દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“સારું છે કે તમે મારા મમ્મી નથી…” – સાસુ વહુના પ્રેમની વાત, આ વાત વાંચીને તમને એટલું તો જરૂર સમજાઈ જશે કે જો તમે કોઈને થોડો પણ પ્રેમ આપશો તો એ ડબલ મળશે !!!

“શ્રીમંતાઇ સંસ્કારની, છુપી ન છુપાય.
સુગંધએની ચોતરફ, જરૂરથી ફેલાય…”
-અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

જશોદાબેન, એમની દેરાણી શારદાબેન અને નણંદ સુજાતાબેન સાથે સેવંતીલાલ ના બંગલે એમના દીકરા મહર્ષિ માટે કન્યા જોવા ગયેલા. પોતાના ભાવિ વેવાઈનો બંગલો જોઈ ત્રણે અંદરો અંદર વાતો કરતા હતા. વાતોમાં સુજાતાબેને તરત કહ્યું કે…
“મારો ભત્રીજો મહર્ષિ ખરેખર ખૂબ નસીબદાર છે કે આટલા મોટા ઘરે એનો સંબંધ થવા જઈ રહ્યો છે…”પોતાના ભાભી જશોદાબેન સામે જોઈ એમ પણ બોલ્યા કે…

“ભાભી, તમે અને મારા ભાઈએ કરેલા સારા કર્મોનું જ કદાચ આ ફળ છે કે તમને મહર્ષિ જેવો આજ્ઞાંકિત દીકરો મળ્યો અને હવે એનું સગપણ આવા મોટા અને સંસ્કારી કુટુંબમાં થવા જઈ રહ્યું છે…”

નણંદ સુજાતાની વાતને વચ્ચેથીજ કાપતા જશોદાબેનના દેરાણી ધીમેથી બોલ્યા કે…

“સુજાતાબેન આમ અથરા ન થાઓ. મહર્ષિનું સગપણ હજી થઈ નથી ગયું. હજી આપણે તો છોકરી જોવાજ આવ્યા છીએ. અને તમને તો ખબરજ છે આજના જમાનાના જુવાન છોકરા છોકરીઓનો સ્વભાવ. અને એમાં પણ ખાસ અમીર ઘરની છોકરીઓની તો વાત જ જવાદો. પોતાના બાપના ઘરમાં જે સાહ્યબી થી એ જીવી હોય બસ એજ રીતે સાસરે પણ જીવતી હોય છે અને બાપના ઘરે નોકરો પર જેમ હુકમ ચલાવે એમ સાસરે આવી સાસુ સસરા પર હુકમ ચલાવતા પણ સહેજે વિચાર કરતી નથી. એટલે પહેલા આપણે બધું જોવું પડે, છોકરીનો સ્વભાવ જોવો પડે અને પછીજ સગપણ નક્કી કરાય. એમ ઉતાવળ કરીએ તો પાછળથી પસ્તાવાનો વારો આવે…”
પોતાની ભોજાઈની આટલી લાંબી શીખ સાંભળી સુજાતા અને મહર્ષિ ની મમ્મી જશોદાબેન બંનેને શારદાબેન ની વાત વ્યાજબી લાગી. કારણ એ પણ જાણતા હતા કે એમની જ સોસાયટી માં એક બે વહું ઓ કેવી આવી ગઈ છે…

સેવંતીલાલ ના બંગલાના દિવાનખંડ માં મહર્ષિ ના ભાવિ જીવન વિશે વાત કરવા સેવંતીલાલ એમની પત્ની કુસુમબેન અને સામે મહર્ષિ ના કુટુંબીજનોમાં એની મમ્મી, કાકી અને ફોઈ એકઠા થયા હતા. ઘરે આવેલા મહેમાનોનું પોતાની ઊંચી હેસિયત મુજબ ચા પાણી નાસ્તો આપી યોગ્ય સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ સેવંતીલાલે જ ઔપચારિક વાતની શરૂઆત કરતા જણાવ્યું કે…

“જુઓ, જશોદાબેન હું તમારા પરિવારથી ભલીભાતિ પરિચિત છું. તમારા કુટુંબના સંસ્કાર અને માણસાઈ મારાથી છુપા નથી. હું તમારા દિકરા મહર્ષિ ને પણ ખૂબ સારી રીતે ઓળખું છું. અમારા તરફથી તમે હા જ સમજો…”

પતિની વાતમાં સુર પુરાવતા સેવંતીલાલ ના પત્ની કુસુમબેન પણ બોલ્યા કે…
“હા, જશોદાબેન અમે તો અમારી જાતને ભાગ્યશાળી સમજી સુ જો તમે મારી દીકરી માનસી ને તમારા ઘરની વહુના રૂપમાં સ્વીકારશો…”
“ના ના એવું ન હોય કુસુમબેન આપણે તો પ્રયત્ન કરી જોઈએ પછી આગળ મહર્ષિ અને માનસી ના જેવા લેખ…” ભાવિ વેવણના હાથમાં હાથ મૂકી આશ્વાસન આપતા જશોદાબેન બોલ્યા.

મહર્ષિ ના ભાવિ સાસુ સસરાની આટલી વાત સાંભળી મહર્ષિ ના કાકી શારદાબેન ને મનોમન એટલી તો ખબર પડી જ ગઈ કે સેવંતીલાલ નું કુટુંબ લાગે છે તો માણસાઈ વાળું. મહેમાન અને યજમાન વચ્ચે બીજી ઘણી બધી વાતો થઈ. લગભગ બંને પક્ષે સંબંધની વાત પાકી થઈ જ ગઈ હવે છોકરો છોકરી એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો એમની સગાઈની વાત પાકે પાયે થઈ જાય. વાતચીત ચાલતી હતી ત્યાંજ ઘરની ડોરબેલ વાગી. અને બારણું ખોલતા ઘરમાં આવેલ મહેમાનોની નજર પડી એ યુવાન છોકરી તરફ કે જેનું રૂપ જાણે સૌને મોહિત કરી લે એવું હતું. કાળા જીન્સ પેન્ટ પર સફેદ ટી શર્ટ માં સુડોળ કાયાથી શોભતી માનસી કોઈ અપ્સરાથી કમ લાગતી ન હતી. એના ખુલ્લા વાળ એની સુંદરતામાં એક ઓર આયામ જોડી દેતા હતા.
માનસી ને ઘરમાં આવેલી જોઈ પિતા સેવંતીલાલે એનો પરિચય મહેમાનો સાથે કરાવ્યો. અને માનસીએ પણ તરત પધારેલ મહેમાનો ને બે હાથ જોડી પ્રણામ કર્યા. પોતાનું સગપણ જોવા મહેમાનો આવવાના છે એ વાત પહેલેથીજ માનસી ને ખબર હતી એટલે એને અંદાજ લગાવીજ લીધો કે આ એજ મહેમાન હશે. પોતાના માતાપિતા પર ખૂબ વિશ્વાસ ધરાવનાર મોર્ડન પણ આજ્ઞાકિત માનસીએ પણ પોતાના માટે સાસરું શોધવાનું કામ પોતાના પિતા પર જ છોડ્યું હતું.
મોટાઓની વાતમાં ડિસ્ટર્બ ન કરવાનું વિચારી મહેમાનોને પ્રણામ કરી માનસી તરત પોતાના રૂમ તરફ સડસડાટ ચાલતી થઈ.

જશોદાબેન એમના દેરાણી અને નણંદ ના મનમાં થોડીવાર પહેલા જે કુટુંબ પ્રત્યે અનહદ વિશ્વાસ અને શ્રદ્ધા ઉભરાઈ આવી હતી એ ઉભરો માનસી ના પહેરવેશ અને એની આધુનિકતા જોઈ જાણે નીચે બેસવા લાગ્યો. વળતા ઘેર આવતા રસ્તામાં જશોદાબેન ને પણ મનમાં એકજ પ્રશ્ન સતાવ્યા કરતો હતો કે…

“માનસી આટલી આધુનિક છે તો શું એ અમારા પરિવારમાં ફિટ બેસશે…? શુ માનસી વહુ બની અમારા ઘરમાં આવશે તો કોઈ અનર્થ તો નહીં સર્જાય ને…???”

આવા પ્રશ્નોનો સામનો કરતા કરતા બધું ઈશ્વર પર છોડી એ ઘરે પહોંચ્યા અને મહર્ષિ તેમજ એના પિતાજીને બધી વાત જણાવી.

લગભગ પાંચેક દિવસ પછી જશોદાબેન અને મહર્ષિ ના પપ્પા વિનોદચંદ્ર પણ સેવંતીલાલ ના ઘેર જઇ આવ્યા. વિનોદચંદ્ર ને પણ કુટુંબ ખાનદાની અને સંસ્કારી લાગ્યું. ત્યારબાદ મહર્ષિ અને માનસી પણ એકબીજાને મળ્યા. એકબીજાને પસંદ કર્યા અને બંનેનું સગપણ અને લગ્ન બંને સાથેજ કરી નાખવાનું બંને વેવાઈઓએ નક્કી કર્યું. ગોળધાણા ખવાઈ ગયા અને સુકનનો રૂપિયો પણ અપાઈ ગયો.

મહર્ષિ ના કાકી શારદાબેન એમના પતિને કહી રહ્યા હતા કે…

“મને લાગે છે છોકરાના સગપણમાં મોટા ભાઈ અને ભાભીએ ઉતાવળ કરી નાખી છે. માનસી ને જોઈ મને નથી લાગતું કે એ મોટાભાઈના પરિવારમાં સેટ થઈ શકે. એ રહી ખૂબ અમીર બાપની એકની એક છોકરી અને એમાંય એના વિચારો મને તો ખૂબ આધુનિક લાગે છે… ભગવાન બધું સમુ સુતરું પાર ઉતારે તો સારું…”
પત્નીની વાતમાં મોટાભાઈ ના પરિવાર વિશે ચિંતા હતી કે પછી ઈર્ષા એ મહર્ષિ ના કાકા સમજી ન શક્યા…
વાત પાકી થયા પછી લગભગ વીસેક દિવસ પછી મહર્ષિ અને માનસી સગાઈ અને લગ્ન બંને નું મુહુર્ત નીકળ્યું હતું. આ દરમિયાન મહર્ષિ ને પણ બેન્ક મેનેજરની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું હતું અને એમાં ખૂબ સારા રેન્ક સાથે એ પાસ થઈ ગયો હતો એટલે લગભગ એની નોકરી પાકી જ હતી. મહર્ષિ ની સફળતા માટે ચોક્કસ એની મહેનત જ કારણભૂત હતી પણ એની મમ્મીને તો એમજ લાગતું હતું કે મારી આવનારી વહુ ખૂબ નસીબદાર છે કે સંબંધની વાત નક્કી થઈ અને તરત પોતાના દીકરા ને પરીક્ષામાં અને નોકરી માટે સફલતા મળી.

માનસી અને મહર્ષિ ના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. સેવંતીલાલે દિકરી ને કરીયાવરમાં બધાની આંખો પહોળી થઇ જાય એટલી વસ્તુઓ, ઘરેણાં અને રૂપિયા આપ્યા. સાથે સાથે સાસરિયામાં પોતાના માતાપિતા નું નામ અજવાળવાની પણ શીખ આપી. તો વળી મમ્મીએ કહ્યું…

“બેટા, આજ દિવસ સુધી તું પિયરમાં હતી. અહીં પુરી આઝાદી સાથે રોકટોક વિના ખૂબ લાડકોડથી ઉછરી. હવે સાસરું એજ તારું સાચું ઘર છે. તારા સાસરાને અનુકૂળ થઈ ને રહેજે…”
માતાપિતાના સંસ્કાર અને શીખ નો દાયજો લઈ માનસી સાસરે વહુ બનીને આવી ગઈ.

વહુ બનીને આવી અને પ્રથમ દિવસથી જ જાણે એ વહુના રૂપમાં પૂરેપૂરી આરોપિત થઈ ગઈ. પોતાના સાસરના ઘરમાં એ સાસુ સસરા અને પતિ બધાને અનુકૂળ થઈ રહેવા લાગી. પોતાના માતાપિતા ની શીખ ને હર હમેશ યાદ રાખી એ ચાલવા લાગી. પોતાના પિયરની સમૃદ્ધિ ને પોતાના પર અભિમાનના રૂપે એને કદી હાવી થવા દીધી નહિ. એ સંપૂર્ણ પણે સાસરિયામાં ફિટ થઈ ગઈ. પોતાના સાસુ સસરા ને સદા માતા પિતાના રૂપમાં જોતી. પુરા મનથી એમની દરેક વાત માનતી. ઘરમાં રસોઈ બનાવી સૌને ખૂબ પ્રેમથી જમાડતી. આમ આખા પરિવારમાં સૌને પ્રિય થઈ ગઈ. નવરાશ ના સમયે સાસુ જશોદાબેન સાથે બેસવું વાતો કરવી હસી મજાક કરવી આમ સાસુ સાથે માનસી એવી હળીમળી ગઈ કે અજાણ્યાને તો એમજ લાગે કે માનસી એમની વહુ નહિ પણ દીકરી છે.

માનસી નું આ માયાળુ પણું, સાસરિયાનેજ સર્વસ્વ ગણી લેવાની એની શુભ વૃત્તિ અને સૌની સાથે પ્રેમથી રહેવાની એની રીત જોઈ ભૂતકાળમાં જશોદાબેને માનસી માટે સેવેલી આશંકાનું પણ નિવારણ થઈ ગયું હતું. માનસી તરફથી પોતાને મળતું આટલું બધું માન અને પ્રેમ સામે જશોદાબેન પણ પોતાની વ્હાલી વહુ ને એનાથી પણ બેગણું વ્હાલ અને મમતા જેમ કોઈ દિકરી ને આપે એમ આપતા. મહર્ષિ ના પરિવાર માં સાસુ અને વહું વચ્ચે નો આ પ્રેમ પરિવારમાં જાણે સુખનો , આનંદનો સાગર લઈને આવ્યો હતો. સાસુ વહુ વચ્ચેના શિથિલ થતા જતા સંબંધોમાં જશોદાબેન અને માનસી નો સાસુ વહુનો સંબંધ એક ઉદાહરણીય હતો.
જશોદાબેનની નણંદ સુજાતા , એમની દેરાણી શારદાબેન , માનસી અને સોસાયટીની કેટલીક સ્ત્રીઓ જશોદાબેનના ઘેર બપોરના સમયે એકઠી થઈ હતી. જાત જાતની વાતો થઈ રહી હતી. જશોદાબેન પોતાની વ્હાલી વહુ માનસી ના વખાણ એ બધા સામે કરતા થાકતા ન હતા. પોતાના વખાણ સાંભળી પોતાની સાસુ જશોદાબેન ના ખોળામાં એક દીકરીની માફક માથું મૂકી માનસી એ જે કહ્યું એ ખરેખર એ કહેવા માટે પર્યાપ્ત છે કે સાસુ અને વહું વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ…

ખૂબ વ્હાલથી પોતાના સાસુને ભેટી માનસી એટલુંજ બોલી કે…
“સારું થયું તમે મારા મમ્મી નથી… ”
“જો મમ્મી હોત તો તમને છોડી મારે સાસરે જવું પડોત અને જીવનભર તમારા વ્હાલથી હું વંચિત રહી જાત…”
ત્યાં હાજર બધા સાસુ વહુના આ પવિત્ર મિલનને જોઇજ રહ્યા… ઘરમાં જાણે માનસી ના એ શબ્દો ગુંજતા રહ્યા કે…
“સારું થયું તમે મારા મમ્મી નથી…”

POINT : પ્રેમ અને સ્નેહ કુદરતની બનાવેલી એવી જાદુઈ ચીજ છે કે તમે સામે વાળાને જેટલી આપો એનાથી ડબલ તમને સામે મળે છે. ખરેખર જ્યાં પ્રેમ હોય
છે ત્યાં સમસ્યા હોતી જ નથી. માટે પ્રેમ આપતા જઈએ અને મેળવતા જઈએ…

Author: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks