હાસ્યના ઠહાકા અને કોમેડીની ભરમાર એટલે સંપૂર્ણ પારિવારિક ફિલ્મ “નવા પપ્પા”, ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ અવશ્ય વાંચી લેજો

“ચાલ જીવી લઈએ” અને “કહેવતલાલ પરિવાર” જેવી સદાબહાર ફિલ્મો આપનારા કોકોનેટ મોશન પિક્ચરની ફિલ્મ “નવા પપ્પા” કેવી છે ? જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ

ગુજરાતી ફિલ્મોનો યુગ આજે બદલાઈ ગયો છે અને ઘણી બધી ગુજરાતી ફિલ્મોએ પોતાની આગવી પ્રતિભા પણ ઉભી કરી છે અને દર્શકો પણ થિયેટરમાં ગુજરાતી ફિલ્મો જોવા માટે જતા હોય છે. ત્યારે ફિલ્મ નિર્માતાઓ પણ હવે દર્શકોને પસંદ આવે એવી ફિલ્મોનું નિર્માણ કરે છે અને દર્શકોના મનોરંજન અને ગમતા વિષયોને લઈને ફિલ્મો બનાવતા હોય છે.

ત્યારે હાલમાં જ એક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ “નવા પપ્પા”. જેનું નામ જોઈને જ પહેલા તો કૌતુક થાય કે વળી “નવા પપ્પા”માં શું ખાસ હશે ? પરંતુ આ ફિલ્મ જોતા જ તમને આ ફિલ્મમાં “નવા પપ્પા” કોણ છે એ સમજાઈ જશે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ તેણે દર્શકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો અને ઘણા લોકો આ ફિલ્મને જોયા બાદ તેના વખાણ પણ કરી રહ્યા છે.

વાત કરીએ આ ફિલ્મની વાર્તાની તો ફિલ્મમાં એક વૈભવી પરિવારની કહાની છે, જેમનો પોતાનો એક બિઝનેસ છે અને આલીશાન બંગલામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. પરિવારની દીકરી એટલે કે મુખ્ય અભિનેત્રીને હિરોઈન બનવાની તમન્ના હોય છે અને તેના કારણે તે એક ફ્રોડ પ્રોડ્યુસરના ઝાંસામાં ફસાઈ જાય છે અને પોતાની બધી જ સંપત્તિ ગુમાવીને ભાડાના ઘરમાં રહેવા માટે મજબુર થઇ જાય છે.

ત્યારે જ એક વ્યક્તિ આવે છે અને તેમને તેમની સંપત્તિ પાછી અપાવે છે અને સાથે એક કામ પણ આપે છે, જેના બાદ ઘરમાં “ડોન”ની એન્ટ્રી થાય છે અને ત્યારથી જ આ કહાનીમાં એક નવો વળાંક આવી જાય છે. કારણ કે આ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ તે અમદાવાદનો માથાભારે અને ખુંખાર ગુંડો હોય છે. જેના સાથે ઘરમાં 4 મહિના સુધી રહેવાનું હોય છે. હવે ડોન સાથે આ પરિવાર કેવી રીતે રહે છે અને આગળ શું થાય છે તેના માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે.

આ ફિલ્મના કલાકારો વિશે જો વાત કરીએ તો ફિલ્મમાં મુખ્ય ભૂમિકા બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ જોશીએ નિભાવી છે. આ ઉપરાંત ફિલ્મમાં વંદના પાઠક, કિંજલ રાજપ્રિયા, પાર્થ ઓઝા, સુનિલ વિસરાની, દિલીપ દરબાર, મુનિ ઝા જેવા પાત્રોએ પણ મહત્વના કિરદાર નિભાવ્યા છે. આ ફિલ્મમાં મનોજ જોશી એક નવા અંદાજમાં તમને જોવા મળશે, જે કોમેડીની સાથે સાથે થ્રિલર પણ જગાવશે.

સાથે જ વંદના પાઠક સાથે તેમનું ટ્યુનીંગ પણ જબરદસ્ત જોવા મળી રહ્યું છે. વંદના પાઠક તેમના ડાયલોગથી પેટ પકડીને હસવાના ઘણા બધા મોકો આપી રહ્યા છે. તો કિંજલ રાજપ્રિયા પણ એક દીકરીના કિરદારમાં બરાબર ફિટ બેસે છે. તો પાર્થ ઓઝા પણ એક પ્રેમી તરીકે પરફેક્ટ છે. સુનિલ વિસરાનીની કોમેડી પણ તમને ચોક્કસ હસાવશે.

વાત કરીએ ફિલ્મના ગીતોની તો આ ફિલ્મના ગીતો લખ્યા છે કેદાર ભાર્ગવે. જે એકવાર સાંભળ્યા બાદ તમને ચોક્કસ ગણગણવાનું મન થાય. ફિલ્મનું ટાઇટલ ટ્રેક પણ તમારા પગને ઝુમતા કરી દે તેવું છે. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે કેદાર ભાર્ગવે. જે પણ ઘણું હૃયસ્પર્શી છે. આ ફિલ્મની કહાની લખી છે સુરેશ રાજદાએ.

કોકોનેટ મોશન પિક્ચર દ્વારા બનાવામાં આવેલી આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે અશોક પટેલે. તો ફિલ્મને પ્રોડ્યુસ રશ્મિન મજેઠીયા દ્વારા કરવામાં આવી છે. જેમેં અગાઉ “ચાલ જીવી લઈએ” અને “કહેવતલાલ પરિવાર” જેવી બ્લોકબોસ્ટર ફિલ્મો પણ આપી છે. 127 મિનિટની આ ફિલ્મમાં તમને જે માંગશો એ બધું જ પીરસવામાં આવ્યું છે. એ પછી પ્રેમ હોય, રોમાંચ હોય કે પછી થ્રિલર હોય. એટલે જરા પણ મોડું કર્યા વગર તમારા નજીકના થિયેટરમાં આજે જ આ ફિલ્મ નિહાળી આવો.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું હતું. ઘણા લોકોએ ટ્રેલરને જોઈને ફિલ્મ જોવા માટેની આતુરતા પણ દર્શાવી હતી. ત્યારે હવે આ ફિલ્મ થિયેટરમાં આવી ગઈ છે અને ચાહકો આ ફિલ્મને જોઈ હળવા ફૂલ થઈને થિયેટરની બહાર આવી રહ્યા છે.

Niraj Patel