કૌશલ બારડ લેખકની કલમે

કેશુભાઈ! મારો રમેશ કુરબાન થયો તો હવે મારા ભરતને પણ ફોજમાં મોકલો! જામનગરની આહિરાણીની વાત સાંભળીને ગુજરાતના મુખ્યમંત્રી પણ વંદન કરી પડ્યા!

જનની જણ તો ભક્ત જણ, કાં દાંતા કા શૂર;
નહી તો રહેજે વાંઝણી, તારું મત ગુમાવીશ નૂર!

લોકસાહિત્યનો ઘણો પ્રખ્યાત આ દુહો આપણે ઘણીવાર સાંભળ્યો છે. જ્યારે દેશ-દુનિયામાં કંઈક એવા વીરતાના, દાતારીના કે ભક્તિના દાખલા બને છે અથવા તો બની ગયેલા યાદ આવે છે ત્યારે અંદરથી આ દુહો પણ એની મેળે રટાય જાય છે. ‘જનની જણ તો ભક્ત જણ…’ દુનિયામાં હંમેશ માટે તો ભક્તિ-દાતારી અને શૂરવીરતા જ અમર રહે છે.

એ વખતની વાત છે જ્યારે મે-જુલાઇ, ૧૯૯૯નું કારગિલ યુધ્ધ ચાલી રહ્યું હતું. ભારત પર પાકિસ્તાને કરેલી ગુપ્ત આક્રમણખોરીનો વળતો જવાબ જડબાતોડ રીતે ભારતે આપેલો. જો કે, ‘૯૯ના આ યુધ્ધમાં ભારતે પારાવાર ખુવારી વેઠવી પડેલી, જેનું એક કારણ પાકિસ્તાનની ચૂપકીદી અને ભારતની થોડી ઘણી કહી શકાય એવી ગાફેલિયત પણ રહી.

બાય ધ વે, યુધ્ધ તો ભારત જીતી ગયું અને લાગલગાટ ચોથી વાર પાકિસ્તાનને ધોબીપછાડ મળી. યુધ્ધમાં જામનગરના ભાણવડના પાસેના નાનકડા ખોબા જેવાં મેવાસા ગામનો જવાન દુશ્મનની ગોળીઓમે સામી છાતીએ ઝીલતાં શહીદ થયો, નામ હતું – રમેશ જોગલ. મૂળે મેવાસાના આહિર કુટુંબનો નવલોહીયો, તરવરીયો જુવાન. માતૃભૂમિને કાજે રણમાં દેહ પાડનાર રમેશ જોગલની વાતો તો આજે પણ મેવાસાના પ્રત્યેક માણસના મોંઢે અઢી ખાંડીનું ગૌરવ અપાવે છે. મેવાસાવાસીઓ આજે પણ રમેશ જોગલને આદર્શ માને છે.

કેશુભાઈ, મારે કંઈ ના ખપે! –

જ્યારે તિરંગામાં વીંટળાઈને રમેશ જોગલનો દેહ મેવાસાના પાદરમાં આવ્યો તે વખતે ગામમાં કીડીને જગા ન મળે એટલું માણસ ઉભરાયું. કલેક્ટરો આવ્યા, અધિકારીઓ આવ્યા, સાંસદો આવ્યા, ધારાસભ્યો આવ્યા અને આજુબાજુના ગામના પણ લોકો ટોંળે વળ્યાં. એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ આ નરબંકાની સ્મશાનયાત્રામાં હાજરી આપી. એક બાજુ કરૂણતા અને બીજી બાજુ ફાટફાટ થતા દેશપ્રેમનું ગૌરવ! આ ફોજીઓ મરીને પણ કેટલો ઠાઠ મેળવે છે! પણ એ બલિદાન આપે છે – માતૃભૂમિ માટે, નહી કે આવા કોઈ ગૌરવની લેશમાત્ર આશા માટે!

સ્મશાનયાત્રા સ્મશાને પહોંચી અને મા ભારતી લાડકાને અગ્નિદાહ અપાયો. દેહ પંચ મહાભૂતમાં વિલીન બન્યો, કિર્તી ચોતરફ રેલાણી અને જોરાવર થડ રોપી ખોડાઈ ગઈ. એના થડની જાડાઇ આગળ રેવાકાંઠાના કબીરવડના મૂળિયાં વામણા લાગ્યાં. મુખ્યમંત્રી કેશુભાઈ સ્મશાનયાત્રામાંથી એ આહિર સપુતના ખોરડે આવ્યા. રમેશ જોગલની માતાને પ્રણામીને તેને ચેક અર્પણ કર્યો. આવા પુત્રને જન્મ આપવા માટે આહિરાણીને અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યાં અને કહ્યું કે,

‘માજી! તમારા એક પુત્રએ તો સદાકાળ માટે ભારતભૂમિની કિર્તીના ઝંડા ઉઁચા કરી દીધા છે. મેં સાંભળ્યું છે કે, તમારો બીજા પુત્ર ભરતભાઈ પણ ગ્રેજ્યુએટ છે. ગુજરાત સરકાર તમારું દેવું તો કદાપિ ચુકવી શકે તેમ નથી છતાં હવે તમે કહો એ ખાતામાં તમારા દિકરા ભરતને અમે નોકરી અપાવીએ. બોલો માજી! કઈ નોકરી જોઈએ છે તમારા ભરતને?’

આજે દેશ અમર છે તો આવી માતાઓના બલિદાનને લીધે! આજે પૃથ્વીના એક-એક અક્ષાંશ અને પ્રત્યેક રેખાંશ પર આર્યાવર્તની કીર્તિની વાતો થાય છે, નોઁધ લેવાય છે તો આવી જનનીઓના જણ્યાંઓને લીધે! એ વખતે ગુજરાતના મુખ્યમંત્રીને એ આહિરાણીએ શું કહ્યું હતું ખબર? એ હાલારની આર્યરમણી બોલી હતી કે,

‘કેશુભાઈ! મારે મારા ભરતને કોઈ સરકારી નોકરી નથી અપાવવી. એ માટે મારા રમેશનું બલિદાન નથી આપ્યું. હવે તો એક જ કૃપા કરો કે, મારો રમેશ જે પોસ્ટ પર હતો એ જ પોસ્ટ પર ફોજમાં મારા ભરતને પણ મૂકો..! દુશ્મનની છાતીમાં હવે મારો ભરત ગોળીઓ ધરબશે તે દિ’ જ મારા જીવને શાંતિ મળશે..!!’

વાહ આહિરાણી! વાહ સોરઠીયાણી! વાહ ગુજરાતણ! ધન્ય છે આર્યરમણી! મા, તારા સમર્પણને લીધે જ આજે ભારત અમર છે. દેશ અધિકારીઓ નથી ચલાવતા, નેતાઓ નથી ચલાવતા; એ તો મા તારા આશિર્વાદથી જ ચાલે છે..તારા સમર્પણથી જ ચાલે છે અને તારી કૂખે પાકનારા આવા વિરલાઓથી જ રક્ષાય છે..!!

લેખક: કૌશલ બારડ 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.