કૃણાલ પંડ્યા બીજીવાર બન્યો પિતા, પત્ની પંખુરીએ આપ્યો દીકરાને જન્મ- હાર્દિક બન્યો કાકા
IPL 2024 વચ્ચે પંડ્યા બ્રધર્સના ઘરેથી મોટા સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં લખનઉ સુપરજાયન્ટ્સ તરફથી રમતો કૃણાલ પંડ્યા બીજીવાર પિતા બન્યો છે. કૃણાલની પત્ની પંખુરીએ બીજા પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર પત્ની અને બંને દીકરાઓ સાથેની તસવીરો શેર કરી છે.
કૃણાલ 21મી એપ્રિલે પિતા બન્યો હતો, જો કે 26મી એપ્રિલે આ અંગે તેણે માહિતી શેર કરી. કૃણાલ પંડ્યા હાલમાં IPLમાં વ્યસ્ત છે. તસવીરોમાં કૃણાલ તેની પત્ની પંખુરી શર્મા અને મોટા પુત્ર કવિર કૃણાલ પંડ્યા સાથે જોવા મળી રહ્યો છે, જ્યારે પંખુરી ઘરના નાના મહેમાનને ખોળામાં પકડેલી જોવા મળે છે. કૃણાલ અને પંખુરીએ તેમના નાના પુત્રનું નામ વાયુ રાખ્યુ છે.
તસવીરો શેર કરતા કૃણાલે કેપ્શનમાં લખ્યું, ‘વાયુ કૃણાલ પંડ્યા 21.04.24’ જણાવી દઇએ કે, કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ 2022માં બંનેએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું અને તેનું નામ તેઓએ કવિર કૃણાલ પંડ્યા રાખ્યું.
હવે આ કપલે તેમના બીજા પુત્ર વાયુનું પંડ્યા પરિવારમાં સ્વાગત કર્યુ છે. હવે પંડ્યા પરિવારમાં ત્રણ બાળકો છે, કૃણાલના નાના ભાઈ હાર્દિક પંડ્યાને એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય પંડ્યા છે. ત્રણ ભાઈઓમાં અગસ્ત્ય સૌથી મોટો છે, જેનો જન્મ જુલાઈ 2020માં થયો હતો. ઉલ્લેખનીય છે કે, IPL 2024માં લખનઉ માટે રમી રહેલ કૃણાલે 5 વિકેટ પોતાના નામે કરી છે. બેટિંગ દરમિયાન તેણે માત્ર 58 રન બનાવ્યા છે.
આઈપીએલ સિવાય કૃણાલ પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે પણ ડેબ્યુ કર્યું છે. કૃણાલ ભારત માટે 5 ODI અને 19 T20 મેચ રમ્યો છે. ODIમાં કૃણાલે 130 રન બનાવ્યા હતા જ્યારે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત T20માં તેણે 124 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી હતી.