ્ઠ ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. અમારી બંને સિઝન શાનદાર રહી છે અને હું આ ટીમનું નેતૃત્વ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું.”  વાસ્તવમાં, ભારે હોબાળો બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો.

GTના ડાયરેક્ટરે આપી ટ્રેડ ડીલની માહિતી :

હાર્દિકના ટ્રેડ ડીલ વિશે માહિતી આપતા ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝી માટે બે શ્રેષ્ઠ સિઝન આપી હતી. હાર્દિકના નેતૃત્વમાં ટીમે એક વખત IPL ટ્રોફી જીતી અને એક વખત ફાઇનલમાં જગ્યા બનાવી. જોકે હવે તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”

Niraj Patel