ખબર

મુંબઈની અંદર ફેલાઈ મફતમાં જમીન મળવાની અફવા, જમીન મેળવવા માટે તૂટી પડ્યા લોકો, જુઓ વીડિયો

અફવાઓને કોઈ સીમાડા નથી હોતા, ખોટી અફવાઓની લાલચમાં લોકો કંઈપણ કરી બેસે છે. આવું જ કંઈક હાલ મુંબઈના વિક્રોલી વિસ્તારમાં જોવા મળ્યું છે, જ્યાં મફતમાં જમીન વહેંચી રહી હોવાની અફવા મળતા જ લોકો જમીન મેળવવા માટે તૂટી પડ્યા હતા.

સોમવારના રોજ મફતમાં જમીન આપવાની અફવા ફેલાતા જ લોકો જમીન પાસે દોડી ગયા હતા અને ટેન્ટ લગાવીને બેસી ગયા હતા. ત્યાં બીએમસી અને મુંબઈ પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા કે આ માત્ર અફવા છે તે છતાં પણ લોકો મંગળવાર સુધી ત્યાં બેઠેલા જ રહ્યા.

અફવા એવી ઉડી હતી કે હજારો એકડ જમીનનો માલિક મૃત્યુ પામ્યો છે અને તેમની દીકરી ગરીબોને જમીન વહેંચી રહી છે. બીજી અફવા એવી પણ હતી કે જે લોકોએ જમીન ઉપર અતિક્રમણ કર્યું છે અને તેમને જમીન ફ્રીમાં આપવામાં આવશે. આ સરકારી જમીન હોવાના કારણે હાલમાં ત્યાં કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો.

વિક્રોલી પોલીસ દ્વારા સ્થાનિક બીએમસી કર્મચારીઓની સાથે અતિક્રમણને હટાવી દેવામાં આવ્યું છે, તે છતાં પણ કેટલાક લોકો મફતમાં જમીન મેળવવાની આશામાં જમીનની આસપાસ જ હજુ રહી રહ્યા છે.