જય જલારામ. કેમ છો મિત્રો? આશા છે તમે તમારા પરિવાર સાથે સેફ હશો. આજે આપણે આપણા ગુજરાતની પારંપરિક મીઠાઈ ઘઉંના ફાડાની લાપસી બનાવતા શીખીશું. કોઈપણ નાનો મોટો પ્રસંગ હોય કે પછી કોઈ સારા સમાચાર મળે આપણે હંમેશા મોઢું મીઠું કરીએ છીએ.
જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. અહીંયા આપેલ રેસિપી દ્વારા જો તમે આ ફાડા લાપસી બનાવશો તો તમારા દ્વારા બનાવેલ લાપસી ચવડ પણ નહિ થાય અને ચીકણી પણ નહિ લાગે. આ સાથે રેસિપીના અંતમાં આ રેસિપીનો વિડિઓ પણ આપેલ છે.
સામગ્રી
- ઘઉંના ફાડા – એક વાટકી
- ઘી – અડધી વાટકી
- પાણી – ત્રણ થી ચાર વાટકી
- ગોળ – અડધો કપ
- ખાંડ – અડધો કપ
- ડ્રાયફ્રુટ – બે થી ત્રણ કાજુ, બદામ અને પીસ્તા (તમને વધુ ડ્રાયફ્રુટ પસંદ હોય તો વધારે ઉમેરી શકો છો.)
ઘઉંના ફાડાની લાપસી બનાવવા માટેની સરળ રેસિપી
સૌથી પહેલા આપણે એક પેનમાં ઘી લઈશું અને તેને ગરમ થવા દઈશું.
હવે બીજા એક ગેસ પર આપણે જે માપનું પાણી લીધું છે એને એક તપેલીમાં ગરમ કરવા મુકીશું.
હવે ગરમ થયેલ ઘીમાં ઘઉંના ફાડા ઉમેરી લઈશું. હવે ધીમા તાપે એ ફાડાને ઘીમાં બરાબર શેકાઈ જવા દેવાના છે.
હવે ફોટોમાં દેખાય છે એ પ્રમાણે તમારે ફાડાને બરાબર ફૂટી જવા દેવાના છે. જેમ ધાણી ફૂટે અને દેખાય એવા દેખાવા લાગશે ત્યારે સમજો કે તમારા ફાડા પરફેક્ટ શેકાઈ ગયા છે.
હવે શેકાઈ ગયેલ ફાડામાં આપણે એકબાજુ ગરમ કરવા મુકેલ પાણી ઉમેરી લઈશું. ફાડા લાપસી બનાવતા પાણી હંમેશા ગરમ કરીને જ ઉમેરવું આમ કરવાથી શેકાયેલ ફાડા ફટાફટ ચઢી જશે અને તમારી બનાવેલ ફાડા લાપસી ચવડ પણ નહિ થાય.
હવે પાણી ઉમેરેલ પાણીને ફાડા સાથે બરાબર ઉકળવા દેવાના છે. (ફોટોમાં બતાવ્યા પ્રમાણે)
હવે જ્યાં સુધી ફાડા પાણી સાથે ઉકળી રહ્યા છે ત્યાં સુધી આપણે થોડા ડ્રાયફ્રુટ કાપી લઈશું.
હવે પાણીમાં ઉકળીને ફાડા ફોટોમાં દેખાય છે એવા થઇ જવા દેવાના.જો ભૂલથી પાણી વધુ પડી ગયું હોય તો થોડા વધારે ઉકળવા દેવા.
હવે આ ફાડામાં ગળપણ ઉમેરવાનો સમય થઇ ગયો છે. અહીંયા મેં અડધો ગોળ અને અડધી ખાંડ લીધી છે, તમારે ફક્ત ખાંડ કે ફક્ત ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અથવા મેં કર્યું એવી રીતે અડધું અડધું પણ લઈ શકો છો.
હવે ફોટોમાં દેખાય છે એવી રીતે ગોળ અને ખાંડ ઓગળીને એકરસ થઇ જશે.
હવે આ જે મિશ્રણ તૈયાર થયું એમાં આપણે જીણા સમારેલ ડ્રાયફ્રુટ અને એક ચપટી ઈલાયચી પાવડર ઉમેરી લઈશું.
આ બધું બરાબર મિક્સ કરી લેવું અને આ સાથે જ તૈયાર છે પરફેક્ટ અને દાણેદાર ફાડા લાપસી. તમને અમારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.
વિડિઓ રેસિપી:
સૌજન્ય : જલારામ ફૂડ હબ