જેના ગીતો અને ટ્રેલરે સોશિયલ મીડિયામાં ભરતી લાવી દીધી છે એવી “સમંદર” ફિલ્મ જોવાના 5 કારણો
Samandar Movie Review : છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોનો યુગ બદલાયો છે, હવે સિનેમાઘરોમાં એકથી એક ચડિયાતી ફિલ્મો પણ આવી રહી છે અને દર્શકો પણ મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં ફિલ્મો જોવા માટે જઈ પણ રહ્યા છે. ત્યારે ગત શુક્રવારના રોજ મોટા પડદા પર “સમંદર” ફિલ્મ રિલીઝ થઇ. આ ફિલ્મ રિલીઝ થતા પહેલાથી જ ચર્ચામાં હતી. ફિલ્મના ગીતો અને ટ્રેલરે સોશિયલ મીડિયામાં રમખાણ મચાવ્યું હતું. ત્યારે હવે જયારે સિંમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે, ત્યારે આ ફિલ્મ જોવાના મુખ્ય પાંચ કારણો અમે તમને જણાવીશું.
1. ફિલ્મની વાર્તા :
સમંદર ફિલ્મમાં બે મિત્રો ઉદય અને સમલાનની વાર્તા છે. બાળપણના પાકા ભેરુ, સમંદર કાંઠે ઉછર્યા અને સમંદરના માર્ગે જ ગેંગસ્ટર બનીને કામ ચાલુ કર્યું તો અંત પણ સમંદર કાંઠે જ આવ્યો. દોસ્તી, રાજકારણ, ધર્મની લડાઇથી માંડીને કઇ રીતે સત્તાધિશો પોતાના સ્વાર્થ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે તેની આસપાસ આ વાર્તા વણાયેલી છે.
2. અભિનય :
‘સમંદર’માં પરફોર્મન્સની વાત જરા માંડીને કરવી પડે કારણકે દરેક કલાકારે બહુ અદ્ભુત કામ કર્યું છે. ઉદયના પાત્રમાં મયુર ચૌહાણનો અભિનય વખાણવા લાયક છે. ગામડાંની એ તળપદી ભાષા હોય કે વટમાં એ સ્ટાઇલ હોય મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ ઉદયના પાત્રને ન્યાય આપે છે. સલમાનના પાત્રમાં જગજીતસિંહ વાઢેરનો વટ ખરેખર જોવા જેવો છે. ઉમદા અભિનય પાત્રને પુરો ન્યાય આપે છે. તો ચેતન ધાનાણી પણ લાઇમ લાઈટ લૂંટી લે છે.
3. સંગીત :
ફિલ્મનું સંગીત તમને બૉલીવુડના KGFની યાદ ચોક્કસ અપાવી જશે. ફિલ્મમાં સંગીત કેદાર ભાર્ગવનું છે. ફિલ્મમાં ચાર-પાંચ ગીતો છે અને બધા જ જીભે ચડી જાય તેવા છે. ‘માર હલેસા’ કવિરાજ આદિત્ય ગઢવી અને નક્ષ અઝિઝે ગાયું છે. તો રૅપ સોન્ગ જેવી ફીલિંગ આપતું ગીત ‘સાવજના ઠેકાણા’ ભાર્ગવ પુરોહિતે ગાયું છે. વ્રતિની પુરોહિત અને મયુર ચૌહાણે ગાયેલું આઈટમ સૉન્ગ ‘દિલના દરિયામાં’ પણ મજેદાર છે. શોસ્ટોપર ગીત એટલે ‘તું મારો દરિયો’, આ ગીત દ્વારા બી પ્રાકે ઢોલીવૂડમાં ડેબ્યૂ કર્યો છે.
4. ડાયરેક્શન, સ્ક્રીપ્ટ અને ડાયલોગ :
આ ફિલ્મનું ડાયરેક્શન તેની સ્ક્રીપ્ટ અને ડાયલોગ વિશાલ વાળાએ લખ્યા છે, ફિલ્મનું દિગ્દર્શન અફલાતુન છે, એકદમ દરિયામાં આવેલી ભરતી જેવું. ડાયલૉગ્ઝ પણ ડાયલૉગ બાજીમાં ચકાચક જામે એવા અને એમાં બોલી જે રીતે સચવાઇ છે એ માટે લેખકને દાદ દેવી પડે.
5. બોલીવુડની ફિલ્મો જેવી અનુભૂતિ :
સમંદર ફિલ્મ જોતા તમને બોલીવુંડીની કોઈ ફિલ્મ જોતા હોય તેવી અનુભૂતિ તો ચોક્કસ થવાની છે. આ ફિલ્મ જોતા જોતા તમે બોલીવુડની ગુન્ડે, વન્સ અપન ટાઈમ્સ ઈન મુંબઈ જેવી ફિલ્મોની કહાની યાદ આવી જશે. સાથે જ દરિયા કિનારા જે દૃશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે તે પણ કાબિલે તારીફ છે.