દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીએ ગુજરાતના જામનગરમાં લીધા અંતિમ શ્વાસ, અજય જાડેજા સહિત ઘણાએ આપી ભાવભીની વિદાય

ભારતીય ક્રિકેટ જગત માટે રવિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા. પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થઇ ગયું. તે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સલીમ દુર્રાનીએ ગુજરાતના જામનગરમાં અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલીમ દુર્રાનીના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. અર્જુન એવોર્ડ મેળવનાર તે પ્રથમ ક્રિકેટર હતા અને તેમને આ સન્માન 1960માં મળ્યું હતું. દિગ્ગજ ક્રિકેટરને શહેરના ક્રિકેટર્સએ અભુતપુર્વ માન સાથે વિદાય આપી હતી.

શનિવારે મોડી રાત્રે 3 વાગ્યા પછી રોજાની તૈયારી માટે ઉઠેલા પરિવારજનોને સલીમ બેહોંશ જણાતા તેમણે ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, આ સમાચાર સામે આવતા જ પુર્વ રણજી પ્લેયરો ચંદ્રશેખર બક્ષી, વામનભાઈ જાની સિનિયર ક્રિકેટર્સ નરેન્દ્ર રાયઠઠ્ઠા, જયપાલસિંહ જાડેજા, વિનુભાઈ ધ્રુવ સહિત અનેક તેમના નિવાસસ્થાન ગરીબનવાઝ સોસાયટી ખાતે પહોંચ્યા હતા. સાંજે ક્રિકેટરની દફન વિધિ નાગેશ્વર રોડ પર આવેલ ઢોલીયા પીર કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી.

જો કે, આ પહેલા સિનિયર અને યુવા ક્રિકેટર્સ તેમજ અગ્રણીઓએ બંન્ને બાજુ ઉભા રહીને તેમને માનભેર વિદાય આપી હતી. ભારતીય પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ સલીમ દુર્રાનીની અંતિમ યાત્રામાં જોડાયા હતા. તેઓ આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ દિલ્હીથી ફ્લાઇટમાં રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા અને પછી તેઓ બાય રોડ જામનગર પહોંચ્યા હતા. સલીમ દુર્રાનીએ ભારત માટે 29 ટેસ્ટ રમી હતી, જેમાં તેમણે એક સદી અને સાત અડધી સદીની મદદથી 1202 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે 75 વિકેટ પણ લીધી હતી.

સલીમ દુર્રાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. જો કે, જ્યારે તે માત્ર આઠ વર્ષના હતા ત્યારે પરિવાર પાકિસ્તાનના કરાચીમાં રહેવા ગયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પરિવાર ભારતમાં સ્થળાંતર કરી ગયો અને તેમનો ધીમે ધીમે ક્રિકેટમાં રસ વધતો ગયો. સલીમને 1960-70ના દાયકામાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઓળખ મળી હતી. તેઓ ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાંના એક રહ્યા છે.

એવું કહેવાય છે કે જ્યારે પણ ચાહકો સલીમને મેચમાં સિક્સર મારવા માટે માગ કરતા ત્યારે તે સિક્સ મારતા પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- સલીમ દુર્રાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, પોતાનામાં એક સંસ્થા હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા.

તેમના નિધનથી હું દુખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે. સલીમ દુર્રાનીનું ગુજરાત સાથે ખૂબ જ જૂનું અને મજબૂત જોડાણ હતું અને આ વાતની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું કે તેઓ થોડા વર્ષો સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા અને રાજ્યને પોતાનું ઘર પણ બનાવ્યું. મને તેમની સાથે વાતચીત કરવાની તક મળી અને હું તેમના બહુમુખી વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયો. નિશ્ચિતરૂપથી તેમની કમી ખલશે.

Shah Jina