અકસ્માત બાદ પહેલીવાર સ્ટેડિયમમાં દિલ્હીની મેચ જોવા માટે આવ્યો ઋષભ પંત, જોઈને ચાહકો પણ થઇ ગયા ખુશ ખુશાલ, જુઓ તસવીરો અને વીડિયો

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો ઋષભ પંત આવ્યો ગુજરાત સામેની મેચમાં દિલ્હીને સપોર્ટ કરવા… દર્શકો જોઈને થયા ઉત્સાહિત… જુઓ વીડિયો

દેશમાં જ નહિ દુનિયામાં પણ IPLનો રંગ હાલ છવાયેલો છે. દરેક ટીમ મેદાનમાં પરસેવો પાડી રહી છે અને જીતવા માટેના અથાગ પ્રયાસ પણ કરી રહી છે. ત્યારે આઇપીએલની દરેક મેચમાં સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ પણ જતા હોય છે. ત્યારે ગઈકાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે યોજાયેલી મેચમાં એક એવો નજારો જોવા મળ્યો જેને જોઈને દર્શકો ખુબ જ ખુશ ખુશાલ થઇ ગયા હતા.

દિલ્હી કેપિટલ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની અંદર એક શાનદાર મુકાબલો યોજાયો હતો. જેમાં ગુજરાતની ટીમે દિલ્હીની ટીમને 6 વિકેટે હાર આપી. ત્યારે આ મેચ જોવા માટે ઋષભ પંત પણ આવી પહોંચ્યો હતો. ઋષભને જોઈને દર્શકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઋષભને ગયા વર્ષે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મેચ જોવા માટે આવેલા પંતને કારમાં સ્ટેડિયમ લાવવામાં આવ્યો હતો. તેને બે-ત્રણ લોકોએ ટેકો આપીને કારમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પંત વૉકિંગ સ્ટીકની મદદથી આગળ વધ્યો અને તે સ્ટેન્ડમાં બેસીને મેચ જોતો જોવા મળ્યો હતો.

તે કાળા ચશ્મામાં જોવા મળ્યો હતો. મેચ દરમિયાન તેના ચહેરા પરના સ્મિતે ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેને દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલે ટેકો આપ્યો હતો. આ સિવાય BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ પંતને મળવા પહોંચ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી તેની કારમાં આગ લાગી હતી.

જોકે પંત તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ તેને અનેક સર્જરી કરાવવી પડી હતી. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેને સાજા થવામાં સમય લાગશે. પંત હજુ પણ કેટલાક સપોર્ટની મદદથી ચાલી શકે છે. સર્જરી બાદ પંતે પોતાનો ફોટો શેર કર્યો અને પોતાની રિકવરી વિશે જણાવ્યું. તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તે સ્વિમિંગ પૂલમાં લાકડીની મદદથી ચાલી રહ્યો હતો.

પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. તેની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરને ટીમની કમાન સોંપવામાં આવી છે. પંતના સન્માનના ચિહ્ન તરીકે, દિલ્હીની ટીમ તેની જર્સી તેમના ડગઆઉટમાં રાખે છે. આ જર્સી સમગ્ર મેચ દરમિયાન ડગઆઉટમાં રહે છે. ત્યારે હવે ઋષભને સ્ટેડિયમમાં જોઈને દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત થયા હતા.

Niraj Patel