ખબર

સુરતની હોસ્પિટલમાં એક સગર્ભા મહિલા બની કોરોના મુક્ત, માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવ્યો, જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં ઘાતક કોરોના આતંક મચાવી રહ્યો છે, ત્યારે દિવસેને દિવસે કેસો સતત વધી રહ્યા છે, રોજ નવા નોંધાયેલ કેસ રેકોર્ડ તોડી રહ્યા છે, ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એક પ્રેગ્નેટ મહિલાએ 7 દિવસમાં કોરોનાને માત આપી છે.

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલથી રિફર કરાયેલા અલથાણના સગર્ભા પરિણીતા શ્વેતાબેન પટેલને યોગ્ય સારવાર આપી કોરોનામુક્ત કર્યા છે.

અલથાણ ખાતે રહેતી શ્વેતા પટેલ ચાર મહિની પ્રેગ્નેન્સી ધરાવે છે ગત 4 તારીખે કોરોનાના લક્ષણ દેખાતા સેમ્પલ આપવામાં આવ્યા હતા બાદમાં કોરોના પોઝીટીવ આવતા પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમની ગંભીર હાલત થતાં વધુ સારવાર માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમને રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા.

કોરોનામુક્ત થયેલા શ્વેતાબેન પટેલે તબીબોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, હું અને મારો પરિવાર સ્મીમેર હોસ્પિટલના ઋણી છીએ. મને બે દિવસ બાયપેપ પર રાખવામાં આવી ત્યારે હું હિંમત હારી ગઈ હતી. પરંતુ દેવદૂત સમાન ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછરી રહેલા બાળકને સ્વસ્થ કર્યા છે. મારી પાસે એમનો આભાર માનવા કોઈ શબ્દો નથી. અહીં તદ્દન વિનામૂલ્યે સારવાર મળી છે. હજારો કોરોના દર્દીઓને સ્વસ્થ કરીને સહીસલામત ઘરે મોકલનારા સરકારી કોવિડ હોસ્પિટલના મહેનતુ ડોકટરો ઈશ્વરીય કાર્ય કરી રહ્યાં છે એવું શ્વેતાબેનના પતિ અક્ષય પટેલે જણાવ્યું હતું.