2001માં KBC જુનિયરના વિજેતા બન્યા બાદ આ છોકરો બન્યો IPS અધિકારી, આવી છે રવિ મોહન સૈનીની કહાની
IPS Ravi Mohan Saini Success Story: સાચી વાત એ છે કે જો કિસ્મત અને મહેનત બંને એકસાથે કામયાબીનો રસ્તો બતાવવા પર ઉતરી આવે તો ભલા ખૂબસુરત જીવનની રાહમાં કોણ આડુ આવે ? આની જીવતી જાગતી મિસાલ છે KBC વિનર અને તહેલકો મચાવી દેનાર રવિ કુમાર સૈનીની.
તેમણે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી 15 સવાલોના સાચા જવાબ આપ્યા અને રિઝલ્ટ એ રહ્યુ કે રવિ મોહન સૈની કોણ બનેગા કરોડપતિના બાળ વિજેતા બનીને દેશ-દુનિયામાં રાતો-રાત છવાઇ ગયા. વીતેલી કાલનો આ જ બુદ્ધિશાળી છોકરો રવિ આજે આઈપીએસ ઓફિસર બન્યો છે. રાજસ્થાનના વતની રવિ સૈનીને ગુજરાત કેડર મળ્યુ છે.
રવિ સૈનીએ બાળપણમાં સપનું જોયુ હતુ કે તે મોટો થઈને IAS કે IPS બનશે. રવિ સૈનીએ સખત મહેનત અને સમર્પણ દ્વારા પોતાના અને પરિવારના સપનાને સાકાર કર્યુ છે. હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 15’ને લઈને ઘણી ચર્ચા છે. આ સિઝનમાં જસકરણ સિંહના રૂપમાં શોને પહેલો કરોડપતિ વિજેતા મળી ચૂક્યો છે. જસકરણ સિંહે 1 કરોડ રૂપિયા જીત્યા.
‘કેબીસી’ની જેમ ‘કેબીસી જુનિયર’ની પણ શરૂઆત થઈ હતી અને 2001માં બાળકો માટે આ ફોર્મેટ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ‘KBC જુનિયર’ની પ્રથમ સિઝનના વિજેતા રવિ મોહન હતા ? ત્યારે રવિ મોહન માત્ર 14 વર્ષના હતા, અને આજે તેઓ IPS ઓફિસર છે, અને ગુજરાતમાં પોસ્ટેડ છે. રવિ મોહન સૈનીએ 2001માં શરૂ થયેલી KBC જુનિયરમાં ભાગ લીધો હતો અને બધા સવાલોના સાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતા.
વર્ષ 2020માં તેમણે પોતાની જર્ની શેર કરતા જણાવ્યું હતું કે શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે જયપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું અને ઈન્ટર્નશિપ દરમિયાન તેમણે UPSC પરીક્ષા પાસ કરી. તેમણે પોતાની મહેનતથી આ પરીક્ષા પાસ કરી હતી અને ક્યાંયથી કોઈ કોચિંગ લીધું નહોતુ. રવિ મોહન સૈનીના પિતા નૌકાદળમાં હોવાથી તેમની પાસેથી પ્રેરણા લઈને તેઓ પોલીસ ફોર્સમાં જોડાયા હતા.
રવિ મોહન સૈની 2014માં ભારતીય પોલીસ સેવાઓ માટે ક્વોલિફાય થયા હતા. તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 461 હતો. રવિ મોહને ત્રણ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી હતી. તેમણે 2012માં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી. પરંતુ અસફળ રહ્યા બાદ 2013માં ફરી પ્રયાસ કર્યો. પછી તેમને ભારતીય પોસ્ટ અને કોમ્યુનિકેશન વિભાગમાં નોકરી મળી.પણ 2014માં ત્રીજી વખત યુપીએસસીની પરીક્ષા આપ્યા બાદ તેમણે આઈપીએસ ક્લિયર કરી અને એસપી બન્યા.
ઉલ્લેખનીય છે કે, 2021માં તેમને રાજકોટના ડીસીપી- ઝોન-1, એસપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રવિ મોહન સૈની ‘KBC જુનિયર’માં આવ્યા ત્યારે તેઓ 10મા ધોરણમાં ભણતા હતા. તે શોમાં આવવા માંગતા હતા કારણ કે તેઓ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મળી શકે. રવિ સૈની બાળપણથી જ અમિતાભ બચ્ચનના ફેન છે. તેમના મનમાં ઈચ્છા હતી કે બિગ બીને મળવાનો મોકો મળે. આ ઇચ્છા સાથે તે પોતાનું નસીબ અજમાવવા માટે ‘KBC જુનિયર’માં ગયા હતા, પણ નસીબ તો જુઓ તેઓ કરોડપતિ બનીને આવ્યા.