કૌશલ બારડ ખબર લેખકની કલમે

રક્ષાબંધનની રાતે બનેલી ચોરીની આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો! ઘરના સભ્યોને બપોર સુધી સુવડાવી દેનાર કોણ હતો?…

રક્ષાબંધનને દિવસે બનેલો આ કિસ્સો રોચક છે, વાંચવા જેવો છે અને સાવચેત રહેવા માટે વોર્નિંગ આપનારો પણ છે. સમાજમાં આ હદ સુધી જનારા લોકો પણ હોય છે એનો અહીં ખ્યાલ આવશે.

બપોર થયો પણ કોઈ જાગ્યું કેમ નહી?
ગઈ ૧૫મી ઓગસ્ટનો બનાવ છે. રક્ષાબંધનની રાત હતી. હરિયાણાના શહેર ફરીદાબાદની ભાગોળે આવેલું તિગાંવ નામક ગામના એક નિવાસી શીશરામ નાગરની ઘરે એમની બે દીકરીઓ ભાઈને રાખડી બાંધવા સાસરેથી આવી હતી. બંને બહેનો સારો તહેવાર હોઈ ગળામાં અને કાનમાં સોનાના આભૂષણો પહેરીને આવી હતી. રાતના બધા સૂઈ ગયાં. બંને બહેનો અને એમની માતા ઘરમાં સૂતાં. શીશરામ નાગર ઉપર મેડીએ જતા રહ્યા અને ફળીયામાં એમનો દીકરો જગદીશ સૂતો હતો.

જે શેરીમાં આ મકાન હતું એની પાસે જ જુવારના મોટાં મોટાં ખેતરો હતાં. ફરીદાબાદના આ ઇલાકામાં પાછલા થોડા સમયથી ચોરીના બનાવો ઘણી વાર બની ચૂક્યા છે. લોકો કહેતા, ચોરી કરનાર પકડાતો નથી અને જુવારના ખેતરોમાં અદ્રશ્ય થઈ જાય છે. જો કે શીશરામ નાગરના આંગણે અણસાર થતા જ ભસી ઉઠે એવો કૂતરો તો બાંધેલો જ હતો.

પરોઢે ચારેક વાગ્યે જયદીપ જાગ્યો તો જોયું કે એમના માતા બહાર બેઠાં છે. પૂછ્યું તો જાણવા મળ્યું કે તેમને ચક્કર આવી રહ્યાં છે અને પેટમાં કંઈક ગરબડ થાય છે. એ પછી તેઓ સૂઈ ગયાં.

સવાર પડી. સૂરજ માથે આવી ગયો ત્યારે જયદીપને આશ્વર્ય થયું કે હજી સુધી મા કે બહેનોમાંથી કોઈ ઉઠ્યું નહી! આવું તો ના બને! તેમણે રાડો તો નાખી પણ કોઈ જવાબ ના મળ્યો. તેમણે અંદર જઈને જોયું અને જોતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા. ત્રણે સ્ત્રીઓ બેભાન પડી હતી! બંને બહેનોના ગળાનાં સોનાના ચેન અને કાનનાં સુર્વણ આભૂષણો ગાયબ હતાં! કોઈ પથારી ફેરવી ગયું હતું! અધૂરામાં પૂરું, બહાર કૂતરો પણ બેભાન હતો!

જોતજોતામાં લોક ભેગું થઈ ગયું. ત્રણેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. થોડી સારવાર પછી ત્રણેને હોશ આવ્યો. હવે લોકોનો આક્રોશ ઝાલ્યો ન રહ્યો. પાછલા થોડા દિવસોમાં આવી ઘટનાઓ ઘણી બની ગઈ હતી. રાત્રે કોઈ આવીને બારીમાં રહેલ કૂલરમાં ઝેરી સ્પ્રેનો છંટકાવ કરી જતું અને લોકોને બેભાન કરી હાથફેરો મારી જતું. પોલિસ કંઈ કરતી ન હોવાનો લોકોને રોષ હતો એટલે રોડ પર ચક્કાજામ કર્યો. બે-ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો પણ લોકો ન ઉઠ્યા. આખરે કોઈ સ્થાનિક નેતાએ ચોરની જેમ બને તેમ ઝડપથી પકડની ધરપત આપી લોકોને શાંત પાડ્યા.

આ મામલો કંઈક ઔર હતો!
હવે પોલિસ માથે પણ દબાવ હતો. માતા અને બંને દિકરીઓના બ્લડ મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં. પોલિસની ધારણા હતી કે ઝેરી પદાર્થ સૂંઘાડીને આ કરતૂત કરવામાં આવ્યું છે. પણ મેડિકલ ટેસ્ટમાં ખબર પડી કે આ સ્ત્રીઓને કોઈ ઝેરી પદાર્થ સૂંઘાડીને નહી, ખવડાવીને બેભાન કરવામાં આવી હતી!ક્રાઇમ બ્રાન્ચને તપાસની દિશા બદલવી પડી. હવે સુરાગ જતો હતો રાતના જમણવાર તરફ. એ આવીને ઉભો સાંજે ઉકાળેલાં દૂધને ત્યાં! આ દૂધમાં જ બેહોશી આપનાર પદાર્થ ભેળવેલો હતો, જે માતાએ અને બંને બહેનોએ ખાધું હતું અને કૂતરાંને પણ પાયું હતું.

કોણ હતું આ કરતૂત કરનાર?
આખરે આ સુરાગ ઉપરથી અને સાયબર બ્રાન્ચની પણ મદદ લઈને બદરપુર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાત્રે તેનાં ઘરે જઈને જ દબોચી લીધો અને પોલિસની ધારણા પ્રમાણે બધા ઘરેણાં તેની પાસેથી જ નીકળ્યાં! એ હતો : યોગેશ.

નગરપાલિકાની રોજ-રોજ ઘરનો કચરો લેવા ગાડી આવે છે તેનો કર્મચારી! આ માણસે જ મોકો જોઈને કચરો લેવાના બહાને ઘરમાં ઘૂસીને ઉકળતા દૂધમાં દવાની મિલાવટ કરી હતી અને પછી રાતે ખેલ પાર પાડ્યો હતો. તમે સમજી જ શકો કે આની પાછળ તેનું ઘણા દિવસોનું અવલોકન સમાયેલું હશે.

લોકો ક્યાં-ક્યાં સુધી પહોંચી શકે છે? કોઈ બારીમાંથી ઝેરી સ્પ્રે છાંટીને લોકોને બેભાન બનાવે છે તો કોઈ દૂધમાં ઝેર ભેળવવાના ફિલ્મી નુસ્ખાઓ અજમાવે છે! આવા લોકોની અંદર માનવતાના નામે કશું હોતું નથી. કોઈનો જીવ જાય એની એને પડી હોતી નથી. સાવચેત રહો, સતર્ક રહો!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks