‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરુચરણ સિંહ 5 દિવસથી લાપતા, CCTV ફુટેજ આવ્યા સામે

તારક મહેતાના સોઢીએ કેમ છોડી મુંબઇની ફ્લાઇટ, 5 દિવસથી છે લાપતા…CCTV ફુટેજથી ઉલજાઇ કિડનેપિંગની ગુથ્થી

લોકપ્રિય ટીવી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ હાલમાં ચર્ચામાં છે. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ છે. આવી સ્થિતિમાં ચિંતિત પિતાએ દિલ્હી પોલીસમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં ગુરુચરણ સિંહને રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોક પર ક્યાંક પગપાળા જતા જોઈ શકાય છે.

આ ફુટેજની એક તસવીર સામે આવી છે જેમાં ગુરુચરણને સ્પોટ કરવામાં આવ્યો. તેની પીઠ પર બેગ જોઇ શકાય છે. ગુરુચરણના પિતા હરગીત સિંહે કહ્યું હતુ કે તે 22 એપ્રિલથી ગુમ છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તમામ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, જેથી ગુરુચરણને શોધવામાં તેમને મદદ મળી શકે. પોલીસે અભિનેતાના પરિવારને ખાતરી આપી છે કે તેઓ ગુરુચરણને જલ્દી શોધી લેશે. ગુરુચરણ સિંહ 22મી એપ્રિલથી ગુમ હોવાના સમાચાર છે, ત્યારે પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધ્યો છે.

આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો અને તેની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી નહિ. 25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં ગુરુચરણ સિંહ ચાલતો ક્યાંક જતો જોવા મળ્યો.

અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે. ગુરુચરણ સિંહના ગુમ થયા બાદ અભિનેતા અને નિર્માતા જેડી મજીઠિયાએ ધ ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ જેમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી. મજીઠિયાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ગુરુચરણનો મિત્ર તેમને રિસીવ કરવા એરપોર્ટ ગયો હતો, પરંતુ તે આવ્યો નહોતો.

આ પછી ભક્તિએ મને ગુરુચરણના ગુમ થવા વિશે જાણ કરી. ભક્તિ સોની, ગુરુચરણ અને હું કોમન ફ્રેન્ડ્સ છીએ. હું એક મીટિંગમાં હતો જ્યારે તેઓએ મને ફોન કર્યો અને કહ્યું કે ગુરુચરણ 22 એપ્રિલથી ગુમ છે. તે જ તારીખે તે મુંબઈ આવવાનો હતો. તે દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ પકડવા માટે તેના ઘરેથી પણ નીકળ્યો હતો, પરંતુ મુંબઈ આવ્યો નહિ અને વચ્ચે ક્યાંક ગુમ થઈ ગયો. જેડીએ જણાવ્યું કે જ્યારે ગુરુચરણ એરપોર્ટ પર ન આવ્યો ત્યારે ભક્તિ સોનીએ એરપોર્ટ ઓથોરિટી સાથે પૂછપરછ કરી.

આ પછી ભક્તિને ખબર પડી કે ગુરુચરણ ફ્લાઈટમાં ચઢ્યો નથી. જો કે, ફ્લાઈટમાં ચઢતા પહેલા તેણે ભક્તિ સોનીને મેસેજ કર્યો હતો કે તે બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યો છે. અભિનેતા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની તબિયત ઠીક નથી. તે ઘણા દિવસોથી બરાબર ખાતો ન હતો. તેનું બીપી હાઈ હતું અને તેણે કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા હોવાનું કહેવાય છે.

Shah Jina