રવિન્દ્ર જાડેજાના રિવાબાએ અજમાવ્યો બેટિંગ પર હાથ ! જામનગરમાં રિવાબા બેટિંગ કરતા દેખાયા, જુઓ વાયરલ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જ્યારે મેદાન પર બેટ સાથે ઉતરે ત્યારે ભલભલા બોલર્સના છક્કા છોડાવી દે છે. તેઓ બેટથી તો ઠીક પણ બોલથી પણ કમાલ કરતા જોવા મળે છે, તો જ્યારે પતિ ટીમના સ્ટાર પ્લેયર હોય તો પત્ની ક્રિકેટમાં કેવી રીતે પાછળ રહી જાય ? બરાબર ને. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

જામનગર PCC ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાજરી આપી હતી અને તેમણે બેટિંગ પણ કરી હતી. ટુર્નામેન્ટમાં રિવાબા જાડેજાએ બેટિંગ કરી ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે હવે રિવાબાનો બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો.

જણાવી દઇએ કે, પી.સી.સી. ગ્રુપ દ્વારા આયોજીત રાત્રીપ્રકાશ ટુર્નામેન્ટમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને દેશભરમાંથી ખેલાડીઓ જામનગર આવ્યા હતા. દર્શકોમાં પણ આ ટૂર્નામેન્ટને લઈ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઇનલ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ટોસ ઉછાળી બેટિંગ કરી અને ક્રિકેટરોને પ્રોત્સાહન આપ્યુ.

આ ટુર્નામેન્ટમાં ત્રણ રને રાજશક્તિ રીબડા ઇલેવનની ટીમ વિજેતા થઈ હતી અને વિજેતાને ટ્રોફી અને પુરસ્કાર માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટ ગુજરાતની ટેનીસ ક્રિકેટની મોટામાં મોટી ટૂર્નામેન્ટમાંની એક છે,

જેનું પીસીસી ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને ગઇકાલના રોજ ફાઇનલ મેચ જોવા માટે જામનગરમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જણાવી દઇએ કે, ભારતીય ઓલરાઉન્ડર રવિનદ્ર જાડેજાના પત્ની રિવાબા ધારાસભ્ય છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં જામનગર સીટ પરથી મોટા અંતરથી જીત મેળવી હતી.

Shah Jina